મોડાસાના દધાલિયા પંથકમાં આભ ફાટ્યું એક કલાકમાં ૨ ઇંચ વરસાદ
 
        પ્રતિનિધિ દ્વારા  ભિલોડા,
અરવલ્લી જીલ્લામાં રાજસ્થાનમાં વરસાદી સિસ્ટમ સક્રિય થતાં તેની અસર તળે બે દિવસ થી મેઘમહેર થતા ખેડૂતો સહીત પ્રજાજનોમાં આનંદ છવાયો છે સતત બીજા દિવસે મોડાસા તાલુકાના દધાલિયા અને સરડોઇ પંથકમાં મેઘરાજાએ ધબધબાટી બોલાવતા રસ્તાઓ પર પાણી ફરી વળતા નદીઓ વહેતી હોય તેવી સ્થિતિ પેદા થઈ હતી.દધાલિયા પંથકમાં રવિવારે એક કલાકમાં ૨ ઇંચથી વધુ વરસાદ ખાબતા જાણે આભ ફાટ્યું હોય તેવો માહોલ જોવા મળ્યો હતો.

દધાલિયા ગામનું તળાવ ઓવરફ્લો થતા નજીકના વિસ્તારોમાં પાણી ફરી વળ્યું હતું સુનોખ,વાસેરા કંપા અને મેઘરજ,ભિલોડા સહીતના વિસ્તારોમાં પણ મેઘરાજાએ હેત વરસાવતા ખેડૂતોમાં આનંદ છવાયો હતો જીલ્લામાં કાળા ડિબાંગ વાદળો અને મેઘ ગર્જના થતા મેઘરાજાનું કોપાયમાન સ્વરૂપ થી લોકોમાં ખુશી સાથે ભય પણ જોવા મળ્યો હતો દધાલિયા-સરડોઇ પંથકમાં બીજા દિવસે પણ ધોધમાર વરસાદથી કોઝવે પર પાણી ફરી વળતા અનેક ગામો થોડા કલાકો માટે સંપર્ક વિહોણા બન્યા હતા.ભિલોડા પાસે સુનસર ગામ પાસે ધોધ પુન:ધબકતો સહેલાણીઓ ઉમટી પડ્યા હતા.ખેડૂતોમાં આનંદની લાગણી પ્રસરી છે.

 
                 
                 
                