Western Times News

Gujarati News

છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં કોરોનાના ૨૩,૨૮૫ કેસ નોંધાયા

નવીદિલ્હી: છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં કોરોનાના ૨૩,૨૮૫ કેસ નોંધાયા છે. મોટાભાગના કેસો મહારાષ્ટ્ર, કેરળ, પંજાબ,કર્ણાટક,ગુજરાત અને તમિલનાડુમાં નોંધાયા છે.દેશના આઠ રાજ્યોમાં કોરોનાના ડેઈલી કેસો વધી રહ્યાં છે તેમાં ગુજરાત, હરિયાણા, મધ્યપ્રદેશ પણ સામેલ છે. જેટલા પણ એક્ટીવ કેસ છે તેમાં ૭૧ ટકા કરતા વધારે મહારાષ્ટ્ર અને કેરળમાં છે. મહારાષ્ટ્રના ઘણા જિલ્લામાં પ્રતિબંધો લાગુ પાડી દેવાયા છે. નાગપુરમાં સંપૂર્ણ લોકડાઉન લાગુ પાડી દેવાયું છે. તે ઉપરાંત અકોલા જિલ્લામાં પણ લોકડાઉન છે. નાસિક, ઠાણે, ઓરંગાબાદ,પરભણી, પુણે સહિતના જિલ્લામાં પણ પ્રતિબંધો લદાયા છે. આ વિસ્તારની શાળાઓ બંધ કરી દેવાઈ છે. નાઈટ કર્ફ્‌યુ પણ લાગુ છે.

પંજાબમાં કોરોનાના કેસોમાં જાેરદાર ઉછાળો આવ્યો છે. ચેપના ફેલાવાને અટકાવવા પટિયાલા, લુધિયાણા, ફતેહગઢ સાહિબ સહિત મોહાલીમાં વહિવટીતંત્ર દ્વારા નાઈટ કર્ફ્‌યૂની જાહેરાત કરવામાં આવી છે. નાઈટ કર્ફ્‌યુ રાતના ૧૧ થી સવારના પાંચ સુધી અમલમાં રહેશે. છેલ્લા ૨૪ કલાકમાં પંજાબમાં કોરોનાના ૧૩૧૦ નવા કેસ નોંધાયા છે અને કોરોનાને કારણે ૧૮ લોકોના મોત થયા છે.પંજાબના આરોગ્યપ્રધાન બલબીર સિંહ સિદ્ધુએ જણાવ્યું કે અમે એક દિવસમાં ૩૦,૦૦૦ ટેસ્ટિંગ કરી રહ્યાં છીએ.

હાલમા તો રાજ્યમાં સંપૂર્ણ લોકાડાઉન લાદવાનું કોઈ આયોજન નથી અને લોકડાઉનનો અંગેનો કોઈ ર્નિણય મુખ્યમંત્રી કેપ્ટન અમરિન્દરસિંહ કરશે. જાે પંજાબમાં કોરોનાની ગતિ ન અટકી તો હજુ બીજા પણ આકરા પ્રતિબંધો લાગુ પાડવામાં આવી શકે છે. રાજ્યના નાણામંત્રી મનપ્રીત સિંહ બાદલનો રિપોર્ટ પણ કોરોના પોઝિટીવ આવ્યો છે. કોરોના પોઝિટીવ હોવા છતાં પણ મનપ્રીત સિંહ બાદલ ગૃહમાં હાજર રહીને નાણા બજેટ રજૂ કર્યું હતું જેને કારણે ધારાસભ્યો અને મુખ્યમંત્રીના પણ કોરોના પોઝિટીવ હોવાનો ખતરો વધી ગયો છે.

ગુરુગ્રામમાં બુધવાર સુધી ૧૮ કન્ટેનમેન્ટ ઝોન બનાવાયા છે આ વિસ્તારોને સીલ કરી દેવામાં આવ્યાં છે. લોકોની અવરજવર પર પ્રતિબંધ છે અને રેન્ડમ ટેસ્ટિંગ કરાઈ રહ્યાં છે. જે એરિયા હોટસ્પોટ બન્યાં છે તેને કોર્ડન ઓફ કરી દેવાયા છે. માસ્ક વગર રખડતા લોકો પાસેથી તગડો દંડ વસૂલાઈ રહ્યો છે. ગાઝિયાબાદમાં સેન્ટ્રલ પબ્લિક વર્ક્‌સ ડિપાર્ટમેન્ટ ટ્રેનિંગ ફેસિલિટીમાં ૨૧ એન્જિનિયર્સ કોરોના પોઝિટીવ નીકળતા પ્રશાસને આગામી ૧૪ દિવસ સુધી પરિસરને સીલ મારી દીધું છે. દિલ્હીમાં પણ કોરોનાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.