કરો તેવું ભરો : માણસે ઠાલવેલો કચરો દરિયાએ ઓકી કાઢ્યો
માણસ જાતે દરિયામાં અનેક પ્રકારનો કચરો ઠાલવ્યો છે જેના કારણે દરિયાઈ જીવસૃષ્ટિ પર ગંભીર અસર થઈ છે
મુંબઈ: માણસજાતે દરિયામાં અનેક પ્રકારનો કચરો ઠાલવ્યો છે. જેના કારણે દરિયાઈ જીવસૃષ્ટિ પર ગંભીર અસર થઈ છે. જાેકે ટાઉતે વાવાઝોડાએ માણસજાતે કરેલા કુકર્મોનો પરચો આપી દીધો છે. ગુજરાત અને મહારાષ્ટ્રમાં તબાહી મચાવનાર ટાઉતે વાવાઝોડાએ કેરળ, ગોવા અને કર્ણાટક સહિત રાજ્યોમાં પણ નુકસાન કર્યું હતું. અરબી સમુદ્રને લાગતા આ રાજ્યોના દરિયા કાંઠાના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો. આ વાવાઝોડાના કારણે અનેક મહામૂલા જીવ ગયા છે.
આ સાથે જ અનેક મિલકતોને પણ નુકસાન થયું છે. અલબત્ત મુંબઈના દરિયાકાંઠે અલગ જ મુશ્કેલી ઉભી થઇ છે. વાવાઝોડા બાદ મુંબઈના દરિયાકિનારે કચરાના ઢગ જાેવા મળી રહ્યા છે. ત્યારે આ ઢગલા કોણ કરી ગયું હશે તેવો સામાન્ય પ્રશ્ન લોકોને થાય, પરંતુ આ કચરો દરિયાએ બહાર ફેંક્યો હોવાનું સાંભળી લોકો આશ્ચર્ય પામે છે. માણસ જાતે અનેક પ્રકારનો કચરો દરિયામાં ઠાલવ્યો છે. પ્રકૃતિને ખૂબ નુકસાન કર્યું છે. જાેકે, હવે તે કચરો દરિયાએ બહાર ફેંક્યો હોવાનું જાેવા મળે છે.
અહેવાલમાં ટાઉતે વાવાઝોડા બાદ અનેક ટન કચરો દરિયા કાંઠે પરત આવ્યો હોવાની બાબત પર પ્રકાશ પાડવામાં આવ્યો છે. અહેવાલ મુજબ મુંબઈના દરિયાકાંઠે આવેલા વિસ્તારોને તહસનહસ કર્યા બાદ વાવાઝોડાએ કચરા અને કચરાના ઢગલાને હટાવી દીધો હતો. સફાઈ કર્મચારીઓ દ્વારા સમુદ્રએ ૭ બીચ પર ફેંકેલા ૬૨,૦૦૦ કિલો કચરાનો નિકાલ કરવામાં આવ્યો હતો. કાર્યકર્તાઓનું કહેવું છે કે, ભરતીની દિશા દરિયાકિનારે કચરાના જથ્થા તરફ ઈશારો કરે છે. સામાન્ય રીતે ખુલ્લી ગટરો અને રસ્તા પરનો કચરો એકંદરે દરિયામાં ઠલવાય છે.