શુવેન્દુ બંગાળ ભાજપના ધારાસભ્ય દળના નેતા બન્યા
કોલકતા: ભાજપે પશ્ચિમ બંગાળના નંદીગ્રામ સીટ પર મમતા બેનર્જીને હરાવનાર સુવેન્દુ અધિકારી પર વિશ્વાસ મૂકી અને ફરી એક મોટી જવાબદારી સોંપી છે. નંદીગ્રામના ધારાસભ્ય અને ક્યારેક મમતા બેનર્જીના સાથી રહેલા શુભેંદુ અધિકારીને વિધાનસભામાં નેતા વિપક્ષ તરીકે પસંદ કર્યા છે. શુભેંદુ અધિકારીએ વિધાનસભા ચૂંટણીમાં મુખ્યમંત્રી મમતા બેનર્જીને નંદીગ્રામ સીટથી ૧૯૫૬ મતે હરાવ્યા હતા.
પશ્ચિમ બંગાળ ભાજપના પ્રભારી કૈલાશ વિજયવર્ગીયે ટ્વીટ કરી કહ્યુ કે, આજે પશ્ચિમ બંગાળમાં ચૂંટાયેલા ભાજપના ધારાસભ્ય દળની બેઠકમાં નંદીગ્રામથી ધારાસભ્ય શુભેંદુ અધિકારીને સર્વાનુમતે ભાજપ ધારાસભ્ય દળના નેતા ચૂંટવામાં આવ્યા છે. આ તકે કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદ અને મહામંત્રી ભૂપેન્દ્ર યાદવ હાજર રહ્યા હતા.
મહત્વનું છે કે પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં ભાજપ પ્રથમવાર મુખ્ય વિપક્ષી પાર્ટી બની છે. કુલ ૨૯૨ સીટોમાંથી ટીએમસીએ ૨૧૩ સીટ જીતી હતી. તો ભાજપના ખાતામાં ૭૭ બેઠકો આવી છે. જ્યારે અન્યને બે સીટ મળી હતી. લેફ્ટ અને કોંગ્રેસ બંગાળમાં ખાતુ ખોલાવી શકી નથી.ટીએમસી સતત ત્રીજીવાર સત્તામાં આવી છે