Western Times News

Gujarati News

ભારતની સૌથી મોટી ટેક્સટાઇલ માર્કેટમાં ૧ લાખ લોકો બેકાર થવાનો ભય

Files Photo

સુરત: ભારતની સૌથી મોટી ટેક્સટાઇલ માર્કેટ સુરતમાં અત્યારની કોરોના સ્થિતિને કારણે ભારે મંદીનો માહોલ છવાયેલો છે. વેપારીઓ અને ટેક્સટાઇલ માર્કેટના અગ્રણીઓના જણાવ્યા પ્રમાણે, દેશભરમાં અનેક રાજ્યોમાં લોકડાઉન છે તેમજ અન્ય નિયંત્રણો લાગેલાં છે, એને કારણે રૂ. ૧૨,૦૦૦-૧૫,૦૦૦ કરોડનાં પેમેન્ટ અટકી પડ્યાં છે. જાે આવી પરિસ્થિતિ લાંબો સમય રહેશે તો માર્કેટમાં ૧૭,૦૦૦થી વધુ વેપારીઓ પોતાનો ધંધો બંધ કરી શકે છે. આ ઉપરાંત આ સેક્ટર સાથે જાેડાયેલા અંદાજે ૧ લાખથી વધુ લોકો પણ બેકાર બને એવો ભય છે.

ફેડરેશન ઓફ સુરત ટેક્સટાઇલ ટ્રેડર્સ એસોસિયેશન (ફોસ્ટા)ના પ્રમુખ મનોજ અગ્રવાલે જણાવ્યું હતું કે સુરત ટેક્સટાઇલ માર્કેટનું વાર્ષિક ટર્નઓવર રૂ. ૫૦,૦૦૦ કરોડથી વધુનું છે. માર્ચ, એપ્રિલ અને મે મહિનામાં દરમિયાન આખા વર્ષનો ૩૫% જેવો વેપાર થાય છે, જાેકે એપ્રિલથી વેપાર પર મોટી અસર પડી. માર્કેટમાં ધંધો નથી અને સાથે જ પેમેન્ટ પણ અટકી પડ્યાં છે, જેને કારણે નાના વેપારીઓની સ્થિતિ ખરાબ છે.

ફોસ્ટાના ડિરેક્ટર રંગનાથ શારદાએ જણાવ્યું હતું કે સુરત ભારતનું સૌથી મોટું ટેક્સટાઇલ માર્કેટ છે. અહીંથી રાજસ્થાન, મહારાષ્ટ્ર, દિલ્હી, કર્ણાટક, આંધ્રપ્રદેશ, મહારાષ્ટ્ર, ઉત્તરપ્રદેશ સહિતનાં રાજ્યોમાં માલ મોકલવામાં આવે છે. જાન્યુઆરીથી માર્ચ દરમિયાન ડિમાન્ડ સારી હતી. અમારી પેમેન્ટ-સાઇકલ સરેરાશ ૧૦૦ દિવસની હોય છે, પણ દેશમાં અત્યારે જે સ્થિત છે એને કારણે જેમને માલ વેચ્યો છે તેમના ધંધા પણ ઠપ્પ છે. આને લીધે તેમના તરફથી કોઈ પેમેન્ટ આવ્યું નથી. એક અંદાજ મુજબ રૂ. ૧૨૦૦૦-૧૫૦૦૦ કરોડનાં પેમેન્ટ અટકી પડ્યાં છે અને એ ક્યારે આવશે? અથવા આવશે કે નહીં? એ હજુ નક્કી નથી.

રંગનાથ શારદાએ કહ્યું હતું, સામાન્ય સંજાેગોમાં સુરતથી આ સમય દરમિયાન દૈનિક ૫૦૦ ટ્રક સામાન દેશભરમાં સપ્લાઇ થતો હતો. એની સામે આ વર્ષે એપ્રિલમાં માત્ર ૧૦૦ ટ્રક સામાન જ નીકળ્યો હતો અને મેમાં એ ઘટીને ૮૦ ટ્રક પર આવી ગયો. જાેકે અત્યારે તો લોકડાઉનને કારણે વેપાર સંપૂર્ણ બંધ છે. ફોસ્ટાએ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનને એક પત્ર લખી ૧૨ મે પછી નિયમોમાં થોડી છૂટછાટ આપવા માટે જણાવ્યું છે.

મનોજ અગ્રવાલે કહ્યું હતું કે હજુ વેપારીઓ ગત વર્ષની મંદીમાંથી પૂરી રીતે બહાર નથી આવ્યા, એમાં વળી અત્યારે ફરી મંદીનો ફટકો પડ્યો છે; એનો માર નાના વેપારીઓને સૌથી વધુ પડ્યો છે. જે વેપારીઓ પહેલાં પાંચ દુકાનમાં ધંધો કરતા હતા તેઓ હવે ૨ દુકાનમાં ધંધો કરે છે. સુરતમાં ૬૫,૦૦૦-૭૦,૦૦૦ વેપારી છે. આમાંના ૨૦-૨૫% વેપારીઓ એવા છે, જે આ ફટકો લાંબો સમય ભોગવી શકે એમ નથી. આવા સંજાેગોમાં તેઓ આ ધંધો મૂકી શકે છે.

રંગનાથ શારદાએ જણાવ્યું હતું કે સુરત ટેક્સટાઇલ માર્કેટમાં અંદાજે ૩.૫ લાખ લોકો કામ કરે છે. આમાં કર્મચારીઓ પણ છે અને કારીગરો પણ છે. પાર્ટલી લોકડાઉન અને નિયંત્રનોને કારણે આ બધા લોકો અત્યારે કામચલાઉ રીતે તો બેકાર થઈ જ ગયા છે. જાે આ સ્થિતિ લાંબી ચાલશે તો આવનારા દિવસોમાં ૨૫-૩૦% લોકો, એટલે કે આશરે ૧ લાખ લોકો બેકાર થઈ શકે છે.

ક્લોથિંગ મેન્યુફેક્ચરર્સ એસોસિયેશન ઓફ ઈન્ડિયાએ તાજેતરમાં ડોમેસ્ટિક ગાર્મેન્ટ માર્કેટ પર એક સર્વે કર્યો છે. આ સર્વે મુજબ દેશની ગાર્મેન્ટ ઈન્ડસ્ટ્રીમાં કોરોનાની બીજી લહેર આવી એ દરમિયાન ૫૦%થી વધુ ઓર્ડર કેન્સલ થયા છે. સર્વેમાં જણાવાયું છે કે એપ્રિલમાં ગાર્મેન્ટનો વેપાર ૭૫%થી વધુ ઘટ્યો છે. આ બધાની અસર રૂપે ઉત્પાદકોએ તેના સ્ટાફમાં ૨૫% જેવો ઘટાડો કર્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.