સાગર મર્ડર કેસઃ રેસલર સુશીલ કુમારને દિલ્હી પોલીસ શોધી રહી છે
નવીદિલ્હી: દિલ્હી પોલીસ હાલ ઓલમ્પિક મેડલ વિજેતા પહેલવાન સુશીલ કુમારને શોધી રહી છે. હકીકતે દિલ્હીના મોડલ ટાઉન વિસ્તારમાં આવેલા છત્રસાલ સ્ટેડિયમમાં પહેલવાનોના બે જૂથ વચ્ચે અથડામણ થઈ હતી. તેમાં ૫ પહેલવાનોને ગંભીર ઈજાઓ પહોંચી હતી અને તમામને દિલ્હીની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. સારવાર દરમિયાન સાગર નામના એક પહેલવાનનું મૃત્યુ થયું હતું.
આ કેસમાં પોલીસે એફઆઈઆર નોંધીને તપાસ શરૂ કરી દીધી છે. પોલીસ અધિકારીઓના કહેવા પ્રમાણે પહેલવાન સુશીલ કુમાર, અજય, સોનૂ, સાગર, પ્રિન્સ અને અમિત ઉપરાંત અન્ય કેટલાક પહેલવાનો વચ્ચે જીવલેણ મારપીટ થઈ હતી. પોલીસે સાક્ષીઓના નિવેદન અને તપાસ બાદ એફઆઈઆરમાં પહેલવાન સુશીલ કુમારનું નામ પણ લખ્યું છે માટે દરોડા પાડવામાં આવી રહ્યા છે.
દિલ્હી પોલીસની અનેક ટીમ સુશીલ કુમાર અને બાકીના આરોપીઓને શોધવા માટે દરોડા પાડી રહી છે. પોલીસ અધિકારીઓના મતે સુશીલ કુમાર મળી જશે એટલે તપાસમાં નવા ખુલાસા થશે. પ્રાથમિક તપાસમાં સાગર નામનો પહેલવાન પોતાના મિત્રો સાથે છત્રસાલ સ્ટેડિયમ પાસે મોડલ ટાઉનમાં એક મકાનમાં રહેતો હોવાનું સામે આવ્યું છે.
જાણવા મળ્યા મુજબ તે પ્રોપર્ટીને લઈને જ ઝગડો થયો હતો તથા બાદમાં બંને પક્ષ વચ્ચે ભારે મારપીટ અને ફાયરિંગ પણ થયું હતું જેમાં એકનું મોત થયું છે અને અનેકને ઈજાઓ પહોંચી છે. ઘટના સ્થળેથી પોલીસને એક સ્કોર્પિયો કાર અને લોડેડ ડબલ બેરલની બંદૂક મળી છે. સાથે જ કારતૂસ પણ મળ્યા છે.