Western Times News

Gujarati News

મારો વોર્ડ કોરોના મુક્ત વોર્ડ” અભિયાનનો પ્રારંભ કરાવતા ગૃહ રાજ્ય મંત્રી

અમદાવાદ પશ્ચિમ વિસ્તારમાં કોરોના સંલગ્ન વિવિધ કામગીરીનું સ્થળ નિરિક્ષણ કરી જાત માહિતી મેળવી

અમદાવાદ મહાનગરપાલિકાના સર્વે કાઉન્સેલરશ્રીઓને કોરોના નિયંત્રણની કામગીરીની હકારાત્મક સ્પર્ધામાં ઉતરી શ્રેષ્ઠ પ્રદર્શન કરવા હાંકલ કરી

ગૃહ રાજ્ય મંત્રી શ્રી પ્રદિપસિંહ જાડેજાએ અમદાવાદ શહેરના કાઉન્સીલરશ્રીઓને “મારો વોર્ડ કોરોના મુક્ત વોર્ડ” ને અસરકારક બનાવવા અપીલ કરતા કહ્યું કે, રાજ્યના મુખ્યંમત્રી શ્રી વિજયભાઇ રૂપાણીના “મારૂ ગામ કોરોના મુક્ત ગામ”ની અનોખી પહેલથી  ગ્રામ્ય સ્તરે પોઝીટીવીટી રેટ ઘટાડવામાં સફળ રહ્યાં છીએ.

ત્યારે આ જનવ્યાપી અભિયાનની પ્રેરણાથી રાજ્યભરના નગરોમાં શરૂ થયેલ “મારો વોર્ડ કોરોનામુક્ત વોર્ડ” અભિયાનમાં  પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધી એવા કાઉન્સીલરશ્રીઓ અને વહીવટી તંત્રના સહિયારા પ્રયાસથી આ અભિયાન જનવ્યાપી અને આરોગ્યલક્ષી બને તેવો ભાવ શ્રી પદિપસિંહજી જાડેજાએ વ્યક્ત કર્યો હતો.

શ્રી પ્રદિપસિંહ જાડેજાએ આજે અમદાવાદ શહેરના પશ્ચિમ વિસ્તારમાં શરૂ થયેલ “મારો વોર્ડ કોરોનામુક્ત વોર્ડ” અંતર્ગતની વિવિધ કોરોનાલક્ષી પ્રવૃતિઓ-કામગીરીની સ્થળ મુલાકાત લઇ સમીક્ષા કરી હતી.

શ્રી પ્રદિપસિંહ જાડેજાએ આ અભિયાનનો પ્રારંભ કરાવતા શહેરના કાઉન્સલીરશ્રીઓને એક હકારાત્મક સ્પર્ધામાં ઉતરીને પોતાના વોર્ડને કોરોનાલક્ષી કામગીરીના ક્ષેત્રમાં શ્રેષ્ઠ બનાવવાની હાંકલ કરી હતી. તેઓએ દરેક વોર્ડના ચારેય કાઉન્સલીરશ્રીઓને કોરોના પર નિયંત્રણ મેળવવાની વિવિધ આરોગ્યલક્ષી કામગીરીનું વિભાજન કરી સુચારૂ સંકલન દ્વારા શ્રેષ્ઠત્તમ પરિણામ હાંસલ કરવા માટેની લાગણી વ્યકત કરી હતી.

શ્રી પ્રદિપસિહ જાડેજાએ આ વેળાએ અમદાવાદ મ્યુ. કોર્પોરેશનની કોરોનાની બીજી લહેરમાં કરવામાં આવેલી કામગીરીની સરાહના કરતા કહ્યું કે, કોરોનાની ધાતક લહેરમાં અમદાવાદ શહેરના ધારાસભ્યશ્રીઓ, કાઉન્સીલરશ્રીઓ,અનેક સેવાભાવી સંસ્થાઓ, નામિ-અનામિ સંગઠનો દ્વારા કોરોનાની લડતને જનભાગીદારી સાથે ચલાવીને મહદઅંશે મહામારી પર કાબૂ મેળવવા સફળ રહેવા બદલ સર્વેને અભિનંદન આપ્યા હતા.

પ્રવર્તમાન કોરોનાની પરિસ્થિતિને હળવાશથી ના લઇ આગામી પરિસ્થિતિઓનું આગોતરૂ આયોજન કરવા અને સમાજ પ્રત્યેનું દાયિત્વ નિભાવી સેવાભાવનાના  બે ડગ સાથે ભરવા અમદાવાદ શહેરના નાગરિકોને ગૃહ રાજ્ય મંત્રીશ્રીએ અપીલ કરી હતી.

શ્રી પ્રદિપસિંહ જાડેજાએ મોટારા ખાતે કાર્યરત ધન્વતરી રથની સ્થળ મુલાકાત લઇ કરવામાં આવી રહેલી આરોગ્યલક્ષી કામગીરીનો ચિતાર મેળવીને કામગીરીને બિરદાવી હતી.વળી ગૃહરાજ્ય મંત્રીશ્રીએ ધનવન્તરી રથનો લાભ લઇ રહેલા દર્દીઓના પ્રતિભાવ પણ જાણ્યા હતા. તેઓએ ઘન્વતરી રથના એક વર્ષ પૂર્ણ થવા બદલ અને આ એક વર્ષમાં ૨૫ લાખ દર્દીનારાયણની સેવામાં સહભાગી થવા બદલ અભિનંદન આપ્યા હતા.

