Western Times News

Gujarati News

ઇઝરાઇલ – પેલેસ્ટાઇન લડાઈમાં વધુ ૪૨ લોકોના થયા મોત, તંગદિલી યથાવત

નવીદિલ્હી: ઈઝરાયલી લડાકુ વિમાનોએ ફરી એક વખત ગાઝા સિટી પર બોમ્બમારો કર્યો છે. સોમવારે સવારે ઈઝરાયલ દ્વારા સતત ૧૦ મિનિટ સુધી બોમ્બમારો કરવામાં આવ્યો હતો. જાણવા મળ્યા મુજબ ઈઝરાયલના ફાઈટર પ્લેને ગાઝા સિટીના વિવિધ વિસ્તારોમાં સીરિઝમાં ભારે એરસ્ટ્રાઈક કરી હતી.

સોમવારે સવારે શહેરના ઉત્તરી ક્ષેત્રથી લઈને દક્ષિણી ક્ષેત્ર સુધી સતત ૧૦ મિનિટ સુધી બોમ્બવર્ષા થતી રહી હતી. આ એરસ્ટ્રાઈક ૨૪ કલાક પહેલા કરવામાં આવેલી બોમ્બવર્ષા જેમાં ૪૨ પેલેસ્ટાઈનીઓના મોત થયા હતા તેનાથી પણ ભારે હોવાનું સામે આવ્યું છે. જાે કે, ઈઝરાયલ ડિફેન્સ ફોર્સ દ્વારા આપવામાં આવેલા નિવેદન પ્રમાણે આઇડીએફ ફાઈટર જેટ્‌સ ગાઝા પટ્ટીમાં સ્થિત આતંકવાદી ઠેકાણાઓને જ ટાર્ગેટ કરી રહ્યા છે.

ઈઝરાયલ અને પેલેસ્ટાઈન વચ્ચે ચાલી રહેલા હિંસક સંઘર્ષ વચ્ચે ઈઝરાયલે રવિવારે સવારે પણ ગાઝા પટ્ટી પર બોમ્બમારો કર્યો હતો. તે હવાઈ હુમલામાં ૪૨ પેલેસ્ટાઈનીઓ માર્યા ગયા હોવાના અને અનેક ડઝન લોકો ઘાયલ થયા હોવાના સમાચાર સામે આવ્યા હતા. આ હુમલામાં ૩ જેટલી રહેણાંક ઈમારતો ધ્વસ્ત થઈ ગઈ હતી.

જાણવા મળ્યા મુજબ હમાસ પ્રમુખ યેહ્યા અલ-સિનવારના ઘરને પણ ટાર્ગેટ કરવામાં આવ્યું હતું. ઈઝરાયલના ફાઈટર વિમાનોએ રવિવારે ગાઝા સિટીના મહત્વના વિસ્તારોમાં અનેક ઈમારતોને નિશાન બનાવી હતી. હવાઈ હુમલાના કારણે રસ્તાઓ, બિલ્ડિંગ વગેરે ક્ષતિગ્રસ્ત થયા છે. આ હુમલામાં આશરે ૪૦ જેટલા લોકો માર્યા ગયા હતા જેમાં બાળકો અને મહિલાઓનો પણ સમાવેશ થાય છે.

ઈઝરાયલે હમાસને ભારે નુકસાન પહોંચાડવા માટે હુમલા તેજ કરી દીધા છે કારણ કે, સંઘર્ષ વિરામના પ્રયત્નો તેજ થઈ ગયા છે. તણાવ ઘટાડવા માટે અમેરિકી રાજદ્વારી પણ આ ક્ષેત્રમાં છે અને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદે પણ આ અંગે બેઠક યોજી હતી. સોમવારથી અત્યાર સુધીમાં હમાસ અને અન્ય આતંકવાદી જૂથોએ ઈઝરાયલ ઉપર ૨,૯૦૦ જેટલા રોકેટ તાક્યા છે. જવાબી કાર્યવાહીમાં ઈઝરાયલે પણ હમાસને ભારે નુકસાન પહોંચાડ્યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.