ટિકૈતની પાસે ખંડણી માગી મારી નાખવાની ધમકી મળી
નવી દિલ્હી: ભારતીય ખેડૂત યુનિયનના રાષ્ટ્રીય પ્રવક્તા રાકેશ ટિકૈતને ફોન પર જાનથી મારી નાખવાની ધમકી મળી છે અને તેમના પાસેથી ખંડણી માંગવામાં આવી છે. રાકેશ ટિકૈતના કહેવા પ્રમાણે તેમને વ્હોટ્સએપ પર અપશબ્દો ઉપરાંત અશ્લીલ વીડિયો પણ મોકલવામાં આવી રહ્યા છે. સાથે જ જાે ખંડણી નહીં આપવામાં આવે તો વીડિયો વાયરલ કરવાની ધમકી આપવામાં આવી રહી છે.
ગાઝિયાબાદ કિસાન સંઘના જિલ્લા પ્રભારી જય કુમાર મલિકે આ મામલે કૌશાંબી થાણામાં રિપોર્ટ નોંધાવ્યો છે
પોલીસે આ અંગે તપાસ હાથ ધરી છે. ફરિયાદમાં રાકેશ ટિકૈતના ફોન પર અલગ-અલગ નંબરથી ધમકીભર્યા કોલ આવતા હોવાનો ઉલ્લેખ કરાયો છે. સાથે જ વ્હોટ્સએપ પર અપશબ્દો અને અશ્લીલ વીડિયો પણ મોકલવામાં આવી રહ્યા છે. ફરિયાદમાં આ વીડિયો ફોટો સાથે છેડછાડ કરીને બનાવાયા હોવાનો દાવો કરવામાં આવ્યો છે. અનેક વખત આ પ્રકારના કોલ, મેસેજની અવગણના કરવામાં આવી પરંતુ સતત કોલ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી રહી છે.
આ સાથે જ આરોપીઓ ૧૧,૦૦૦ રૂપિયા પણ માંગી રહ્યા છે. જાે ખંડણી નહીં આપવામાં આવે તો વ્હોટ્સએપ પર મોકલવામાં આવેલા અશ્લીલ વીડિયો વાયરલ કરવાની ધમકી પણ અપાઈ રહી છે. ફરિયાદના આધારે રિપોર્ટ નોંધી લેવામાં આવ્યો છે અને સર્વેલન્સ દ્વારા નંબરો વડે આરોપીઓને શોધવાની કામગીરી શરૂ કરી દેવાઈ છે. રાકેશ ટિકૈતના કહેવા પ્રમાણે જાે પોલીસ ટૂંક સમયમાં આરોપીઓને નહીં ઝડપી લે તો તમામ નંબરોને સાર્વજનિક કરી દેવામાં આવશે.