Western Times News

Gujarati News

પિરામલ ફાર્મા હેમ્મો ફાર્માસ્યુટિકલ્સમાં 100 ટકા હિસ્સો ખરીદશે

-એક્વિઝિશનથી કંપનીની પેપ્ટાઇડ એપીઆઇ ડેવલપમેન્ટ અને ઉત્પાદન ક્ષમતામાં વધારો થશે -ઓન્કોલોજી અને મેટાબોલિક થેરપીઝમાં પેપ્ટાઇડ ડ્રગ્ઝનો ઉપયોગ નોંધપાત્ર રીતે વધી રહ્યો છે

મુંબઇ, પિરામલ ફાર્મા લિમિટેડ (PPL) ની કોન્ટ્રાક્ટ ડેવલપમેન્ટ અને મેન્યુફેક્ચરિંગ ઓર્ગેનાઇઝેશન (CDMO) પિરામલ ફાર્મા સોલ્યુશન્સ (PPS) એ હેમ્મો ફાર્માસ્યુટિકલ્સ પ્રાઇવેટ લિમિટેડ (હેમ્મો)માં 100 ટકા હિસ્સો હસ્તગત કરવા માટે સમજૂતિ કરી હોવાની જાહેરાત કરી છે. આ માટે તે રૂ. 775 કરોડની અપફ્રન્ટ ચૂકવણી કરશે અને આવકના અમુક લેવલ પ્રમાણે કમાણીને સાંકળવામાં આવી છે.

પીપીએસ અગ્રણી સીડીએમઓ તરીકે તેની ક્ષમતાઓનું વિસ્તરણ અને વૃધ્ધિ કરી રહી છે ત્યારે આ એક્વિઝિશનથી પેપ્ટાઇડ એપીઆઇના વિકાસ અને ઉત્પાદનમાં પીપીએસનો પ્રવેશ થયો છે. પીપીએસ હાલમાં જે સેવાઓ પૂરી પાડે છે તેમાં આ એક્વિઝિશન પૂરક સાબિત થશે.

હેમ્મો વૈશ્વિક બજારમાં જૂજ પ્યોર પ્લે સિન્થેટિક પેપ્ટાઇડ એપીઆઇ ઉત્પાદકોમાંની એક છે. હવે હેમ્મોની ક્ષમતાનો પણ ઉમેરો થવાથી પીપીએસને વૃધ્ધિ પામી રહેલા એપીઆઇ બજારમાં પ્રવેશ મળશે અને તેના વૈશ્વિક ગ્રાહકોને ઇન્ટિગ્રેટેડ સર્વિસ ઓફર કરવાની ક્ષમતા વધશે.

હેમ્મો ભારતની અગ્રણી સિન્થેટિક પેપ્ટાઇડ ઉત્પાદકોમાંની એક છે અને પેપ્ટાઇડ પ્રોડક્ટ્સ તથા કસ્ટમ પેપ્ટાઇડ સિન્થેસિસ સપ્લાય કરવાના બિઝનેસમાં 38થી વધુ વર્ષનો અનુભવ ધરાવે છે. હેમ્મો પાસે આરએન્ડડી ક્ષમતાઓ અને વિશ્વકક્ષાની જીએમપી ઉત્પાદન સુવિધાઓ છે, જેને અમેરિકા, યુરોપિય સંઘ અને એશિયન નિયમનકારી સંસ્થાઓએ ચકાસી છે અને નિયમોની પૂર્તતા થઈ હોવાનું સ્વીકાર્યુ છે. કંપની પેપ્ટાઇડ્સના સોલ્યુશન ફેઝ અને સોલિડ ફેઝ એમ બંનેમાં મજબૂત નિપુણતા ધરાવે છે.

