Western Times News

Gujarati News

આર્ષ’ અક્ષરધામ, પ્રવચનમાળા અંતર્ગત : ‘ભારત : ભૌગોલિક અને સાંસ્કૃતિક’ વિષય ઉપર 95 મું પ્રવચન યોજાયું

ભારતીય સંસ્કૃતિ વિશ્વની સભ્યતાની જનની છે અને સંસ્કૃતમાં વિશ્વની ઘણી ભાષાના મૂળ રહ્યા છે. – : પૂ. અક્ષરવત્સલદાસ સ્વામી

ભારતીય સંસ્કૃતિ વિશ્વની સંસ્કૃતિનું પારણું છે અને સંસ્કૃતિની દૃષ્ટિએ ભારત મીલીયોનર છે. – : પૂ. આનંદસ્વરૂપદાસ સ્વામી

ગાંધીનગર: ‘આર્ષ’ શોધ સંસ્થાન અક્ષરધામ ગાંધીનગર દ્વારા વિશ્વવંદનીય સંત પ. પૂ. પ્રમુખસ્વામી મહારાજની પ્રેરણા અને  પ. પૂ. મહંતસ્વામી મહારાજના કૃપાશિષ હેઠળ છેલ્લા ૨3 વર્ષથી ગંગાના પ્રવાહની જેમ વહેતી આર્ષ પ્રવચનમાળામાં ભારતીય મૂલ્યોનું સંવર્ધન થાય, તે હેતુને લક્ષમાં રાખીને વિદ્વાનો દ્વારા વ્યક્તિ વિશેષ, સામાજિક સમસ્યા, ચિંતન તત્ત્વજ્ઞાન અને  શાસ્ત્ર : વિષયો આવરી ત્રૈમાસિક પ્રવચનનું આયોજન કરવામાં આવે છે. તાજેતરમાં સામાજિક સમસ્યા વિષયના ભાગરૂપ ‘આર્ષ’ અક્ષરધામ દ્વારા ‘ભારત ભૌગોલિક અને સાંસ્કૃતિક’ વિષયે 95માં પ્રવચનનું આયોજન ઇન્ટરનેટના માધ્યમથી ઓનલાઇન લાઇવ તા. 27-03-2021ના રોજ સાંજે 5 થી 7 સમય દરમ્યાન યોજાયું હતું. આ પ્રસંગે બીએપીએસ સ્વામિનારાયણ મંદિર, અમદાવાદના સંત પૂ. અક્ષરવત્સલદાસ સ્વામીએ વક્તવ્યનો લાભ આપ્યો હતો. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી. ઓનલાઇન પ્રવચનમાં મોટી સંખ્યામાં શ્રોતાઓ જોડાયા હતા.

‘ભારત : ભૌગોલિક અને સાંસ્કૃતિક’ વિષય પર પૂ. અક્ષરવત્સલદાસ સ્વામીએ જણાવ્યું હતું કે, રામાયણ, મહાભારત અને પૌરાણિક ગ્રંથોમાં પુણ્યભૂમિ ભારતનું વર્ણન છે. પરમાત્માની આરાધના કરવા માટે દેવતાઓના મતે આખા બ્રહ્માંડમાં ભારત જેવું કોઇ પવિત્ર સ્થાન નથી. ભારતમાં જન્મ પ્રાપ્ત થવો એ બહુ જ દુર્લભ છે અને તેમાંય મનુષ્ય જન્મ પ્રાપ્ત થવો એ બહુ દુર્લભ બાબત છે. આ બધી જયગાથાઓ હજારો વર્ષ પ્રાચીન છે. તેને વિશ્વના લોકો-વિદ્વાનો પણ સ્વીકારે છે. ઇતિહાસના પૃષ્ઠો આવા હજારો અવતરણોથી ઉભરાય છે. વિશ્વના પ્રાચીન, મધ્યકાલીન અને અર્વાચીન સમયના વિદ્વાનો જેવા કે, જર્મનીના જ્યોર્જ ફેડરિક અને મેક્સમૂલર, અમેરિકાના વિલ ડ્યુરાન અને માર્ક ટ્રવેઈન ફ્રાન્સના રોમારોલા, ગ્રીક વિદ્વાન સ્ટ્રેબો, રોમન વિદ્વાન એરીયન, મેગેસ્થિનીઝની ડાયરીઓ, એરેબિયન વિદ્વાન અલવીરો, ચીનથી ભારતના શિક્ષા પ્રવાસે આવેલા હ્યુએન ત્સાંગ અને ફાહિયાન, જાપાનીઝ પ્રો. નાકામુરા વગેરેએ ભારતની જયગાથા ગૌરવ સાથે ગાઈ છે. ઇટાલીના સિલ્વીયન લેવીના સાહિત્યમાં ભારતીય સંસ્કૃતિને વિશ્વની સભ્યતાની જનની કહી છે. સંસ્કૃતમાં વિશ્વની ઘણી ભાષાના મૂળ અંગેના અસંખ્ય ઉદાહરણો મળે છે. પ્રશ્ન થાય કે તે ક્યુ ભારત? વાસ્તવમાં, બે ભારત છે એક ભૌગોલિક સીમાઓથી બદ્ધ ભારત. બીજુ સાંસ્કૃતિક કે આધ્યાત્મિક ભારત.

