Western Times News

Gujarati News

અમદાવાદમાં માત્ર ૩૦૦ રૂપિયા લેવા નોકરિયાત યુવકની હત્યા કરાઇ

Files Photo

અમદાવાદ: શહેરના મેમ્કો પાસે એક વ્યક્તિનું બે શખ્સોએ લૂંટના ઇરાદે પથ્થર મારી ઈજાઓ કરતા સારવાર દરમિયાન આ વ્યક્તિ નું મોત થતા હત્યાનો બનાવ સામે આવ્યો છે. આ વ્યક્તિને બે શખ્સોએ આંતરીને તેઓની પાસે ઝપાઝપી કરી હતી અને જ્યારે વ્યક્તિ રોડ ઉપર પડી ગયા ત્યારે ૩૦૦ રૂપિયાની લૂંટ કરી બે શખ્સો ફરાર થઈ ગયા હતા. બે શખ્સો માંથી એક શખશે આ વ્યક્તિને માથાના ભાગે પથ્થર માર્યો હતો. જાેકે સારવાર દરમિયાન આ વ્યક્તિનું મૃત્યુ થયું હતું. પરંતુ મૃતકની પત્નીને મૃતકે આ સઘળી હકિકત જણાવી હતી. છતાંય મૃતકે ડોક્ટરને આ બાબતે વાત ન કરતા મૃતકની પત્નીને શંકા થઈ હતી અને તેમના પતિ ને દારૂ પીવાની ટેવ હોવાથી પડી ગયા હોવાથી ઇજાઓ થઈ હોવાનું તે માની બેઠી હતી. સમગ્ર મામલે જ્યારે હત્યાનો બનાવ સામે આવ્યો ત્યારે શહેરકોટડા પોલીસે બે લોકો સામે ગુનો નોંધી બંનેની ધરપકડ કરી છે.

નરોડા રોડ પર રહેતા વનિતા બહેન સાવરિયાના પતિ લેથ મશીનના કારખાનામાં નોકરી કરતા હતા. ગત ૧૮મીના રોજ તેઓના પતિ નોકરીએ ગયા હતા પણ સમય મુજબ પરત આવ્યા ન હતા. જેથી વનિતા બહેનને થયું કે તેમના પતિ ઓવરટાઈમ કરવાના હશે અને તેમના પતિ સાડા આઠેક વાગ્યે પરત આવ્યા હતા. ત્યારે તેઓના માથામાં પાછળના ભાગે ઈજા થઈ હતી અને તેઓના માથામાંથી ખૂબ લોહી નીકળતું હતું.

જેથી વનિતા બહેને તેઓને શું થયું તે બાબતે પૂછતાં તેમના પતિએ જણાવ્યું કે, થોડીવાર પહેલા આઠેક વાગ્યાના સુમારે તેઓ ચાલતા ચાલતા રેલવેના પાટા તરફથી ઘરે આવતા હતા તે વખતે ગણેશ એસ્ટેટ આગળ બે છોકરાઓએ તેમને રોક્યા હતા. તેમની પાસે પૈસાની માંગણી કરી હતી. જાેકે તેઓએ પૈસા નહીં આપતા બંને છોકરાઓ એ તેમની સાથે ઝપાઝપી કરી હતી. દરમિયાનમાં એક છોકરાએ જમીન ઉપર પડેલો પથ્થર માથામાં મારી દીધો હતો.

જેથી વનિતા બહેનના પતિ નીચે પડી જતા તેમના ખિસ્સામાંથી આ શખ્સો ૩૦૦ રૂપિયા કાઢી તેમના બાઈક ઉપર ફરાર થઈ ગયા હતા. જેથી તાત્કાલિક ઇજાગ્રસ્ત વનિતા બહેનના પતિને અસારવામાં એક હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા. જ્યાં તેઓને ટાંકા લઈ દવા પટ્ટી કરી આપતા વનીતાબહેન તેમના પતિને ઘરે લઇ ગયા હતા.ત્યારબાદ ૧૯મીના રોજ રાત્રે તેમના પતિ બેભાન થઈ ગયા હતા. જેથી તેઓને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા.

વનિતા બહેનના પતિ દારૂ પિવાની ટેવવાળા હોવાથી તેઓ દારૂ પીને પડી ગયા હશે અને તેમની પાસે ખોટું બોલ્યા હશે તેવું વનિતા બહેનને લાગ્યું હતું અને તેમના પતિએ કોઈએ માર માર્યાની હકીકત હોસ્પિટલમાં જણાવી ન હતી. ત્યારબાદ વનિતા બહેનના પતિ સારવાર દરમિયાન ૧૯મીના સવારે મૃત્યુ પામ્યા હતા.

જેથી આ અંગે પોલીસને જાણ કરાતા પોલીસે લાશનું પીએમ કરાવી તપાસ શરૂ કરી હતી. બાદમાં વનિતા બહેનને પાડોશીઓથી વાતો વાતથી જાણવા મળી હતી કે, ગત ૧૮મીના રોજ બે શખ્સોએ ચપ્પુ બતાવી એક વ્યક્તિને લૂંટી લીધો હતો અને બે શખ્સોના નામ દીપક ચાવડા અને વિશાલ હડીયલ છે. જેથી મનીષાબહેન ને તેમના મૃતક પતિની વાત ઉપર ભરોસો બેસતાં તેઓએ આ અંગે પોલીસને જાણ કરતા પોલીસે આ મામલે ગુનો નોંધી બંને આરોપીઓની ધરપકડ કરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.