Western Times News

Latest News from Gujarat

આમોદના સુડી પાટિયા પાસે કારની અડફેટે દીકરીની નજર સામે જ પિતાનું કરુણ મોત

(પ્રતિનિધિ) ભરૂચ, આમોદ તાલુકાના સુડી ગામના પાટિયા પાસે આજ રોજ સવારે કોલેજ જતી દીકરીને એસ ટી સ્ટેન્ડ ઉપર મુકવા આવેલા બસની રાહ જોઈ ઉભેલા પિતાને મોટરકારે અડફેટમાં લેતા પોતાની પુત્રીની નજર સામે જ પિતાનું કરુણ મોત થયું હતું.તેમજ અન્ય એક ઈસમને નાની-મોટી ઈજા થઈ હતી.

આમોદ પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર આમોદ તાલુકાનાં સુડી ગામના પાટિયા પાસે આજરોજ સવારે પોતાની દીકરી હેતલબેન વાળંદ ઉ.વ ૧૯ ને કોલેજ જવાનું હોય તેમજ વરસાદ હોવાથી પિતા દિલીપ ભીખા વાળંદ દીકરી હેતલને સુડી પાટિયા પાસે મુકવા આવ્યા હતા અને પિતા તેમજ પુત્રી બસની રાહ જોઈને ઉભા હતા.ત્યાંજ બેફિકરાઈ અને ગફલાતભરી રીતે કાળમુખી બનીને આવેલી એક મોટર કારે બસ ની રાહ જોઈને ઉભેલા પિતાને અડફેટમાં લેતાં તેમનું કરુણ મોત થયુ હતુ.જ્યારે મોટર કારે અન્ય એક બાઈકને પણ અડફેટમાં લીધી હતી.જ્યારે સુડી ગામના ડાહ્યાભાઈ દેવજીભાઈ પ્રજાપતિને અકસ્માતમાં ઈજાઓ પહોંચી હતી. આમોદ પોલીસે અજાણ્યા મોટરકાર ચાલક સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.

પિતાને અકસ્માત થતા પુત્રીએ તુરંત ૧૦૮ ને ફોન કર્યો હતો.જેથી વાગરાની ૧૦૮ તુરંત ઘટના સ્થળે પહોંચી હોવા છતાં ઈમરજન્સી સેવા આપતાં ઈમર્જન્સી મેડિકલ ટેકનિશિયને પોતાની મનમાની ચલાવી એક ઈજાગ્રસ્તને મૃત જાહેર કરી દીધો અને તેઓ પોતાની ફરજનું ભાન ભૂલી પોલીસની રાહ જોતા રહ્યા હતા તેમજ અન્ય એક ડાહ્યાભાઈ દેવજીભાઈ પ્રજાપતિને ઈજાઓ થઈ હતી.પરંતુ ૧૦૮ દ્વારા આમોદ રેફરલ હોસ્પિટલ ખાતે તાત્કાલિક પહોંચાડવાની તસ્દી લીધી ન હોતી જેથી મૃત પિતાની પુત્રી હેતલ વાળંદે ૧૦૮ ની ટીમ ઉપર ગંભીર આક્ષેપો કર્યા હતા.આ ઉપરાંત ૧૦૮ ની ટીમ દ્વારા પોલીસની રાહ જોતા સુડી પાટિયા પાસે ભારે ટ્રાફિક જામ થઈ ગયો હતો.જેથી લોકો પણ અકળાયા હતા અને સુડી ગ્રામજનો ભેગા થઈ જતાં ૧૦૮ ની ટીમ ઉપર આક્રોશ વ્યક્ત કરતાં શાનમાં સમજી ગયેલી ૧૦૮ ની ટીમ દ્વારા તુરંત પોલીસની રાહ જોયા વગર ઈજાગ્રસ્ત તથા મૃતકને આમોદ આરોગ્ય કેન્દ્ર ખાતે લઈ જવામાં આવી હતી.

સુડીગામ વાગરા તાલુકાને અડીને આવેલ હોય જેથી વાગરા થી ૧૦૮ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી.અકસ્માતનો ભોગ બનેલાને રાહદારીઓ તેમજ સુડી ગ્રામજનો તેમજ તેમના પરિવાર દ્વારા અકસ્માતમાં ઈજા પામેલ વ્યક્તિઓને ખાનગી વાહનમાં લઈ જવાની તજવીજ હાથધરી હતી.

પરંતુ તેમાં પણ ૧૦૮ ના કર્મચારી દ્વારા દખલગીરી કરવામાં આવી હતી.આખરે અકસ્માતમાં ઈજા પામનારના પરિવાર તેમજ લોકટોળા નો આક્રોશ જોઈ સમય સૂચકતા વાપરી ૧૦૮ ના કર્મચારીઓ દ્વારા ઈજાગ્રસ્ત તેમજ મૃતકને આમોદ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા.આમોદ રેફરલ હોસ્પિટલના હાજર તબીબ દ્વારા દિલીપ ભીખાભાઈ વાળંદને મૃત જાહેર કર્યા હતા અને ડાહ્યાભાઈ દેવજીભાઈ પ્રજાપતિને આમોદ રેફરલ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી.
આમોદ પોલીસે મૃતક દિલીપ વાળંદની પુત્રી હેતલની ફરિયાદને આધારે અજાણ્યા કાર ચાલક સામે અકસમત ગુનો નોંધી તેને પકડવાના ચક્રો ગતિમાન કર્યા હતા.*