ભૌગોલિક ભારત જે 32 લાખ 87 હજાર ચો.કિ.મી.માં, હિમાલયથી માંડી કન્યાકુમારી સુધી વ્યાપેલું છે અને સવા અબજ કરતાં વધુ વસ્તીને ધારણ કરીને વિશ્વમાં આજે સૌના આકર્ષણનું કેન્દ્ર બનેલું છે તે છે ભૌગોલિક ભારત.

તેમને વિશેષ રૂપે સાંસ્કૃતિક ભારતની વાત કરતાં જણાવ્યું કે, જેની જયગાથા વિશેષ ગવાય છે તે ભારત સીમાતીત છે, સમસ્ત વિશ્વમાં ફેલાયેલું છે. આ સાંસ્કૃતિક, આધ્યાત્મિક ભારતની સુવાસ ચોમેર ફેલાઈ કેવી રીતે ? ભારતે કે હિંદુ ધર્મે પોતાની સાંસ્કૃતિક, આધ્યાત્મિક અને બૌદ્ધિક સીમાઓ વિસ્તારવા માટે ક્યારેય પણ કોઈના પર આક્રમણ કર્યું નથી. આ સુવાસ સૈન્ય દ્વારા નહીં. પરંતુ આ સુવાસ ચાર માધ્યમ દ્વારા ફેલાઇ છે. (1) ભારતીય ઋષિઓ, સાધુ-સંતો, અને ભિક્ષુઓની યાત્રાઓ દ્વારા (2) વિદ્વાનો અને બ્રાહ્મણોની યાત્રાઓ દ્વારા (3) વેપારીઓ દ્વારા અને (4) કલાકારો અને સ્થપતિઓ દ્વારા. આ લોકોએ જાનના જોખમે વિશ્વભરમાં પ્રવાસ કર્યો અને જ્યાં ગયાં ત્યાં પોતાની સંસ્કૃતિ ભૂલ્યા નહીં. પોતાની સંસ્કૃતિની સુવાસ ચારે તરફ ફેલાવી.

આ ચારેય લોકો કેવી રીતે ત્યાં ગયા? પૂર્વ અને પશ્ચિમમાં ભારતીય જહાજો દરિયાના મોજાં પર શાસન કરતા હતા અને દુનિયાભરમાં ઘૂમી વળ્યા હતા. ત્યારે યુરોપિયનોને હજુ તો હોડકામાં પણ તરતાં આવડ્યું ન હતું અને એ સમયે ભારતે વિરાટ કદનાં જહાજો વિકસાવ્યા હતાં. આજથી 1800 વર્ષ પહેલાં ભારતમાં એવા વહાણો હતા કે જેના દ્વારા ઘોડાઓ નિકાસ કરાતા. જેમાં 200 તો ખલાસીઓ હતા. તો પેસેન્ઝર કેટલા હશે? તે સમયે બંગાળના રાજા અને ત્યાંના કુંવર વહાણમાં 700 પેસેન્ઝર સાથે લઇ ઇન્ડોનેશિયા સુધી ફરવા ગયા હતા.

