Western Times News

Gujarati News

ખેડૂતો અંબુજા સિમેન્ટ કંપનીથી ત્રાહિમામ પોકારી ઉઠ્‌યા

સોમનાથ: ગીર સોમનાથમાં કોડીનારના ખેડૂતો અંબુજા સિમેન્ટ કંપનીથી ત્રાહિમામ પોકારી ઉઠ્‌યા છે. કોડીનારના વડનગર ગામ નજીક આવેલા અંબુજાના કેમિકલ યાર્ડમાં મોટા પ્રમાણમાં અલગ-અલગ પ્રકારના કેમિકલ સંગ્રહ કરાયા છે. જે ધીમે-ધીમે જમીનમાં પ્રસરી રહ્યાં છે અને તેના કારણે ભૂગર્ભનું પાણી ઝેરી કેમિકલયુક્ત થઈ રહ્યું છે. આ કંપનીના પાપે ખેડૂતોના કૂવાનું પાણી લોહી જેવું લાલ થઈ ગયું છે. હાલ આ પાણી પીવાલાયક તો રહ્યું જ નથી. પણ પશુઓને કે પાકને આપવામાં આવે તો પાક નિષ્ફળ થઈ શકે છે તેવી ભીતિ પણ ખેડૂતોને સતાવી રહી છે. ખેતીની જમીને ફળદ્રુપતા ગુમાવી હોવાનો ખેડૂતોનો આરોપ છે.

ગીર સોમનાથના વડનગર ગામ પાસે અંબુજા કંપની આવેલી છે, જેની આસપાસ અનેક વાડીઓ આવેલી છે. અહીંના ખેડૂતો હાલ અંબુજા કંપનીને કારણે ત્રાહિમામ પોકારી ઉઠ્‌યાં છે. ખેડૂતોનાં કહેવા મુજબ ખેડૂતોનાં કૂવાના પાણીનો ધીમે ધીમે કલર બદલાયો છે અને પાણી લાલ લોહી જેવું દેખાય રહ્યું છે. ખેડૂતોના મતે ૧૦૦ મીટર દૂર અંબુજા કંપનીનું કેમિકલ યાર્ડ છે અને તે યાર્ડમાં જથ્થાબંધ રીતે કેમિકલનો સંગ્રહ કરવામાં આવે છે. જે કેમિકલ ધીમે ધીમે જમીનમાં ઉતરી રહ્યું છે. જેના કારણે પીવાનું પાણી કેમિકલયુક્ત પાણી બન્યું છે. આ કારણે આ પાણી પીવાલાયક રહ્યું નથી, તેમજ ખેતીલાયક પણ રહ્યું નથી. આ સમસ્યા વિશે ગામના ખેડૂત ભીખાભાઈ ભરગાએ જણાવ્યું કે, ગામના ખેડૂતોએ આ પાણીનું પશુ ચિકિત્સકોએ નિરીક્ષણ કરાવ્યું હતું.

જેમાં સામે આવ્યું હતું કે આ પાણી ઢોરના પીવાલાયક પણ નથી અને તે ઢોરને પણ નુકસાન પહોંચાડી શકે છે. અહીં ખેડૂતો માત્ર અંબુજા કંપનીના કેમિકલયુક્ત પાણીથી જ પરેશાન નથી એવુ નથી. પરંતુ, સિમેન્ટની કંપનીમાંથી ઉડતી ડસ્ટથી પણ ખેડૂતોના પાકને નુકસાન થઈ રહ્યું છે. ખેડૂતોએ આ મામલે અનેકોવાર સરકારમાં રજૂઆત કરી છે.

પરંતુ, આજ દિન સુધી તેમના પ્રશ્નનો ઉકેલ આવ્યો નથી. ખેડૂતોની રજૂઆત છે કે, સરકારની વ્હાલા દવલાની નીતિના કારણે કોઈ પગલાં લેવામાં નથી આવતા. ખેડૂતોએ અનેકોવાર કંપની સામે લડત ચલાવવાની તૈયારી કરી હતી. પણ કંપની કેટલાક ખેડૂતોને પૈસા આપી ચૂપ કરાવી દેતી હોવાનો પણ અંબુજાની કંપની પર ખેડૂતોએ આરોપ લગાવ્યો છે. જ્યારે, જીપીસીબીના અધિકારીઓ પણ રૂપિયા ખાઈને કંપની તરફી રિપોર્ટ આપતા હોવાનો ખેડૂતોએ આક્ષેપ કર્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.