રસી આવ્યાની ખુશી હતી ત્યાં કોરોનાએ થપ્પો કર્યો : સિદ્ધાંત
મુંબઈ: બોલિવુડ એક્ટર સિદ્ધાંત ચતુર્વેદીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો તે સમાચાર ફેન્સ તેમજ ઈન્ડસ્ટ્રીના તેના શુભચિંતકો માટે ઝટકો બનીને આવ્યા હતા. એક્ટર હાલ હોમ ક્વોરન્ટિન છે અને આ વાતની જાણ કર્યાના થોડા દિવસ બાદ એક્ટરે સોશિયલ મીડિયા પર જણાવ્યું છે કે, તે રિકવરી મોડ પર છે. ઈન્સ્ટાગ્રામ પર સેલ્ફી શેર કરીને ગલી બોય એક્ટરે લખ્યું છે કે, હજુ તો રસી આવ્યાની ખુશી જ થઈ હતી કે કોરોના બોલ્યો થપ્પો.
સિદ્ધાંત ચતુર્વેદીની આ પોસ્ટ પર ઈન્ડસ્ટ્રીના ફ્રેન્ડ્સ અને ફેન્સ તરફથી કોમેન્ટ્સનો વરસાદ થયો છે. ગલી બોયના કો-એક્ટર વિજય વર્માએ લખ્યું છે કે, તેને હરાવી દે શેર. તો કેટરીના કૈફ અને ઝોયા અખ્તરે રેડ હાર્ટ ઈમોજી મૂક્યું છે. બોલિવુડના જાણીતા કોરિયોગ્રાફર બોસ્કો માર્ટિસે લખ્યું છે કે,ગેટ વેલ સૂન બ્રો. એક્ટરે તેનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોવાની જાણ ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં એક પોસ્ટ શેર કરીને કરી હતી.
તેણે લખ્યું હતું કે, ‘મારી ચિંતા કરવા બદલ આપ તમામનો આભાર. મારો કોવિડ-૧૯ ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. હાલ મને સારું લાગી રહ્યું છે અને હું હોમ ક્વોરન્ટિન થયો છું. હું તમામ સાવચેતી રાખી રહ્યો છું તેમજ ડોક્ટરોની સલાહનું પાલન પણ કરી રહ્યો છું. પોઝિટિવ રહીને તેનો ઉકેલ લાવીશ. સિદ્ધાંત ચતુર્વેદીએ ‘ગલી બોય’થી બોલિવુડમાં ડેબ્યૂ કર્યું હતું. ઝોયા અખ્તરની આ ફિલ્મમાં તેની સાથે આલિયા ભટ્ટ, રણવીર સિંહ અને વિજય વર્મા હતા.
ફિલ્મને ઘણા એવોર્ડ્સ પણ મળ્યા છે. આ ફિલ્મમાં સિદ્ધાંતનો અભિનય બોલિવુડના મહાનાયક અમિતાભ બચ્ચનને પણ પસંદ આવ્યો હતો અને તેમણે એક્ટરની પ્રશંસા કરતાં પત્ર પણ મોકલ્યો હતો. એક્ટરના વર્કફ્રંટની વાત કરીએ તો, તે ફિલ્મ ભૂત પોલીસ’નું શૂટિંગ કરી રહ્યો હતો. જેમાં તેની સાથે કેટરીના કૈફ અને ઈશાન ખટ્ટર છે. આ એક હોરર-કોમેડી ફિલ્મ છે. આ સિવાય તે અનન્યા પાંડે અને દીપિકા પાદુકોણ સાથે પહેલીવાર સ્ક્રીન શેર કરતો જાેવા મળશે. શકુન બત્રાની આ ફિલ્મનું ટાઈટલ હજુ જાહેર કરવામાં આવ્યું નથી.