Western Times News

Gujarati News

ભારતમાં એક જ દિવસમાં ૨.૯૪ લાખ કોરોનાના નવા કેસ નોંધાયા

નવી દિલ્હી: ભારતમાં એક જ દિવસમાં ૨.૯૪ લાખ કોરોનાના નવા કેસ મંગળવારે નોંધાયા છે, આ સાથે દેશમાં પહેલીવાર કોરોનાના દર્દીઓનો મૃત્યુઆંક ૨૦૦૦ને પર પહોંચી ગયો છે. મંગળવારે ભારતમાં ૨,૯૪,૨૯૧ નવા કેસ નોંધાયા છે, એટલે કે પહેલી લહેરમાં ૧૭ સપ્ટેમ્બરે પીક પર પહોંચેલા ૯૮,૭૯૫ કરતા ત્રણ ગણા વધુ કેસ નોંધાયા છે. એક દિવસમાં દુનિયામાં સૌથી વધુ કેસ નોંધાવનાર અમેરિકા છે, જ્યાં વર્લ્‌ડોમીટર.ઈન્ફો મુજબ ૮ જાન્યુઆરીએ ૩,૦૭,૫૭૦ નવા કેસ નોંધાયા છે. મંગળવારે દેશમાં પોઝિટિવિટી રેટ ૧૯% સાથે ટોચ પર પહોંચ્યો છે, આ પરથી એવું માનવામાં આવી રહ્યું છે કે ટૂંક સમયમાં કોરોનાના ડેઈલી કેસનો આંકડો ૩ લાખને પાર થઈ જશે. દિલ્હીમાં પોઝિટિવિટી રેટ ૩૨% નોંધાયો છે,

જે દિલ્હીના ૨૫% અને મહારાષ્ટ્ર અને ઝારખંડના ૨૦% પોઝિટિવિટી રેટ કરતા ઘણો ઊંચો છે. કોરોનાના કેસની સાથે-સાથે મૃત્યુઆંકમાં પણ વધારો નોંધાઈ રહ્યો છે. મંગળવારે ભારતમાં જૂના રેકોર્ડ તોડીને ૨૪ કલાકમાં ૨,૦૨૧નાં મોત થયા છે. જેમાંથી મહારાષ્ટ્રમાં ૫૧૯, દિલ્હીમાં ૨૭૭, છત્તીસગઢમાં ૧૯૧, ઉત્તરપ્રદેશમાં ૧૬૨, કર્ણાટકામાં ૧૪૯, ગુજરાતમાં ૧૨૧ લોકોએ કોરોનાના લીધે જીવ ગુમાવ્યો છે. ભારતમાં કોરોનાની શરુઆત થયા બાદ પહેલીવાર દેશના ૬ રાજ્યોમાં ૧૦૦થી વધુ દર્દીઓએ એક દિવસમાં જીવ ગુમાવ્યો છે. મંગળવારે ૧૫ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશમાં એક દિવસમાં સૌથી વધુ કેસ નોંધાયા છે. જેમાં દિલ્હીમાં ૨૮,૩૯૫ નવા કેસ નોંધાયા છે,

આ સિવાય કર્ણાટકામાં ૨૧,૭૯૪, કેરળમાં ૧૯,૫૭૭, ગુજરાતમાં ૧૨,૨૦૬, રાજસ્થાનમાં ૧૨,૨૦૧, તામિલનાડુમાં ૧૦,૯૮૬, બિહારમાં ૧૦,૪૫૫, પશ્ચિમ બંગાળમાં ૯,૮૧૯, હરિયાણામાં ૭,૮૧૧, તેલંગાણામાં ૫,૯૨૬, ઝારખંડમાં ૪,૯૬૯, ઓડિશામાં ૪,૭૬૧, ઉત્તરાખંડમાં ૩,૦૧૨, જમ્મુ અને કાશ્મીરમાં ૨,૦૩૦, ગોવામાં ૧,૧૬૦ કેસ નોંધાયા છે. આ સિવાય કોરોનાથી સૌથી વધુ ઘેરાયેલા રાજ્યની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં ૬૨,૦૯૭ નવા કેસ નોંધાયા છે, મુંબઈમાં વધુ નવા ૭,૧૯૨ કેસ નોંધાયા છે. મહારાષ્ટ્રમાં ૫૧૯ લોકોએ પાછલા ૨૪ કલાકમાં કોરોનાના કારણે જીવ ગુમાવ્યો છે, જે અત્યાર સુધીના સૌથી વધુ છે.

આ પહેલા ૧૫ સપ્ટેમ્બરના રોજ ૫૧૫ દર્દીઓએ જીવ ગુમાવ્યો હતો. ઉત્તરપ્રદેશમાં પણ સતત કોરોના કેસમાં વધારો નોંધાઈ રહ્યો છે, અહીં મંગળવારે ૨૯,૭૫૪ કેસ નોંધાયા હતા, જે રવિવારે નોંધાયેલા રેકોર્ડ બ્રેક ૩૦,૫૯૬ની નજીક હતા. છત્તીસગઢમાં ૧૫,૬૨૬ નવા કેસ નોંધાયા છે, જે રવિવારે નોંધાયેલા રેકોર્ડ બ્રેક ૧૬,૦૮૩ પછી બીજા નંબરે રહ્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.