Western Times News

Gujarati News

કોરોનાની ત્રીજી લહેર ઓગસ્ટ-નવે.ની વચ્ચે આવવાની શક્યતા

આ દરમિયાન જ મોટાભાગના તહેવારો પણ આવતા હોય છે, જેના કારણે કોરોના કેસમાં વધારો થઈ શકે છે

ગાંધીનગર, મહામારી દરમિયાન એક લહેર પછી બીજી લહેર ક્યારે આવશે તેનું અનુમાન કરવું ખૂબ જ અટપટું છે તેમ છતાં ગુજરાત સરકાર કોરોના મહામારીની ત્રીજી લહેર ઓગસ્ટથી નવેમ્બર આવશે તેવું અનુમાન કરીને તૈયારીઓ કરી રહી છે. મહત્વનું છે કે આ દરમિયાન જ મોટાભાગના તહેવારો પણ આવતા હોય છે.  જેના કારણે કોરોના કેસમાં વધારો થઈ શકે છે.

ઓગસ્ટ મહિનામાં રક્ષાબંધનની શરુઆત સાથે જન્માષ્ટમી, નવરાત્રી, દિવાળી સહિતના તહેવારો આ સમયમાં એકપછી એક આવશે. આ તમામ તહેવારો ચોમાસાની સીઝન પરછી તરત જ આવે છે. આ તહેવારોમાં ખૂબ મોટી સંખ્યામાં લોકો અહીંથી ત્યાં જતા હોય છે જેને લઈને સરકારનું અનુમાન છે કે આ સમયગાળામાં કોરોના કેસમાં વધારો થઈ શકે છે.

સરકારના કોરોના સામે લડવાના પ્લાન અને તૈયારીમાં જાેડાયેલા એક ઉચ્ચ સૂત્રો દ્વારા જણાવ્યા મુજબ ‘સરકારની ટાસ્ક ફોર્સ અને નિષ્ણાંતો કોરોનાની ત્રીજી લહેર ક્યારે આવશે તેનું અનુમાન કરી રહ્યા છે જે ખરેખર તો ખૂબ જ અઘરું છે. પરંતુ ઉચ્ચ અધિકારીઓનું માનવું છે કે ઓગસ્ટથી નવરાત્રી દરમિયાન આવતા તહેવારોમાં ભીડ ભેગી થવાના કારણે કોરોના કેસમાં વધારો થઈ શકે છે. જેના કારણે આ સમયગાળામાં કોરોનાની ત્રીજી લહેર આવી શકે છે.’

સૂત્રોનું કહેવું છે કે શ્રાવણ મહિના દરમિયાન રાજ્યભરમાં મેળાવડા અને મોટાપાયે ધાર્મિક આયોજન થતા હોય છે જેમાં ખૂબ મોટી સંખ્યામાં લોકો ભેગા થાય છે. આ સૂત્રોએ કહ્યું કે રાજ્ય સરકાર આવી તમામ પ્રકારના આયોજનોને પ્રતિબંધિત કરી શકે છે. ત્યાર બાદ નવરાત્રીના તહેવાર પણ આવશે અને સરકાર તેની ઉજવણી પર પણ કેટલાક પ્રતિબંધો મૂકશે.

સૂત્રે આગળ વધુમાં જણાવ્યં કે ત્યારબાદ નવેમ્બર મહિના દરમિયાન આવનારા દિવાળી અને ગુજરાતી નૂતન વર્ષના તહેવારને લઈને પણ સરકાર સામે મોટી સમસ્યા રહેશે. પરંતુ સરકાર ઇચ્છે છે કે નવેમ્બર સુધીમાં વધુમાં વધુ લોકોને રસીના ડોઝ આપવામાં આવે અને તે માટે પૂરતા ડોઝ ઉપલબ્ધ થાય તે અંગે પણ સરકાર પ્રયાસ કરી રહી છે.

રાજ્યમાં ગત વર્ષે નવેમ્બર મહિના દરમિયાન આવેલી લહેરમાં પ્રતિ દિવસનો પીક ૧૬૦૭ હતો જે બાદ એપ્રિલમાં આવેલી લહેરમાં રાજ્યમાં ૩૦ એપ્રિલના રોજ સૌથી વધુ એટલે કે પીક ૧૪,૬૦૫ નો હતો. જે પહેલાના પીક કરતા લગભગ ૯ ગણો વધારે હતો.

જાેકે આ આંકડાને જાેતા આગામી ત્રીજી લહેરમાં પીક પર કેટલો આંકડો હશે તે અંગે સરકારમાંથી કોઈ કશું બોલવા તૈયાર નથી. પરંતુ એક અંદાજ મુજબ જાે ત્રીજી લહેર આવશે તો બીજી લહેરના પીક કરતા ત્રીજી લહેરના પીકનો આંકડો ત્રણથી પાંચ ગણો હશે. નિષ્ણાંતોનું કહેવું છે કે જાે ત્રીજી લહેર પહેલા મોટા પાયે રસીકરણ કરવામાં આવશે તો પીક બીજી લહેર કરતા ક્યાંય નીચો હશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.