Western Times News

Latest News from Gujarat

ખેડૂતોની જમીન પચાવી પાડનારને અમે નશ્યત કરવા કટીબધ્ધ : ગૃહ રાજ્ય મંત્રી

ગાંધીનગર: ગૃહ રાજ્ય મંત્રીશ્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું છે કે ભૂમાફિયાઓની શાન ઠેકાણે લાવવાના મક્કમ નિર્ધાર સાથે અમે આગળ વધી રહ્યા છીએ જેના પરિણામે પ્રજાના આશીર્વાદ અમારા પર ઉત્તરોત્તર વરસી રહ્યા છે. ગરીબ-મધ્યમ પરિવારો તથા ખેડૂતોની જમીન પચાવી પાડનારને નશ્યત કરવા માટે ગુજરાત લેન્ડગ્રેબીંગ સામેનો કાયદો લાવ્યા છીએ જેનાથી લોકો ખૂબજ આનંદીત છે. આજે વિધાનસભામાં જૂનાગઢ ખાતે ગુજરાત લેન્ડગ્રેબીંગ (પ્રોહિબિશન) એકટ, ૨૦૨૦ હેઠળના કેસો ચલાવવા માટેની ખાસ કોર્ટની રચનાને લગતા પ્રશ્નના પ્રત્યુત્તરમાં મંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે જૂનાગઢ જિલ્લામાં અત્યાર સુધીમાં લેન્ડગ્રેબીંગની ફરીયાદો સંદર્ભની ૫૭ અરજીઓ મળી છે. સમગ્ર રાજ્યમાં કમિટીની ભલામણને આધારે ૧૩૩ એફ.આઇ.આર. થઇ છે. ૧૧૪ ચાર્જશીટ પણ દાખલ કરીને ૩૧૭ જેટલા ભુમાફિયાઓને જેલના હવાલે ધકેલી દેવાયા છે. સમગ્ર રાજ્યમાં ૧,૩૮૪વીઘા જેટલી જમીન તેમના મુળ માલીકોને પરત કરવાની કાર્યવાહી હાથ ધરાઇ છે.

મંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે આવા ભૂમાફીયાઓ રાજ્યમાં અન્ય કોઇ ગુના ન કરે તે માટે રાજ્યની સ્ટેટ ક્રાઇમ બ્રાંચ દ્વારા જરૂરી ટ્રેક રેકર્ડ રાખવામાં આવે છે જેના પરિણામે આવા તત્વોને વધુમાં વધુ જેલમાં રાખી શકાય. ગરીબ પરિવારોને મદદરૂપ થવા આ કાયદો બનાવ્યો છે જેના પરિણામે આજે રાજ્યભરમાંથી સરકારને આશિર્વાદ મળી રહ્યા છે અને રાજ્યમાં પ્રવર્તી રહેલ ઉત્તમ કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિના કારણે આજે સ્થાનિક સ્વરાજની ચુંટણીઓમાં ૯૦ ટકા બેઠકો ભાજપના ફાળે આવી છે. એટલે પ્રજા સરકારની કામગીરીથી સંપૂર્ણ સંતુષ્ટ છે.મંત્રીશ્રીએ વધુમાં ઉમેર્યું છે

ગુજરાતનો જે રીતે સર્વાંગી વિકાસ થઇ રહ્યો છે તેના પરિણામે રાજ્યમાં જમીનના ભાવ ખૂબ વધ્યા છે જેના કારણે આવા ભૂમાફીયા અસ્તિત્વમાં આવ્યા છે. રાજ્યના ગરીબ ખેડૂતો અને લોકોને ભોળવીને ખોટા દસ્તાવેજાે કરાવીને જમીન પચાવી ન પાડે તે માટે દ્રઢ રાજકીય ઇચ્છાશક્તિથીશ્રી વિજયભાઇ રૂપાણીના નેતૃત્વવાળીસંવેદનશીલ સરકાર આ કાયદો લાવી છે. તેનો અમલ પણ શરૂ કરી દીધો છે. આ માટે રૂા. ૨ હજારના ટોકન ભાવે સ્થાનિક જિલ્લા કક્ષાએ ઉચ્ચ્કક્ષાની સમિતિને અરજી કરવાની હોય છે

તેમજ કલેકટરશ્રી પણ સુઓ-મોટો કાર્યવાહી કરીનેકામગીરી કરી શકે છે. જે માટે જિલ્લા કલેકટરશ્રીના અધ્યક્ષપણામાં જિલ્લા વિકાસ અધિકારી, જિલ્લા પોલીસ અધિક્ષક અને મ્યુનિસીપલ કમિશ્નરશ્રીનો સમાવેશ કરતી ઉચ્ચ સમિતિની રચના કરી છે. જે ૨૧ દિવસમાં અરજી અંગે ર્નિણય લઇને એફ.આઇ.આર. કરવા સુચના આપે છે. પોલીસતંત્ર એફ.આઇ.આર. સંદર્ભે ૭ દિવસમાં યોગ્ય કાર્યવાહી કરવાની કડક સુચના પણ આપે છે.
મંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે અમારી સરકાર રાજ્યમાં કાયદો વ્યવસ્થાને વધુ સુદ્રઢ બનાવવા માટે કોઇ કચાશ રાખવા માંગતી નથી. આ માટે દ્રઢ રાજકીય ઇચ્છાશક્તિથી કાયદાઓમાં સુધારા કરવામાં આવેલ છે તેમજ ગુંડા નાબુદી ધારા જેવા કડક કાયદા પણ લાવવામાં આવ્યા છે તેના પરિણામે ગુંડાઓમાં પણ હવે ફફડાટ પેદા થયો છે.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers