Western Times News

Gujarati News

ખેડા જિલ્લા કલેકટરને આવેદન આપી રોડના કામમાં ભ્રષ્ટાચારની તપાસની માંગ

વસોથી પીજ ચોકડી સુધીનો માર્ગ , નડિયાદ – મહેમદાવાદ રોડ , ડાકોરથી નડિયાદનો માર્ગ  વિકાસ કામોમાં સરકારી અધિકારીઓની મિલીભગતથી કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર

(તસવીર સાજીદ સૈયદ નડીયાદ) ખેડા જિલ્લા કલેકટરને એક સામાજિક કાર્યકરે આવેદન પત્ર આપી માર્ગ અને મકાન વિભાગ ( રાજ્ય ) , નડિયાદ ની કચેરી અંતર્ગત થયેલા રોડના વિવિધ કામોમાં થયેલી ગેરરીતિ અંગે ખાતાકીય તપાસ કરી જવાબદારોને સસ્પેન્ડ કરવા માગ કરી છે જોકે હજુ સુધી આ બાબતે નક્કર તપાસ નથી થઈ હોવા ના આક્ષેપો થઈ રહ્યા છે

ખેડા જિલ્લાના એક સામાજિક કાર્યકર અને લવાલ સરપંચ તરીકે રહી ચૂકેલા પૂર્વ સરપંચ  મહિપતસિંહ ચૌહાણ એ આપેલા આવેદનપત્રમાં જણાવ્યું છે કે ,નડિયાદ માં આવેલ જિલ્લાની માર્ગ મકાન વિભાગની કચેરી ( રાજ્ય ) અંતર્ગત ખેડા જિલ્લામાં વિવિધ વિસ્તારમાં વિકાસના કામો થયા છે .

જેમાં વસોથી પીજ ચોકડી સુધીનો માર્ગ , નડિયાદ – મહેમદાવાદ રોડ , ડાકોરથી નડિયાદનો માર્ગ છેલ્લા થોડા મહિનાઓમાં જ નિર્માણ થયો છે અને હજુ કામો ચાલુ પણ છે . પરંતુ અહી આ વિકાસ કામોમાં સરકારી અધિકારીઓની મિલીભગતથી કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો છે .

આ મુખ્ય રસ્તાઓમાં પોતાના મળતિયા કોન્ટ્રાક્ટરો અને એજન્સીઓને કોન્ટ્રાક્ટ આપી તેમની પાસે ટકાવારી લઈ માર્ગ અને મકાન વિભાગ ( રાજ્ય ) ના નાયબ કાર્યપાલક ઇજનેર અને હાલ કાર્યપાલક ઇજનેરનો ચાર્જ સંભાળતા પરેશભાઈ પરમાર દ્વારા નાણાકીય કૌભાંડો કરી સરકારી તિજોરીને નુકસાન પહોંચાડ્યું છે . અધિકારી , પરેશભાઈ પરમારે આ તમામ વિકાસના કામોમાં સરકારી દેખરેખ ન થાય તેવી તકેદારી રાખી કોન્ટ્રાક્ટરોને કરોડો રૂપિયાની લ્હાણી કરવામાં મદદ કરી છે .

વિકાસના કામો પર સરકારી કર્મચારીઓ હાજર રહે તે જરૂરી છે . આ ઉપરાંત ઉત્તરસંડાથી નડિયાદ તરફના માર્ગ પર હાલ બ્રીજનું કામ ચાલી રહ્યું છે . જ્યાં કોઈ પણ સરકારી કર્મચારી હાજર રહેતા નથી . જેના કારણે ત્યાં કામ કરી રહેલી એજન્સી દ્વારા તકલાદી કામ કરવામાં આવી રહ્યું છે . ઉપરાંત સમયમર્યાદા પૂર્ણ થઈ જવા છતાં ત્યાં ૫૦ ટકા કામ પણ પૂર્ણ થયુ નથી .

જે સક્ષમ અધિકારી તરીકે પરેશભાઈ પરમારની કાર્યક્ષમતા સામે પ્રશ્ન ઉભા કરે છે . આ ઉપરાંત ડાકોરથી નડિયાદ તરફના માર્ગના નિર્માણને એકાદ વર્ષ પૂર્ણ થયું છે . પરંતુ અહીં એક વર્ષમાં તો રોડની પરિસ્થિતિ દયનીય બની છે . રોડ ઠેર – ઠેર તૂટી ગયો છે અને ખાડા પડી ગયા છે . પરંતુ આ તકલાદી રોડનું ચૂકવણુ કરી તેમાં મોટા પાયે નાણાકીય ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે .

પીજ ચોકડીથી વસો તરફના માર્ગના નિર્માણમાં પણ મોટુ કૌભાંડ થયુ છે . અહીં ૧૨૦૦ મીટરની પ્રોટેક્શન વોલ બનાવવાની હતી , પરંતુ આ વોલ ન બનાવી તેના પૈસા ચાઉ કરવાની ફિરાકમાં અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો હોય તેમ સ્પષ્ટ જણાઈ રહ્યું છે . બીજીતરફ નડિયાદથી મહેમદાવાદ તરફના રોડમાં પણ આ પ્રકારની સમસ્યા છે .

તેમાં પણ મોટા પાયે ભ્રષ્ટાચાર થયો છે . આ તમામ વિકાસના કામોમાં માર્ગ અને મકાન વિભાગના અધિકારી પરેશભાઈ પરમાર નબળા સાબિત થયા છે . તેમજ તેમની રહેમ નજર હેઠળ કોન્ટ્રાક્ટરોએ મનમૂકીને ભ્રષ્ટાચાર કર્યો છે . જો આ તમામ વિકાસના કામોમાં જ્યાં ચૂકવણા બાકી છે , ત્યાં ખાતાકીય તપાસ કર્યા વિના ચૂકવણા ન કરવા માગ કરી છે

વધુ માં એવી ચીમકી ઉચારી છે કે જો તપાસ વગર ચુકવણા થશે તો  અમો સર્વ સમાજ સેનાના અધ્યક્ષ મહિપતસિંહ ચૌહાણ મોટી સંખ્યામાં લોકોને એકત્રિત કરી કલેક્ટર કચેરીની બહાર વિરોધ પ્રદર્શન કરીશુ . કલેકટરને આવા આપેલા આવેદનપત્ર ની તો તપાસ થાય તો અધિકારીના ધણા પોલ ખૂલી શકે તેમ છે ત્યારે તપાસ થાય તે જરૂરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.