સોસાયટીમાં ૩૦૦ જેટલા પરિવારો કોરોનામાં ફસાયા
ગાઝીયાબાદ: માત્ર સામાન્ય લોકો જ નહીં પરંતુ પોતાની ખાસ કાળજી રાખનારા લોકોને પણ કોરોના વાયરસ એક સામાન્ય ભૂલના કારણે ચેપ લગાડી રહ્યો છે. હવે આ સંક્રમણ સેલિબ્રિટીમાં પણ ફેલાઈ રહ્યો છે ત્યારે સામાન્ય વ્યક્તિ કે જેને બે ટંકના રોટલા માટે બહાર જવું જરુર છે તેમને સૌથી વધારે અસર થઈ રહી છે. દિલ્હીને અડીને આવેલા યુપીના ગાઝિયાબાદમાં એક સૌસાયટીમાં ૩૦૦ પરિવાર કોરોનાના વમણમાં ફસાયા હોવાનું સામે આવી રહ્યું છે.
ગાઝિયાબાદના ઈન્દિરાપુરમાં એક હાઉસિંગ સોસાયટીમાં આરડબલ્યુએએ ઉત્તરપ્રદેશ સરકારને લખ્યું છે કે સોસાયટીમાં રહેનારા ૩૦૦ પરિવારો કોરોના પીડિત છે. આરડબલ્યુએએ સરકારને પત્ર લખ્યો છે કે કોરોનાને ફેલાતો અટકાવવા માટે તાત્કાલિક સહાયની જરુર છે. અહીં મળતી વિગતો પ્રમાણે એ પણ જણાવવામાં આવ્યું છે કે પાછલા ૩૦ દિવસમાં કોરોનાના લીધે ૯ લોકોના મોત થઈ ગયા છે. કોરોનાથી પીડિત પરિવાર ઓક્સિજન અને હોસ્પિટલ બેડ માટે ભટકી રહ્યા છે.
આ સોસાયટીને બે દિવસ અગાઉ કોરોનાના વધતા કેસને અટકાવવા માટે સીલ કરવાનો ર્નિણય લેવાયો હતો. આમ્રપાલી વિલેજ સોસાયટીમાં ૧૦૦૨ ફ્લેટ છે. આ સોસાયટીમાં ૨૦૦ કેસ આવ્યા બાદ કેટલાક પગલા ભરવામાં આવ્યા હતા જાેકે, હવે આ કેસની સંખ્યા વધીને ૩૦૦ થઈ ગઈ છે. સાથે જ સરકારને મદદ કરવા માટે કહેવામાં આવી રહ્યું છે. બીજી તરફ સોસાયટીના લોકોને જરુરી સામાન મળી રહે તે અંગે વ્યવસ્થાઓ પણ કરવામાં આવી હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.
ઉત્તરપ્રદેશમાં પાછલા ૨૪ કલાકમાં ૨૫ હજાર કરતા વધારે કેસ નોંધાયા છે અને ૩૫૨ લોકોએ કોરોનાના કારણે જીવ ગુમાવ્યો છે. ભારતમાં મંગળવારે ૩૪૬૦ લોકોએ કોરોનાના કારણે જીવ ગુમાવ્યો છે અને વધુ નવા ૩,૬૨,૫૭૭ લોકોને કોરોનાનો ચેપ લાગ્યો છે. દેશમાં સતત ૮ દિવસથી ૩ લાખથી વધારે કેસ નોંધાઈ રહ્યા છે. જ્યારે ૩૦ એપ્રિલના રોજ કેસ ૪,૦૨,૩૫૧ પર પહોંચ્યા હતા, જે અત્યાર સુધીના એક દિવસમાં નોંધાયેલા સૌથી વધુ કેસ છે. આ સાથે દિલ્હીમાં વધુ ૧૮૦૪૩ કેસ નોંધાયા છે.