પિરામલ ફાર્મા લિમિટેડના ચેરપરસન નંદિની પિરામલે જણાવ્યું હતું કે, “હેમ્મોએ ઉત્કૃષ્ટ કામગીરીનું પ્રદર્શન કર્યું છે અને તેની ગુણવત્તાનો ટ્રેક રેકોર્ડ ઉત્તમ છે. તેની ક્ષમતાને કોઇ આંબી શકે તેમ નથી. પીપીએલ પરિવારમાં જોડાયા પછી અમારા માટે ગ્રાહકોને આકર્ષવા અને તેમને ખુશ કરવા માટે વધુ એક ઉદાહરણ મળશે. વીતેલા નાણાંકીય વર્ષમાં આ ત્રીજું ફાર્મા એક્વિઝિશન છે અને તે અમારા નફાકારક વૃધ્ધિના વ્યૂહનાં અમલીકરણનું વધુ એક ઉદાહરણ છે.”

પિરામલ ફાર્મા લિમિટેડના સીઆઇ (ફાર્મા સોલ્યુશન્સ) પીટર દ’યંગે જણાવ્યું હતું કે, “છેલ્લાં દાયકા દરમિયાન ઓન્કોલોજી, ડાયાબિટીસ અને ઓબેસિટીની સારવારમાં પેપ્ટાઇડ ડ્રગ્સનો ઉપયોગ વધ્યો છે. જવલ્લે જ થતા રોગો અને ઓર્ફન ડ્રગ્સ માટેની થેરપીનું પ્રમાણ વધી ગયું હોવાથી પણ પેપ્ટાઇડની જરૂરિયાત વધી ગઈ છે. આ એક્વિઝિશન અમારા ગ્રાહકોને જેની જરૂર છે તે ઇન્ટીગ્રેટેડ સોલ્યુશન્સ પૂરા પાડવાની ક્ષમતા વધારે છે. તેનાથી દર્દીઓ પર રોગનો બોજ ઘટાડવામાં કઇ રીતે મદદ કરી શકીએ તેના ઉપાયો પણ વધશે.”

હેમ્મોના પ્રમોટર અને મેનેજિંગ ડિરેક્ટર મધુ ઉત્તમસિંઘે જણાવ્યું કે, “અમે આ સોદાથી ખૂબ આનંદિત છીએ અને માનીએ છીએ કે બિઝનેસને વૃધ્ધિના આગામી તબક્કામાં લઈ જવા માટે પીપીએસ એક આદર્શ ભાગીદાર છે. હેમ્મોના કર્મચારીઓ અને ગ્રાહકો બિઝનેસ માટે આધારભૂત છે અને હું ભારપૂર્વક માનું છું કે વૈશ્વિક સ્તરે ઇન્ટીગ્રેટેડ સર્વિસિસ પૂરી પાડવામાં પીપીએસની નિપુણતાનો અમને લાભ થશે.”

આ એક્વિઝિશનથી પીપીએસમાં 250થી વધુ કર્મચારીઓનો ઉમેરો થશે, જેમાં 60થી વધુ પીએચડી સાયન્ટીસ્ટ અને ક્વોલિટી ટીમનો સમાવેશ થાય છે. એક્વિઝિશન એગ્રીમેન્ટ નિયમ પ્રમાણે નિયમનકારી શરતોને આધીન છે.

આ સોદામાં કોટક મહિન્દ્રા કેપિટલ કંપની લિમિટેડે પીપીએલના ફાઇનાન્સિયલ એડવાઇઝર અને ઇકોનોમિક લોઝ પ્રેક્ટિસ (ELP) એ લીગલ એડવાઇઝર તરીકેની કામગીરી કરી હતી. ટોરેયા પાર્ટનર્સ ઇન્ડિયા LLP એ હેમ્મો ફાર્માસ્યુટિકલ્સના ફાઇનાન્સિયલ એડવાઇઝર અને દેસાઇ એન્ડ દિવાનજી, મુંબઇ ઓફિસે લીગલ એડવાઇઝર અને સેલિંગ શેરહોલ્ડર્સ તરીકેની કામગીરી નિભાવી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.