Western Times News

Gujarati News

ઈઝરાયલને કરોડોના શસ્ત્રો વેચવાની અમેરિકાની મંજૂરી

પ્રતિકાત્મક

અમેરિકાનો ઈઝરાયલના સમર્થનમાં વધુ એક ર્નિણય-હથિયારોના વેચાણની મોટી સમજૂતી પહેલા ૫ મેના રોજ સંસદને સત્તાવાર રીતે તેની જાણ કરવામાં આવી હતી

વોશિંગ્ટન,  ઈઝરાયલ અને પેલેસ્ટાઈન વચ્ચે ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે અમેરિકાના બાઈડન પ્રશાસને ઈઝરાયલને ૭૩.૫ કરોડ ડોલર એટલે કે આશરે ૫.૪ હજાર કરોડ રૂપિયાના હથિયાર વેચવાની મંજૂરી આપી છે. બાઈડનના આ ર્નિણયને લઈ ડેમોક્રેટ્‌સ સાંસદોએ સવાલ કર્યા છે. જાે કે, પહેલા એવું કહેવામાં આવતું હતું કે, ઈઝરાયલ અને પેલેસ્ટાઈન વચ્ચે ચાલી રહેલી હિંસા છતાં સાંસદો આ સમજૂતીને લઈ કોઈ વિરોધ દર્શાવે તેની કોઈ સંભાવના નથી.

સંરક્ષણ કરાર સામે વિરોધ નોંધાવનારા આ એ જ સાંસદો છે જેઓ ઈઝરાયલનું સમર્થન કરવાને લઈ અમેરિકી નેતૃત્વ સામે પણ ડર્યા વગર સવાલ કરી ચુક્યા છે. બાઈડન પ્રશાસન સતત ઈઝરાયલનો બચાવ કરતું આવ્યું છે. અમેરિકાએ રવિવારે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં ઈઝરાયલ-પેલેસ્ટાઈન સંઘર્ષ મુદ્દે જાહેર થનારા નિવેદનને ત્રીજી વખત અટકાવ્યું હતું.

૩ સાંસદોના સહયોગીઓએ જણાવ્યું કે, હથિયારોના વેચાણની મોટી સમજૂતી પહેલા ૫ મેના રોજ સંસદને સત્તાવાર રીતે તેની જાણ કરાઈ હતી. વોશિંગ્ટન પોસ્ટના અહેવાલ પ્રમાણે વેચાણની યોજના અંગે સંસદને એપ્રિલ મહિનામાં જ જાણ કરી દેવાઈ હતી. પરંતુ હવે કેટલાક સાંસદો સંરક્ષણ કરાર સામે સવાલ કરી રહ્યા છે.

અમેરિકી કાયદા પ્રમાણે સત્તાવાર નોટિફિકેશન બાદ કેપિટલ હિલ એટલે કે અમેરિકી સંસદને વેચાણ સામે વિરોધ નોંધાવવા ૧૫ દિવસનો સમય મળે છે. પરંતુ આ વેચાણ સામે વિરોધની કોઈ સંભાવના એટલા માટે નહોતી કારણ કે, અમેરિકામાં ડેમોક્રેટિક અને રિપબ્લિકન બંને પાર્ટીઓ ઈઝરાયલનું સમર્થન કરી રહી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.