Western Times News

Gujarati News

૪.૭૪ કરોડની ચોરીમાં બંગાળથી બે તસ્કર ઝડપાયા

ભરુચ: તાજેતરમાં ભરુચથી મહેમદાવાદ વચ્ચે સૌરાષ્ટ્ર મેલમાં મુસાફરી કરી રહેલા આંગડીયા પેઢીના કર્મચારીનો સોનાના દાગીના, ડાયમંડ અને સોનાના બિસ્કીટ ભરેલા ૪.૭૪ કરોડની મતા ભરેલા થેલાની ચોરી થઇ હતી. રેલવે એલસીબી પોલીસે ટુંકા ગાળામાં આ ચોરીનો ભેદ ઉકેલી કાઢી પશ્ચીમ બંગાલના કેનીંગમાંથી ૨ તસ્કરોને ઝડપી પાડયા હતા.

પોલીસ સુત્રોએ જણાવ્યું હતું કે તાજેતરમાં મુંબઇની આંગડીયા પેઢીનો કર્મચારી સૌરાષ્ટ્ર મેલ ટ્રેનમાં રિઝર્વેશન કોચમાંમુંબઇ સેન્ટ્રલથી અમદાવાદ જતો હતો ત્યારે તે ભરુચ સ્ટેશન બાદ પોતાની સીટ પર સુઇ ગયો હતો. ત્યારબાદ મહેમદાવાદ આવતા તે ઉંઘમાંથી જાગ્યો હતો. જાગીને તેણે જાેયું તો પોતાનો આંગડીયાનો થેલો ગાયબ હતો જેમાં સોનાના દાગીના, સોનાના બિસ્કીટ અને ડાયમંડ મળીને ૪.૭૪ કરોડના દાગીના હતા.

તેમણે આ મામલે નડીયાદ રેલવે પોલીસમાં ફરિયાદ નોંધાતા પશ્ચીમ રેલવે એલસીબી પીઆઇ ઉત્સવ બારોટ અને તેમની ટીમે ઉંડી તપાસ કરી હતી અને અમદાવાદથી મહેમદાવાદ સુધીના તમામ રેલવે સ્ટેશનના સીસી ટીવી ફુટેજ ચકાસી તથા ટ્રેનનો રિઝર્વેશન ચાર્ટ બનાવી મુસાફરોની તપાસ તથા ટ્રેનના કર્મચારીઓ અને વેન્ડરોની તપાસ કરી હતી અને ત્યારબાદ ટેકનીકલ બાતમીના આધારે આ ચોરી કરનારા તસ્કરો પશ્ચીમ બંગાળના કેનીંગ શહેરના હોવાનું બહાર આવતા પોલીસની ટીમ કેનીંગ પહોંચી હતી અને બીજન મોન્ટુ હલદાર તથા અશોક અનિલ સરકાર નામના ૨ તસ્કરોને પકડી લઇ તેમની પાસેથી ૪.૬૫ કરોડનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને સ્થાનિક અદાલતમાં રજુ કરતાં કોરોના મહામારીના કારણે અદાલતે બંનેને વચગાળાના જામીન પર મુકત કર્યા હતા.

પોલીસ પશ્ચીમ બંગાળના કેનીંગ શહેરમાં પહોંચી હતી અને બંને તસ્કરો જે સ્થળે રહેતા હતા ત્યાં લુંગી બનિયાન પહેરી સ્થાનિક મજુરોનો વેષ ધારણ કર્યો હતો અને પેડલ સાયકલ પર તસ્કરોના ઘરની રેકી કરી હતી. ત્યારબાદ સાંજના સમયે તસ્કરના ઘરમાં હલચલ દેખાતા પોલીસે દરોડો પાડતાં ૧ શખ્સ ઝડપાયો હતો જેની પાસેથી ૪.૬૫ કરોડનો મુદ્દામાલ મળ્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.