Western Times News

Gujarati News

જામનગરઃ સાળાની પત્ની સાથે અનૈતિક સંબંધમાં સાસરિયાઓએ જમાઈને પતાવી દીધો!

Files Photo

જામનગર: કહેવાય છે કે નૈતિક સંબંધનો અંત ખરાબ હોય છે. જામનગરમાં કંઈક આવું જ બન્યું છે. જામનગરના ધરાનગર વિસ્તારમાં કૂવામાંથી મળી આવેલા મૃતદેહનું રહસ્ય ખૂલ્યું છે. મૃતકની પોતાની સાળાયેલી (સાળાની પત્ની) સાથેના અનૈતિક સંબંધોના કારણે તેના જ સાસરિયાઓએ હત્યા નિપજાવી હોવાનું ખૂલતાં ખળભળાટ મચી ગયો છે. આ કેસમાં સૌથી ચોંકવાનારી વાત એ છે કે મૃતક યુવકની પત્ની પણ હત્યામાં શામેલ છે. આ ઉપરાંત તેણીએ જ તેનો પતિ ગુમ થયો હોવાની પોલીસ ફરિયાદ નોંધાવી હતી. હવે તે આ કેસમાં આરોપી બની છે.

જામનગરના ધરારનગર વિસ્તારમાં તાજેતરમાં જ એક અવાવરૂ કૂવામાંથી મોડી રાત્રે સળગી ગયેલી હાલતમાં એક માનવ મૃતદેહ મળી આવ્યો હતો. આ અંગેની પોલીસે શરૂ કરેલી પ્રાથમિક તપાસમાં યુવકની હત્યા થઇ હોવાનું સામે આવ્યું હતું. પોલીસે કરેલી તપાસમાં હત્યા સાસરિયા પક્ષના સભ્યો દ્વારા જ કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. મૃતકની પત્ની સાસુ-સસરા સહિતના છ સભ્યોએ જ યુવકનું ઢીમ ઢાળી દઈને મૃતદેહને કૂવામાં નાંખી સળગાવી દીધો હતો. અનૈતિક સંબંધોના કારણે આ બનાવ બન્યો હોવાનું પોલીસમાં જાહેર થયું છે.

જામનગર નજીક ધરાનગર-૧ વિસ્તારમાં એક અવાવરૂ કૂવામાંથી ચાર દિવસ પહેલા એક મૃતદેહ સળગેલી હાલતમાં મળી આવ્યો હતો. જેથી પોલીસે ઘટના સ્થળે દોડી જઈને જામનગરની જી.જી.હૉસ્પિટલ ખાતે મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું. જેમાં યુવકને માથાના ભાગે બોથડ પદાર્થના ઘા ઝીંક્યાના ઇજાના નિશાન જાેવા મળ્યા હતા. જે બાદમાં પોલીસે હત્યાની આશંકા રાખીને તપાસ શરૂ કરી હતી. બીજી તરફ પોલીસને જામનગરના વૂલનમીલ નજીક સિદ્ધાર્થનગરમાં રહેતો લલિત રામજીભાઈ સોંદરવા નામનો ૨૮ વર્ષનો એક યુવાન ગુમ થઈ ગયો હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. જે અંગેની તપાસ પછી ઉપરોક્ત મૃતદેહ લલિતનો જ હોવાનું સામે આવ્યું હતું.

પોલીસે કરેલી તપાસ દરમિયાન મૃતક યુવક લલિત પોતાના સસરા પાલાભાઈ અરજણભાઈ કંટારીયા સાથે સિદ્ધાર્થનગરમાં ઘર જમાઈ તરીકે રહેતો હોવાનું માલુમ પડ્યું હતું. જેથી પોલીસે પાલાભાઇના ઘરમાં તપાસ શરૂ કરી હતી. પોલીસની ઉંડાણપૂર્વકની તપાસમાં અનૈતિક સંબંધને પગલે લલિતની હત્યા થઈ હોવાનું સામે આવ્યું હતું. આ હત્યા બીજા કોઈ નહીં પરંતુ સાસરિયા પક્ષ દ્વારા જ કરવામાં આવી હોવાનું જાણીને પોલીસ પણ ચોંકી હતી.

મળતી માહિતી પ્રમાણે લલિતને તેના સાળા વિપુલની પત્ની ભાનુબેન સાથે અનૈતિક સંબંધ હતા. આ વાતનો ભાંડો ફૂટી જતા સમગ્ર પરિવારે જમાઈનું કાસળ કાઢી નાંખવાનો પ્લાન ઘડી કાઢ્યો હતો. પ્લાન મુજબ ૧૮ માર્ચ, ૨૦૨૧ના લલિતની પત્ની વાસંતીબેન ઉપરાંત લલિતના સસરા પાલાભાઈ, સાળો વિપુલ અને અશ્વિન, સાસુ જયાબેન, વિપુલની પત્ની ભાનુબેન સહિતના ૬ સભ્યોએ સાથે મળીને ગળેટૂંપો દઈને લલિતને ઘરમાં જ પતાવી દીધો હતો. જે બાદમાં પુરાવાનો નાશ કરવાના હેતુથી મૃતદેહને ધરારનગર વિસ્તારમાં આવેલા અવાવરૂ કૂવામાં જઈને ફેંકી દીધો હતો.

કોઈને ખબર પડી ન જાય તે માટે મૃતદેહ ઉપર ડીઝલ રેડીને દીવાસળી ચાંપીને લાશને સળગાવીને પુરાવાનો નાશ કરવાનો પણ પ્રયત્ન કર્યો હતો. જાેકે, આખરે મામલો પોલીસ મથક સુધી પહોંચ્યો હતો. સિટી બી ડિવિઝન પોલીસે સતત ત્રણ દિવસની ઊંડાણપૂર્વકની તપાસ પછી મૃતદેહની ઓળખ કરી હત્યાનો ભેદ પણ ઉકેલી કાઢ્યો છે. મૃતક લલિતના ભાઈ સંજય રામજીભાઈ સોંદરવાએ જામનગરના સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પોતાના ભાઈની પત્ની, સાસુ-સસરા, બે સાળા સહિત છ શખ્સ સામે હત્યાની ફરિયાદ નોંધાવતા પોલીસે હત્યાની કલમનો ઉમેરો કરી ગુનો નોંધ્યો છે. પોલીસેના કહેવા પ્રમાણે બહુ ઝડપથી તમામ આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.