Western Times News

Gujarati News

ઓક્સિજન માટેના ફ્લો મીટર, ગેસ પ્રેસર રેગ્યુલેટરની તંગી

મેડિકલ ઓક્સિજનની સાથે ઈન્ડસ્ટ્રીયલ ઓક્સિજનનો વપરાશ દર્દીઓ માટે થવા લાગતા આ સ્થિતિનું નિર્માણ

અમદાવાદ ,  કોરોનાની મહામારીમાં દર્દીઓ તથા હોસ્પિટલોને ઓક્સિજનનો જથ્થો મેળવવામાં ખૂબ જ મુશ્કેલી પડી રહી છે. અમદાવાદમાં કોરોનાનો કેસો વધતા જાેઈ હોસ્પિટલોમાં ઓક્સિજન બેડો ખૂટ ગયા છે, જેના પગલે લોકો પોતાની રીતે ઘરે ઓક્સિજનના બાટલા લાવીને દર્દીઓે બચાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.

આ બધા વચ્ચે ઓક્સિજનના બાટલાની ઉપર લગાવવામાં આવતા ફ્લો મીટર અને ગેસ પ્રેસર રેગ્યુલેટરની બજારમાં ભારે તંગી ઉભી થઈ હોવાનું જાણવા મળ્યું છે. પ્રાપ્ત વિગતો મુજબ મેડિકલ ઓક્સિજનની સાથે ઈન્ડસ્ટ્રીયલ ઓક્સિજનનો પણ વપરાશ કોરોનાના દર્દીઓ માટે થવા લાગતા આ સ્થિતિનું નિર્માણ થયું છે.

આંકડા મુજબ હાલ અમદાવાદમાં એક્ટિવ કેસોની સંખ્યા ૩૫ હજારથી પણ વધારે છે. શહેરની તમામ હોસ્પિટલોમાં બેડ મળવા મુશ્કેલ બન્યા છે, લોકો હોસ્પિટલમાં દાખલ થવા માટે મથી રહ્યા છે પરંતુ બેડ મળી રહ્યા નથી. સૌથી ખરાબ સ્થિતિ ઓક્સિજનની જરૂરિયાત ધરાવતા દર્દીઓની થઈ રહી છે. તેમને ઓક્સિજન મળતો ન હોવાથી ઘણા કિસ્સામાં ઓક્સિજનના અભાવે દર્દીઓના મોત થઈ રહ્યા છે.

ઓક્સિજનની અછત સર્જાતા હવે ઈન્ડસ્ટ્રીયલ ઓક્સિજનનો કોરોનાની સારવાર માટે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. જાે કે, આ ઓક્સિજનના બાટલા દર્દીઓ માટે ત્યાં સુધી કામના નથી જ્યાં સુધી તેની પર ફ્લો મીટર અને ગેસ પ્રેસર રેગ્યુલેટર લગાવવામાં ન આવે. હાલ ઈન્ડસ્ટ્રીયલ સિલિન્ડરોનો પણ સારવારમાં ઉપયોગ શરૂ કરી દેવામાં આવ્યો હોવાથી બજારમાં ફ્લો મીટર અને ગેસ પ્રેસર રેગ્યુલેટરની તીવ્ર તંગી વર્તાઈ રહી છે.

મળતી માહિતી પ્રમાણે ફ્લો મીટર અને રેગ્યુલેટરની તંગીના પગલે જે લોકો પાસે તેનો સ્ટોક છે તેમણે પણ ભાવ વધારી દીધા હોવાનું જાણવા મળ્યું છે. અગાઉ ફ્લો મીટર બજારમાં ૮૦૦ સુધીમાં મળતા હતા પરંતુ હવે તેનો ભાવ ૨૦૦૦ સુધી પહોંચી ગયો છે. આ જ રીતે પ્રેસર રેગ્યુલેટર જે બજારમાં ૧૦૦૦ સુધી મળતા હતા તે હવે ૩૦૦૦ સુધી પણ મળી રહ્યા નથી.

ઓક્સિજનની અછત થતા ઈન્ડસ્ટ્રીયલ સિલિન્ડર રિફીલિંગના ભાવો પણ ભડકો થયો છે. અત્યાર સુધી ઈન્ડસ્ટ્રીયલ રિફીલિંગ માટે ૨૫૦ જેટલો ભાવ લેવામાં આવતો હતો. જાે કે, હવે તે વધીને ૫૦૦ સુધી પહોંચી ગયો છે. ઉપરાંત અમુક જગ્યાએ તો તેના કરતા વધુ ભાવ લેવામાં આવી રહ્યા છે. અમદાવાદના લોકોને રિફીલિંગ માટે પણ કઠવાડા સુધી લાંબા થવું પડતું હોવાનું પણ જાણવા મળ્યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.