યુદ્ધ કે ધર્મ પરિવર્તનની ક્રુઝેડ વિના ભારતની સુવાસ ક્યાં ક્યાં સુધી પ્રસરી હતી? મધ્ય એશિયા, ચીન રશિયા, ઇજિપ્ત અને ઇઝરાયેલ સુધી, ગ્રીક અને રોમન એમ્પાયર સુધી, દક્ષિણ અમેરિકા સુધી ભારતીયો પહોંચી વળ્યા હતા. અમેરિકામાં કોલંબસે પહેલી વખત જે જનજાતિ જોઈ તે હકીકતે ભારતનું સ્થાનિક પ્રજાનું મિશ્રણ હતું.

અમેરિકાના ખૂણે-ખૂણે ભારતીય સંસ્કૃતિના બીજ પથરાયેલા હતા. મેક્સિકોની એસટેક સંસ્કૃતિમાં ભારતના સતયુગ, દ્વાપરયુગ, ત્રેતાયુગ અને કળિયુગ જેવા ચાર યુગ મનાતા હતા. ભારતની પ્રાચીન રમતો પણ ત્યાં જોવા મળતી હતી. ભગવાન શિવના વિશાળ મંદિરના અવશેષો મળ્યા છે. રીતરીવાજોમાં સામ્ય જોવા મળે છે. એટલું જ નહિં ભારતીય સંસ્કૃતિની સુવાસ કોરીયા, જાપાન, વિયેતનામ, કંબોડીયા, થાઇલેન્ડ, બર્મા, મ્યાનમાર, ઇન્ડોનેશિયા, ચાઇના, રશિયા, ગ્રીસ, ઇટલી, આયરલેન્ડ, જર્મની, અફઘાનિસ્તાન, ઇરાન, સુમેરીયા વગેરે દેશોમાં ઠેર-ઠેર વિના યુદ્ધે, વિના સૈન્ય ભારતીય સંસ્કૃતિની સુવાસ ફેલાઇ હતી.

આજના મલેશિયાનું મૂળ નામ મલયદેશ. ત્યાં સંસ્કૃત, શિલાલેખો તથા શિવ, વિષ્ણુ, દુર્ગા, પાર્વતી અને ગણેશજીની મૂર્તિઓ મળ્યા છે. નવનિર્મિત રાજધાનીનું નામ પણ પુત્રજાયા છે. થાઈલેન્ડનું મૂળ નામ સીયામ અર્થાત શ્યામદેશ. તેના વિમાન મથક ઉપર સમુદ્ર મંથનનું વિશાળ શિલ્પ છે. થાઈલેન્ડના રાજાને રામ કહેવામાં આવે છે. તેની રાજધાનીનું નામ પણ અયુત્યા (અયોધ્યા) હતું. સ્થાપત્યમાં ભારતીય અસર જમા છે, જેમ કે વૈશાખી પૂર્ણિમા મોટો ઉત્સવ ગણાય છે.

કંબોડિયાનું મૂળ નામ કંબુજ. વૈષ્ણવ અને શિવ સંપ્રદાય પ્રચલિત. અંગકોરવાટથી આગળ હજાર જેટલા શિવલિંગની પ્રાકૃતિક સૃષ્ટિ આવેલી છે. વિશ્વમાં ક્યાંય જોવા ન મળે તેવા વિષ્ણુ, શિવ અને બ્રહ્માના મંદિરો અહીં આવેલા છે. તેમાં શિરમોર સમૂં અંગકોરવાટનું વિશાળ મંદિર છે. મંદિર ફરતી પથ્થરની પરિક્રમામાં રામાયણ, મહાભારત અને શ્રીમદ્ ભાગવતની કથાના શિલ્પો છે. બેયોનનું ચતુર્ભુજ બ્રહ્માનું મંદિર પણ અદ્-ભૂત છે. બંન્તેસરાઈના શિવ મંદિરમાં ભારતીય સંસ્કૃતિના શિલ્પ-સ્થાપત્યનો અદભૂત નજારો જોવા મળે છે. વિયેતનામમાં પણ ભારતીયતાની અસર દેખાય છે. રાજાઓના નામ ભારતીય અને શહેરોનાં નામ પણ સંસ્કૃતમાં છે. આજે પણ ભારતીય રીત રીવાજ મુજબ લગ્ન અને અંતિમ વિધિ કરવામાં આવે છે. ચૈત્ર માસથી નવા વર્ષનો પ્રારંભ થાય છે.

