Western Times News

Gujarati News

પાકિસ્તાન માટે જાસૂસી કરનાર હરપાલ ૧૦ દિવસના રિમાન્ડ પર

નવી દિલ્હી: હરપાલ સિંહ (૩૫) છેલ્લા ૩ વર્ષથી પાકિસ્તાની ગુપ્તચર એજન્સી આઈએસઆઈને ભારતીય સેના અને બીએસએફની ગુપ્ત માહિતીઓ મોકલી રહ્યો હતો. તે ભારતમાં રહીને વિદેશી નંબરની મદદથી ગુપ્ત માહિતી મોકલી રહ્યો હતો. ગુપ્ત માહિતી મોકલવા માટે તેણે અત્યાર સુધીમાં ૧૨ વિદેશી નંબરોનો ઉપયોગ કર્યો છે. તેમાં ૨ મોબાઈલ નંબર ઓમાન, ૪ પાકિસ્તાન અને ૨ બાંગ્લાદેશ સહિત અન્ય દેશોના છે.

હરપાલ વિદેશી નંબરો પર ભારતમાં વ્હોટ્‌સએપ અને મેસેન્જર વાપરતો હતો અને વ્હોટ્‌સએપ કોલ કરતો હતો. સુરક્ષા એજન્સીના અધિકારીઓના કહેવા પ્રમાણે વિદેશી નંબર દ્વારા ભારતીય ગુપ્ત માહિતી મોકલીને તે સુરક્ષા એજન્સીઓથી બચવા પ્રયત્ન કરી રહ્યો હતો. વિદેશી નંબરને લોકેટ કરવો મુશ્કેલ હોય છે. દિલ્હી પોલીસે આરોપી હરપાલને ૧૦ દિવસના પોલીસ રિમાન્ડ પર લીધો છે.

તે પાકિસ્તાનમાં રહેલા પોતાના આઈએસઆઈ હેન્ડલર જસપાલને ગુપ્ત માહિતીઓ મોકલતો હતો. પાકિસ્તાનમાં રહેલો જસપાલ ભારતીય નંબર વાપરે છે. આ ભારતીય નંબર હરપાલે જ જસપાલને પહોંચાડ્યો હતો.

સ્પેશિયલ સેલના અધિકારીઓએ જણાવ્યું કે, મજૂર તરીકે કામ કરતો હરપાલ સોશિયલ મીડિયામાં ખૂબ જ એક્ટિવ હતો. તે પોતાના ઘર અને ખેતરોને ગિરવે મુકીને જૂન, ૨૦૧૯માં ઓમાન ગયો હતો. તેના પાસે ૨ વર્ષ કરતા વધારે સમયના વિઝા હતા પરંતુ તે ૩ મહિનામાં જ પાછો આવી ગયો હતો. ત્યારથી સુરક્ષા એજન્સીઓ તેના પર નજર રાખી રહી હતી. ઓમાનમાં તેને આઈએસઆઈ માટે કામ કરવા તૈયાર કરવામાં આવ્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.