Western Times News

Gujarati News

ધંધુકાના મેઘાણી સ્મારક ખાતે “આઝાદીનો અમૃત મહોત્સવ” કાર્યક્રમ યોજાયો

‘’આપણો દેશ આગામી વર્ષે ૭૫ માં વર્ષમાં પ્રવેશ કરી રહ્યો છે, આઝાદી સાથે જોડાયેલા આપણા લડવૈયા- ઘડવૈયાએ આપેલા આદર્શો અને તેમણે જોયેલા સપનાઓનો આ મહોત્સવ છે’’ તેમ અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી શ્રી જયેશભાઈ રાદડિયાએ જણાવ્યું હતું. અમદાવાદ જિલ્લાના ધંધુકા ખાતે મેઘાણી સ્મારક ખાતે યોજાયેલા કાર્યક્રમના ઉપસ્થિત મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, ભારતની ભવ્ય આઝાદી માટે પોતાનુ બલિદાન આપનારને યાદ કરવાનો આ મહામુલો અવસર છે.

શ્રી જયેશભાઈ રાદડિયાએ આ અવસરે પૂર્વ પ્રધાનમંત્રી શ્રી અટલબિહારી વાજપેયીનું સ્મરણ કરતાં કહ્યું કે, શ્રી અટલ બિહારી વાજપેયીજી કહેતા હતા કે ભારત કોઈ જમીનનો ટુકડો નથી, પણ એ જીવતો જાગતો રાષ્ટ્રપુરુષ છે. ઉલ્લેખનીય છે કે આઝાદીનો અમૃત મહોત્સવ અંતર્ગત ગુજરાત રાજ્યના 75 સ્થળોએ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.

આઝાદીનો અમૃત મહોત્સવ ભારતની સ્વતંત્રતાની 75મી વર્ષગાંઠની ઉજવણી સંદર્ભે ભારત સરકાર દ્વારા આયોજીત કાર્યક્રમોની શૃંખલા છે. આ મહોત્સવ જનભાગીદારીની ભાવના સાથે જન-ઉત્સવના રૂપે મનાવાશે.

આ કાર્યક્રમ દરમિયાન સાબરમતી આશ્રમ-અમદાવાદ ખાતેથી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમા યોજાયેલા રાષ્ટ્રીય કાર્યક્રમનુ દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમથી જીવંત પ્રસારણ પણ રજુ કરાયુ હતુ. પ્રાસંગિક વક્તવ્યમા પ્રાંત અધિકારીશ્રી આર.એમ. જાલંધરા એ “આઝાદીના અમૃત મહોત્સવ” કાર્યક્રમની રૂપરેખા આપી હતી.

“આઝાદીના અમૃત મહોત્સવ” કાર્યક્રમ પ્રસંગે  પ્રાંત અધિકારીશ્રી આર.એમ. જાલંધરા, ધંધુકા મામલતદાર, નગરપાલિકા પ્રમુખ, તાલુકા પંચાયતના સભ્યો, ગાંધી વિચારધારા સાથે સંકળાયેલી સંસ્થાઓના પ્રતિનિધિઓ, સામાજિક અગ્રણીઓ, શાળાની વિદ્યાર્થીનીઓ વગેરે કાર્યક્રમમા સહભાગી થયા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.