Western Times News

Gujarati News

PMMVY હેઠળ વર્ષ 2020માં ગુજરાતમાં 2,78,232 મહિલાઓને મેટર્નિટી લાભ મળ્યા

કેલેન્ડર વર્ષ 2020માં, ગુજરાતમાં 2,78,232 મહિલાઓને પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના હેઠળ મેટર્નિટી લાભ આપવામાં આવ્યા છે. મહિલા અને બાળ વિકાસ મંત્રી શ્રીમતી સ્મૃતિ ઝુબિન ઇરાનીએ આ માહિતી માર્ચ 25, 2021ના રોજ રાજ્યસભામાં સાંસદ શ્રી પરિમલ નથવાણી દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નના પ્રત્યુત્તરમાં ઉપલબ્ધ બનાવી હતી.

મંત્રીશ્રીના નિવેદન અનુસાર, સરકાર દ્વારા PMMVY બે હેતુસર અમલ કરવામાં આવે છેઃ (1) રોજગારી ગુમાવવાની સામે આંશિક વળતરના રૂપમાં રોકડ પ્રોત્સાહનના આપવામાં આવે છે, જેથી મહિલાઓ પ્રથમ બાળકની પ્રસૂતિ પહેલાં અને પછીથી પૂરતા પ્રમાણમાં આરામ કરી શકે અને (2) સગર્ભા મહિલાઓ અને ધાત્રી માતાઓમાં આરોગ્ય અંગેની સભાનતા વધે તે માટે રોકડ પ્રોત્સાહન આપવામાં આવે છે.

શ્રી પરિમલ નથવાણી પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના (PMMVY) હેઠળ કુલ કેટલી મહિલાઓને વર્ષ 2020માં લાભાર્થી તરીકે આવરી લેવાઈ છે અને વર્કિંગ વુમનના કલ્યાણ માટે સરકાર દ્વારા કયાં પગલાં લેવામાં આવી રહ્યા છે તે અંગે જાણવા માંગતા હતા.

મંત્રીશ્રીએ એમ પણ જણાવ્યું હતું કે સરકારે મેટર્નિટી બેનિફિટ એક્ટ, 1961માં 2017માં સુધારો કર્યો છે. મુખ્ય સુધારાઓમાં મેટર્નિટી લીવની સંખ્યા 12 સપ્તાહથી વધારીને 26 સપ્તાહ કરવામાં આવી છે, કમિશનિંગ/એડોપ્ટીંગ માતાઓ માટે 12 સપ્તાહની મેટર્નિટી લીવ, 50 કે તેનાં કરતાં વધારે કર્મચારીઓ ધરાવતી સંસ્થામાં ફરજિયાત શિશુગૃહની જોગવાઈ, જેમાં મહિલાને દિવસમાં ચાર વખત શિશુગૃહની મુલાકાતની જોગવાઈનો સમાવેશ કરવામાં આવ્યો છે,

મહિલાઓને સોંપવામાં આવતા કામના પ્રકારને આધારે મેટર્નિટી લાભ મેળવ્યા બાદ મહિલા અને એમ્પ્લોયરની સમજૂતીને આધારે વર્ક ફ્રોમ હોમનો વિકલ્પ આપવાની જોગવાઈ અને મહિલાને તેની નિમણૂક સમયે આ કાયદા હેઠળના લાભો અંગે લેખિત અને ઇલેક્ટ્રોનિક સ્વરૂપમાં ફરજિયાત માહિતી આપવી વગેરેનો સમાવેશ થાય છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.