Western Times News

Gujarati News

આઝાદીના અમૃત મહોત્સવના પ્રારંભે ઝુબીન નોટીયાલે ગીત રજૂ કર્યુ

વડાપ્રધાનશ્રીએ નરેન્દ્રભાઈ મોદીએ દેશની આઝાદીના ૭૫ વર્ષ – આઝાદી કા અમૃત મહોત્સવના રાષ્ટ્રવ્યાપી ઉજવણી કાર્યક્રમોનો પ્રારંભ આઝાદી આંદોલનના મુખ્ય કેન્દ્રબિંદુ એવા સાબરમતી આશ્રમથી કરાવતા આ અમૃત મહોત્સવ ૧૩૦ કરોડ ભારતવાસીઓ માટે સ્વાતંત્ર્ય સેનાનીઓની પ્રેરણા, નવા વિચારો, નવા સંકલ્પો અને નયા ભારતના નિર્માણનું અમૃત બને તેવી અપેક્ષા વ્યક્ત કરી છે.

આઝાદીના અમૃત મહોત્સવ કાર્યક્રમની શરૂઆતમાં દેશભરના ૨૦૦ જેટલા કલાકારો દ્વારા દેશભાવનાને ઉજાગર કરતી રંગારંગ સાંસ્કૃતિક પ્રસ્તુતિ રજૂ કરવામાં આવી હતી. કુલ ૭૫ અઠવાડિયાના અમૃત મહોત્સવની ઉજવણી દરમિયાન દેશમાં કોઈપણ જગ્યાએ દેશ હિતાર્થે થનારા કામ અંગે ટ્વિટ કરી જાણકારી આપવામાં આવશે.

આ અવસરે વિશિષ્ટ પ્રકારનો ચરખો લોન્ચ કરવામાં આવ્યો હતો. “વોકલફોરલોકલ”ની થીમપર આધારિત આચરખો જ્યારે પણ કોઇપણ ભારતીય દ્વારા સ્વદેશી વસ્તુ ખરીદીને ટ્વિટ કરવામાં આવશે તેમ-તેમ ચરખો એક રાઉન્ડ ફરશે. સમગ્ર ઉજવણી દરમિયાન ૭૫ કરોડ વખત ચરખો ફેરવવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. ઉપરાંત આઝાદીના અમૃત મહોત્સવ માટે એક અલાયદી વેબસાઈટ “India75.nic.in”નું લોન્ચિંગ પણ કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે દેશના વિભિન્ન પ્રકારના કોટન નિર્માતા માટે આત્મનિર્ભર ભારત ઇન્ક્યુબેટરની ભૂમિકા આપવામાં આવી હતી.
સાબરમતી આશ્રમ ખાતે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી એ હૃદયકુંજની મુલાકાત લઇ ગાંધીજીની છબીને સુતરની આંટી પહેરાવી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. આ વેળાએ નાના ભૂલકાઓએ ગાંધીજીને પ્રિય એવા ભજનોનું મધુર કંઠે ગાન કર્યું હતું.

વડાપ્રધાનશ્રીએ ગાંધી આશ્રમની મુલાકાત બાદ આશ્રમની વિઝિટર્સ બુકમાં પ્રતિભાવ લખ્યો હતો.
આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી ઉપક્રમે દ્રશ્ય-શ્રાવ્ય ફિલ્મ રજુ કરવામાં આવી હતી. ત્યારબાદ દેશના વિખ્યાત ગીતકાર ઝુબીન નોટીયાલ દ્વારા “તુઝ સે હી તો ઝીંદા હું,  ઓ મેરે હિન્દુસ્તાન” ગીત લાઇવ રજૂ કરવામાં આવ્યું હતું.
વડાપ્રધાનશ્રીએ કાર્યક્રમ સ્થળે પધારી ચિત્રકાર છગનલાલ જાદવ દ્વારા દાંડી યાત્રા પરના સ્કેચ તથા વિવિધ સ્મૃતિચિત્રોનું પ્રદર્શન નિહાળ્યું હતું.

આ પ્રસંગે સાબરમતી આશ્રમ ખાતે ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત, લોકસભાના સાંસદ અને ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ શ્રી સી. આર. પાટીલ, અમદાવાદ શહેરના નવનિયુક્ત મેયર શ્રી કિરીટ પરમાર, સાબરમતી આશ્રમના ટ્રસ્ટી શ્રી કાર્તિકેય સારાભાઈ, શ્રી અમૃત મોદી અને નગરજનો ઉપસ્થિત રહ્યાં હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.