Western Times News

Gujarati News

કાલુપુરમાં ISIના ઈશારે દુકાનોને આગ લગાડાઈ

રેવડીબજારમાં સાત જેટલી કાપડની દુકાનોમાં આગ લાગવાની ઘટનામાં ક્રાઈમબ્રાંચે ચોંકાવનારા ષડયંત્રનો પર્દાફાશ કર્યોઃ આતંકના નવા મોડયુલથી પોલીસ એલર્ટઃ ત્રણ યુવકોની ધરપકડ

અમદાવાદ, થોડા દિવસ અગાઉ કાલુપુર રેવડી બજારમાં આવેલી કાપડની સાત દુકાનોમાં મોટી આગ લાગી હતી જેમાં લાખો રૂપિયાનું નુકસાન થયું હતું આ મામલે ક્રાઈમબ્રાંચે તપાસ કરતા આગની ઘટનાને પાકિસ્તાનની જાસુસી સંસ્થા આઈએસઆઈના ઈશારે શહેરના જ ત્રણ યુવાનોએ અંજામ આપ્યાનું ખુલતા ચકચાર મચી ગઈ છે.

આઈએસઆઈના એજન્ટે યુવાનનો સંપર્ક કરી તેને કોઈ જાણીતી વ્યક્તિનું ખુન કરવાના બદલામાં રૂપિયા આપવાનું કહ્યુ હતું જે માટે હથિયાર લાવવા માટે પણ રૂપિયા આપ્યા હતા તેમાં નિષ્ફળતા મળતાં મોટી આગ લગાવવાનું કહેતા ત્રણેય યુવાનોએ આ ઘટનાને અંજામ આપ્યો હતો ત્યારબાદ તેમને દુબઈથી મુંબઈ અને મુંબઈથી અમદાવાદ ખાતે આંગડીયા દ્વારા રૂપિયા મોકલવામાં આવ્યા હતા.

ઈન્ટેલીજન્સ માહીતી બાદ તપાસમાં આ સમગ્ર ઘટનાનો પર્દાફાશ આઈબીએ આપેાલ ઈનપુટને આધારે થયો હતો જેમાં શહેરમાં કોઈ ઘટનાને અંજામ આપ્યાની માહીતી હતી જેના આધારે ઉચ્ચ અધિકારીઓએ ક્રાઈમબ્રાંચને તપાસનો આદેશ આપ્યો હતો જેના પગલે તપાસનો દોર શરૂ થતાં પ્રથમ કોઈ જ એવી ઘટના પ્રકાશમાં આવી નહતી પરંતુ ઝીણવટપૂર્વકના અભ્યાસમાં ગત દિવસોમાં કાલુપુરની રેવડી બજારમાં આગની ઘટના બની હતી જેના સીસીટીવી કુટેજની તપાસ કરતાં આ આંતરરાષ્ટ્રીય સ્તરના ષડયંત્રનો પર્દાફાશ થયો છે.

અકસ્માતે આગ તરીકે નોંધાયેલી આ ઘટનામાં આગ લગાડનાર ત્રણ શખ્સો દેખાયા હતા ક્રાઈમબ્રાંચે મુખ્ય આરોપી ભુપેન્દ્ર ઉર્ફે પ્રવિણ વણઝારાને અમરાઈવાડી વિસ્તારમાંથી ઝડપી લીધો હતો પુછપરછ દરમિયાન તેની કબુલાતથી ક્રાઈમબ્રાંચના અધિકારીઓ પણ ચોંકી ઉઠયા હતા.

ભુપેન્દ્રના જણાવ્યા અનુસાર તે પોતે વ્યાજના ચક્કરમાં ફસાયો હતો અને આર્થિક રીતે તુટી ગયો હતો દરમિયાન ગત વર્ષે લોકડાઉનમાં ફેસબુક મારફતે તેનો સંપર્ક બાબા ઉર્ફે બાબાભાઈ ઉર્ફે બાબા કંપની નામની વ્યક્તિ સાથે થયો હતો જેણે વાતચીત દરમિયાત ભુપેન્દ્રની આર્થિક પરિસ્થિતિ જાણી હતી બાદમાં કોઈ જાણીતા વ્યક્તિનું ખુન કરવાના બદલામાં તેને ચાર લાખ રૂપિયા આપવાની લાલચ આપી હતી

જે માટે તૈયાર થઈ ગયેલા ભુપેન્દ્રને બાબાએ પેટીએમથી રપ હજાર રૂપિયા મોકલી આપ્યા હતા અને મધ્યપ્રદેશથી હથિયાર લાવવા કહ્યુ હતુ પરંતુ હથિયાર લઈને પરત ફરતાં ભુપેન્દ્રને ખેડા પોલીસે ઝડપી લીધો હતો. બાદમાં જામીન ઉપર છુટેલા ભુપેન્દ્રએ ફરી બાબાનો સંપર્ક કરતા તેણે આગની મોટી ઘટનાને અંજામ આપવાનું કહી દોઢ લાખ રૂપિયા આપવા કહ્યુ હતું જેને પગલે ભુપેન્દ્રએ પોતાના મિત્રો અનીલ ખટીક અને અંકીત પાલને તૈયાર કરીને ર૪ માર્ચે રેવડી બજારની કાપડની દુકાનોમાં આગ લગાવી હતી. જેનો વિડીયો બાબાને મોકલી આપતા તેણે રમેશ કાંતીની આંગડીયા પેઢી મારફતે દોઢ લાખ રૂપિયા મોકલ્યા હતા જે ત્રણેયે વહેંચી લીધા હતા.

ક્રાઈમબ્રાંચે આંગડીયાનો સંપર્ક કરતા રૂપિયા દુબઈથી ખોઝા નામની વ્યક્તિએ મોકલ્યાનું બહાર આવ્યું હતું તેણે કુલ ૧પ લાખ રૂપિયા મોકલ્યા હતા જે અમદાવાદ સહીત અન્ય શહેરોમાં પણ મોકલવામાં આવ્યા હતા. ભુપેન્દ્રની પુછપરછમાં દિલ્હીના સદ્દામ નામના વ્યક્તિનો પણ ઉલ્લેખ આવતા દિલ્હી પોલીસને એલર્ટ કરવામાં આવી હતી જેણે સદ્દામને ઝડપી લેતાં બાબાએ તેની પાસે પણ બે ખુન કરાવ્યાનું ખુલ્યુ છે જેથી દિલ્હી પોલીસ પણ ચોંકી ગઈ છે.

આ તપાસમાં દુબઈ તથા કોંગો જેવા દેશોનું કનેકશન બહાર આવતા પાકિસ્તાનની જાસુસી સંસ્થાએ ભારતીય યુવાનોને ગેરમાર્ગે દોરવા આંતરરાષ્ટ્રીય જાળ બિછાવ્યાનું બહાર આવ્યું છે. આતંકવાદનું આ નવું મોડ્યુલ સામે આવતા નેશનલ એજન્સીઓ પણ ચોંકી ગઈ છે અને અન્ય શહેરોમાં પણ આવા યુવાનો સક્રીય છે કે કેમ તે અંગે તપાસ શરૂ કરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.