Western Times News

Gujarati News

અમદાવાદમાં હવે ઓકસીજનના પણ કાળાબજાર ૩૧ ઓકસીજન સિલીન્ડર સાથે ત્રણ પકડાયા

(પ્રતિનિધિ) અમદાવાદ, : શહેરમાં કોરોનાનો વિસ્ફોટ થયો છે અને મેડીકલ ઈમરજન્સી સર્જાઈ ત્યારે માનવતાને ભુલીને કેટલાક શખ્સો રેમડેસિવીર ઈન્જેકશનો તથા ઓકસીજનનો ઉંચો ભાવ વસુલી કાળાબજારી કરી રહયા છે હાલમાં જ શહેર પોલીસની એજન્સીઓએ આવા કેટલાય શખસોને ઝડપી લીધા છે ત્યારે ક્રાઈમબ્રાંચે સરખેજમાં આવેલા એક ગોડાઉનમાં દરોડો પાડી ઓકસીજનની કાળા બજારી કરતા ત્રણ શખ્સોને ઝડપી લીધા છે ઉપરાંત ૩૯ ઓકસીજન સીલીન્ડર પણ જપ્ત કર્યાં છે.

ક્રાઈમબ્રાંચના પીઆઈ બલોચની ટીમો મેડીકલ ઓકસીજનની કાળા બજારી કરતા ઈસમોને શોધવા તપાસ ચલાવી રહી હતી ત્યારે પીએસઆઈ એસ.બી દેસાઈની ટીમને સરખેજમાં એક ગોડાઉનમાં ઓકસીજનની કાળાબજારી થતી હોવાની બાતમી મળી હતી જેના આધારે ડમી ગ્રાહક ઉભો કરીને તેમણે સરખેજ ચાર રસ્તાથી સાણંદ તરફ જવાના રસ્તે આવેલા મણીયાર્સ વન્ડરલેન્ડની બાજુમાં આવેલા ગુજરાત સેફટી નામના ગોડાઉન પર મોકલ્યો હતો જયાં હાજર ત્રણ ઈસમોએ તેમને ઓકસીજન સીલીન્ડરના ભાવ જણાવતા જ બાકીની ટીમ તુરંત ત્રાટકી હતી અને ગોડાઉનમાં હાજર ઉવેશ ફારુકભાઈ મેમણ (ર૮) રહે. ગફુર બિલ્ડીંગ રાયણ, તોફીક એહમદ શેખ (ર૪) રહે. ગજાલા રો હાઉસ, સરખેજ અને અશરફ શેખ (૩૩) શાહ હેદર મહોલ્લો દરીયાપુરને ઝડપી લીધા હતા જયારે ગોડાઉનમાંથી ૬ લીટરની કેપેસીટીવાળા ઓકસીજન ભરેલા ર૮, ૧૦ લીટરની કેપેસીટીવાળા ઓકસીજન ભરેલા પ તથા ૬ લીટરની કેપેસીટીવાળા ખાલી એમ કુલ ૩૯ સીલીન્ડર જપ્ત કર્યાં હતા.

આ ઈસમો ૬ લીટર ઓકસીજનના સીલીન્ડર ૧પ હજાર તથા ૧૦ લીટર ઓકસીજન સીલીન્ડર રપ હજાર રૂપિયામાં વેચતા હતા. ત્રણેયની પુછપરછમાં ગુજરાત સેફટીના માલીક અસ્લમ જુનાનીનો પુત્ર ઝૈદ જુનાની આ ઓકસીજન ભરૂચથી લાવતો હતો તે પોતે ભરૂચ ગુજરાત ફાયર સિસ્ટમના નામે ભરૂચમાં ગોડાઉન ધરાવે છે તપાસમાં પિતા-પુત્ર પાસે મેડીકલ ઓકસીજન વેચવાના પરવાના ન હોવાનું ખુલ્યુ છે ઉપરાંત તેમણે અત્યાર સુધી ર૦૦ જેટલા સિલીન્ડર વેચી નાંખ્યા છે. ક્રાઈમબ્રાંચે ફરાર અસ્લમ તથા ઝૈદને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે જયારે ઝૈદ આ સિલિન્ડર ક્યાંથી મેળવતો તે તરફ પણ તપાસ હાથ ધરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.