ઇન્ડોનેશિયાનું મૂળ નામ સુવર્ણદ્વીપ હતું. ત્યાં અનેક શિવાલયો છે. રામાયણ અને મહાભારતની કથાના છાયા-નાટકો ત્યાં ખૂબ જ લોકપ્રિય છે. તે ભજવનારા કલાકારો મુસ્લિમ. સ્થાનિક મુસ્લિમ સમુદાયના લોકોના નામ સંસ્કૃત કે પૌરાણીક કથા ઉપરથી આવે. તેઓ દ્રઢ રીતે માને છે કે તેમનો ધર્મ મુસ્લિમ પણ સંસ્કૃતિ ભારતીય છે. ત્યાંના એક હજાર વર્ષ જૂના પંબનનનાં વિષ્ણુ, શિવ, અને બ્રહ્માના મંદિરોમાં ભારતીય સ્થાપત્યની છાંટ સ્પષ્ટ દેખાય. બોરોબુદુરનું નવમાળનું બૌદ્ધ સ્મારક વિશ્વના સર્વ શ્રેષ્ઠ સ્મારકોમાં સ્થાન પામે તેવું છે.

ભારતની પશ્ચિમે અફઘાનિસ્તાન એક સમયે ભારતનો જ ભાગ હતો. ગંધાર તરીકે ઓળખાતું આજનું કંદહાર 16 જનપદ પૈકીનું એક હતું. ફાહીયાન અને હયુએન સાંગની નોંધમાં કપિષાનો આશ્રમની વાત છે. જેમાં 6000 સાધુ રહેતા. ચીન સાથે ભારતનો સબંધ ધર્મરક્ષ નામના સાધુ ઇ.પૂ. 65માં ચીનમાં ગયેલા ત્યારથી સ્થપાયેલો. યુનેસ્કોએ હયુએન સાંગના ભારત પ્રવાસ પર એક ડોક્યુમેન્ટરી બનાવી છે. તેમાં ભારતીય સંસ્કૃતિની સુવાસ ચીનમાં કેવી રીતે ફેલાય તે બતાવ્યું છે.

ભાષા, શિલ્પ, કલા, સ્થાપત્ય, ઉપરાંત ગણિત, વિજ્ઞાન, જ્યોતિષ, ખગોળ, આયુર્વેદ અને સંગીત જેવા શાસ્ત્રો દ્વારા ભારતની સાંસ્કૃતિક તથા આધ્યાત્મિક ચેતના હજારો વર્ષ પૂર્વે ક્યાંયની ક્યાંય પહોંચી હતી. છેલ્લી દોઢ શતાબ્દીમાં સ્વામી વિવેકાનંદ તથા સ્વામી રામતીર્થે ભૌગોલિક સીમાઓથી પર થઇને ભારતીય સંસ્કૃતિના પ્રસારમાં યોગદાન આપ્યું છે. તેમાં ભારતીય વૈજ્ઞાનિકો અને વિદ્વાનોનો ફાળો પણ એટલો જ અગત્યનો છે. છેલ્લા 50 વર્ષમાં સાતેય સમુંદરને પાર ભારતીય સંસ્કૃતિના પ્રચાર પ્રસાર કરવાનું કાર્ય વેગવાન બન્યું છે પૂ. યોગીજી મહારાજ અને પૂ. પ્રમુખસ્વામી મહારાજ જેવા સંતો દ્વારા. બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજે આફ્રિકા, યુરોપ અને અમેરિકામાં ભારતીય સંસ્કૃતિની ધરોહર સમા મંદિરો રચી સંસ્કૃતિનો ડંકો વગાડ્યો છે. તેમને માત્ર મંદિરો જ નથી બાધ્યા પરંતુ પોતાનો પરસેવો સિંચીને સંસ્કારો અને વૈદિક ઉપાસનાના વટવૃક્ષ ખિલવ્યા છે. પરિણામે બ્રિટન, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ અને અમેરિકાની પાર્લામેન્ટમાં અન્નકૂટ જેવા ઉત્સવો ઉજવાય છે. આજે ફરીથી એક મોજું પ્રસરી રહ્યું છે પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજ દ્વારા. તેઓએ ભારતીય સંસ્કૃતિના પ્રતિનિધિત્વ કરે એવો સત્સંગી સમાજ ઉભો કર્યો છે, જ્યાં સંસ્કારો પેઢી દર પેઢી ઉતરી આવે છે.