ત્યારબાદ શ્રી પ્રદિપસિંહ જાડેજાએ અમદાવાદ શહેરના આર.ટી.ઓ. સર્કલ પાસે કાર્યરત કોરોના ટેસ્ટિંગ બૂથની મુલાકાત લઇ સમગ્ર કામગીરીની જાત માહિતી મેળવી હતી.આ માહિતીથી શ્રી પ્રદિપસિંહે સંતોષ વ્યક્ત કર્યો હતો.

શ્રી પ્રદિપસિંહ જાડેજાએ જૂના વાડજ સ્થિત સરકારી શાળામાં કાર્યરત કોરોના રસીકરણ અભિયાનની સમગ્રતયા કામગીરી નિહાળીને તેનું મુલ્યાકન કર્યું હતુ. રસીકરણની યુધ્ધના ઘોરણે ચાલી રહેલી કામગીરીથી ગૃહરાજ્યમંત્રી શ્રી પ્રભાવિત થયા હતા.રસીકરણ મેળવી રહેલા યુવાનો સાથે ચર્ચા કરીને રસીકરણ અંગેના તેમના મંત્વય જાણ્યા હતા.

રસીકરણ કામગીરીનું મુલ્યાંકન કર્યા બાદ ગૃહ રાજ્યમંત્રીશ્રી એ સંજીવની વાન દ્વારા પૂરી પાડવામાં આવતી આરોગ્યલક્ષી સેવાનું નિરીક્ષણ  કરી તબીબ સાથે સંવાદ કર્યો હતો. સંજીવની સેવાના તબીબે શ્રી પ્રદિપસિંહ જાડેજાને સમગ્રતયા કામગીરીથી વાકેફ કર્યા હતા.

શ્રી પ્રદિપસિંહ જાડેજા એ અમદાવાદના વસ્ત્રાપુર સ્થિત સમરસ હોસ્ટેલના કોવિડ કેર સેન્ટરની મુલાકાત લઇ  ડેપ્યુટી મ્યુ. કમિશ્નર શ્રી દિલિપ રાણા દ્વરા સમરસ હોસ્ટેલની પ્રવર્તમાન કોરોનાની સ્થિતિ , ઉપલબ્ધ સુવિધાઓ વિશે વિગતવાર માહિતી મેળવીને, હોસ્ટેલના આગોતરા આયોજન વિશે અને કોરોના સામેની લડતની તૈયારીના ભાગરૂપે કરવામાં આવેલી વ્યવસ્થાની વિગતવાર ચર્ચા કરી હતી.

એ.એમ.એ  સ્થિત કાર્યક્રમમાં ગૃહ રાજ્ય મંત્રી શ્રી પ્રદિપસિંહ જાડેજાની સાથે અમદાવાદ પશ્ચિમના સાસંદ ડૉ. કિરીટ સોલંકી પણ ઉપસ્થિત રહ્યા હતા. તેઓએ આ પ્રસંગે ઉપસ્થિત તમામ કોરોના વોરીયર્સ નેસમગ્ર અમદાવાદ મ્યુ. કોર્પોરેશન તંત્રને કોરોનામાં શ્રેષ્ઠ કામગીરી કરવા બદલ અભિનંદન આપ્યા હતા.

શ્રી કિરીટ સોલંકીએ ગુજરાત સરકાર અને અમદાવાદ મ્યુ. કોર્પોરેશને કોરોના સામે નિયંત્રણ મેળવવા પ્રો-એક્ટિવ કામગીરી હાથ ધરી હોવાનું જણાવી મારો વોર્ડ કોરોનામુક્ત વોર્ડને સફળબનાવવા પ્રેરણા આપી હતી.

તેઓએ કોરોનાની બીજી લહેર વ્યાપક અને અસાધારણ રહી હોવાનું કહ્યું હતુ. જેમાં ઓક્સિજન, વેન્ટિલેટર અને કોરોનાની પથારીની વધુ જરૂરિયાત જણાતા સમગ્ર રાજ્ય તંત્રએ યુધ્ધના ધોરણે તે ઉપલબ્ધ કરાવી હોવાનું જણાવ્યું હતુ.કોરોનાની અસાધારણ પરિસ્થિતિમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી અને મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીના નેતૃત્વમાં તમામ મહાનગરપાલિકાઓએ શ્રેષ્ઠ કામગીરી કરી હોવાનું શ્રી કિરિટભાઇ સોલંકીએ ઉમેર્યુ હતુ.

“મારો વોર્ડ કોરોના મુક્ત વોર્ડ” અભિયાનના આરંભ પ્રસંગે અમદાવાદ શહેરના મેયર શ્રી કિરીટભાઇ પરમાર, ડેપ્યુટી મેયર શ્રીમતી ગીતાબેન પટેલ, ધારાસભ્ય સર્વે શ્રી રાકેશભાઇ શાહ, અરવિંદભાઇ પટેલ,અમદાવાદ પશ્ચમિ વોર્ડના કાઉન્સેલરશ્રીઓ,  અમદાવાદ મ્યુ. કોર્પોરેશનના મ્યુનિસીપલ કમિશ્નર શ્રી મુકેશકુમાર ગઢવી, ડેપ્યૂટી મ્યુનિસિપલ કમિશ્રનર શ્રી દિલીપ રાણા, નિષ્ણાંતતબીબો સહિત અમદાવાદ શહેરના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.