Western Times News

Gujarati News

અમદાવાદના ગામડાઓમાં ઘરેબેઠા કોરાનાનો ટેસ્ટ થશે

કોરોનાનો RT-PCR  ટેસ્ટ કરવા માટે અમદાવાદ જિલ્લામાં મોબાઈલ ટેસ્ટિંગ વાન કાર્યરત થઈ

‘’અમારે તો ઘરે બેઠા ગંગા આવી’’ : ગોપાલભાઈ વાઘેલા, ચાંગોદર

સમય – બપોરના ૩-૩૦ કલાક. અમદાવાદ જિલ્લામાં ચાંગોદર ગામની પંચાયત ઓફિસમાં લાલ રંગની મોબાઈલ ટેસ્ટિંગ વાન પ્રવેશે છે. થોડી વારમાં જ એક પછી એક ગ્રામજનો મોબાઈલ ટેસ્ટિંગ વાનમાં પ્રવેશી RT-PCR ટેસ્ટ કરાવે છે અને કમ્યુનિટી હેલ્થ ઓફિસર આરતીબહેનને પૂછે છે.. રિપોર્ટ ક્યારે આવશે ? કમ્યુનિટી હેલ્થ ઓફિસર કહે છે, તમારા રિપોર્ટ ૪૮ કલાકમાં સનાથલ આરોગ્ય કેન્દ્રમાં મળી જશે.

આમ, અમદાવાદ જિલ્લાઓમાં નાગરિકનો ઘરે બેઠા કોરોના માટેનો RT-PCR ટેસ્ટ થઈ રહ્યો છે અને તે પણ વિના મૂલ્યે. કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહે  મોબાઈલ ટેસ્ટિંગ વાનની વ્યવસ્થા કરતા ગ્રામ્યજનો માટે આ સુવિધા ઉભી થઈ છે.

કોવીડ કાળમાં ઉભી થયેલી આ સુવિધા મુદ્દે પ્રતિક્રિયા આપતા ચાંગોદરના ગોપાલભાઈ વાઘેલા કહે છે કે, ‘’અમારે તો ઘરે બેઠા ગંગા આવી છે.બાકી કોરોના નિદાન માટેનો ટેસ્ટ ગામડામાં તો ક્યાંથી થાય ?સનાથલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ફરજરત શ્રી ધ્રુવીબેન પટેલ કહે છે કે, મોબાઈલ ટેસ્ટિંગ વાનનો મોટો લાભ એ છે કે આના કારણે કોરોનાના સમયમાં ગ્રામજનોએ બહાર જવું નહીં પડે,તેથી સંક્રમણની શક્યતાઓ પણ ઘટશે.

કમ્યુનિટી હેલ્થ ઓફિસર શ્રી આરતીબહેન સોલંકી આ મોબાઈલ ટેસ્ટિંગ વાનના લાભ વર્ણવતા કહે છે કે, આના કારણે લોહીના રિપોર્ટ થશે. તેમજ મેલેરિયા, ટીબી વગેરે જેવા રોગ અંગે પણ રિપોર્ટ થઈ શકશે.

ઉલ્લેખનીય છે કે કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહે કોવીડની સ્થિતિમાં પ્રજાજનોની મુશ્કેલી દુર થાય તે માટે અમદાવાદ અને ગાંધીનગર જિલ્લાના ગામડાઓ માટે ૭ (સાત) એમ્બ્યુલન્સવાન , ૨(બે) મોબાઈલ ટેસ્ટિંગ વાન, ૧(એક) આઈ.સી.યુ. ઓન વ્હીલની વ્યવસ્થા કરી છે.

મોબાઈલ ટેસ્ટિંગ વાનના લાભ અંગે બીજો દ્રષ્ટીકોણ કરતા ચાંગોદર ગામના તલાટી-કમ-મંત્રીશ્રી અર્જુનસિંહ મકવાણા કહે છે કે, મોબાઈલ ટેસ્ટિંગ વાન ગામમાં આવવાથી લોકોમાં રહેલો ભય દુર થશે. અને લોકોને સમજાશે કે કોરોના નિદાન માટેના ટેસ્ટિંગમાં કંઈ ડરવા જેવું નથી. વળી, જે ગરીબ પ્રજાને રોજીરોટી છોડીને ટેસ્ટ કરાવવા જવું પોસાય નહીં તે લોકોને પણ આનો લાભ મળશે.

આ મોબાઈલ ટેસ્ટિંગ વાન અમદાવાદ જિલ્લાઓના વિવિધ ગામમાં કોરોનાનો ટેસ્ટ કરશે, જેના પગલે કોવીડનું ગામડામાં ફેલાતા સંક્રમણને રોકવામાં મોટી મદદ મળશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.