ત્યારબાદ પૂ. આનંદસ્વરૂપદાસ સ્વામીએ બીએપીએસની ગુરુ પરંપરામાં યોગીજ મહારાજ, પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજે દેશવિદેશમાં મંદિરોના માધ્યમ દ્વારા ભારતીય સંસ્કૃતિના પ્રચાર પ્રસારમાં આપેલા યોગદાન વિષે વાત કરી હતી. યોગીજી મહારાજે આફ્રિકા અને લંડનમાં મંદિરો રચી ભારતીય સંસ્કૃતિનાં મૂલ્યોનું જતન કરવાનો પ્રાંરભ કરેલો. ત્યારબાદ પ્રમુખ સ્વામી મહારાજે પાંચેય ખંડોમાં મંદિરો બાંધી શિશુ, બાળ-બાલીકા, કિશોર-કિશોરી, યુવક-યુવતિ, વડીલ મંડળો અને સત્સંગ કેન્દ્રો સ્થાપી દેશવિદેશમાં ભારતીય સંસ્કૃતિને સતત જાગ્રત રાખવાનું કાર્ય કર્યું. જે યુવકો દેશમાંથી વિદેશની ધરતી પર ભણીને પૈસા કમાવવા ગયેલા હતા પરંતુ યોગીજી મહારાજ અને પ્રમુખ સ્વામી મહારાજે એવા સંસ્કારોનું સિંચન કર્યું કે પોતાના પૈસા દ્વારા મંદિરો અને ઉત્સવો કર્યાં. પ્રમુખ સ્વામી મહારાજે 1991 લંડનમાં કલ્ચરલ ફેલ્ટીવલ ઓફ ઇન્ડિયા 30 દિવસના મેગા ઉત્સવ દ્વારા ભારતીય સંસ્કૃતિ અને સભ્યતાનું પ્રદર્શન કર્યું હતું. ત્યારે વિદેશના સમાચારપત્રોએ અને બધી જ ચેનલ્સે ભરભેટ વખાણ કર્યા હતા. જેમાં 8 થી 10 લાખ લોકોએ ઉત્સવનો લાભ લીધો હતો. પ્રતિષ્ઠાથી આરંભીને છેલ્લા 25 વર્ષમાં લંડન મંદિરમાં એક કરોડથી વધુ લોકોએ ભારતીય સંસ્કૃતિ શું છે તે માણ્યું છે. ભારતીય સંસ્કૃતિ વિશ્વની સંસ્કૃતિનું પારણું છે અને સંસ્કૃતિની દૃષ્ટિએ ભારત મીલીયોનર છે. આજે મહંત સ્વામી મહારાજ પણ પ્રમુખ સ્વામી મહારાજને પગલે-પગલે ભારતીય સંસ્કૃતિનો પ્રચાર પ્રસાર કરી લોકોમાં સામાજિક, નૈતિક અને આધ્યાત્મિક સંસ્કારોનું સિંચન કરી રહ્યા છે. તેની વિગતે માહિતી આપી હતી.

પ્રવચનના અંતમાં આર્ષ ત્રૈમાસિક પ્રવચનમાળાની પ્રણાલી મુજબ આગામી 96માં ચિંતન તત્ત્વજ્ઞાન – વિષયક પ્રવચન ‘વ્યાવહારિક પ્રવૃત્તિ અને અધ્યાત્મ સાધના’ની રૂપરેખા પૂ. આત્મતૃપ્તદાસ સ્વામી એ આપી હતી અને પૂ. હરિતિલકદાસ સ્વામીએ શાબ્દિક આભાર વિધિ કરી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.