Western Times News

Gujarati News

કારેલામાંથી કંચન ભીંડાની ભવ્યતા અને મરચાંની કલાકૃતિ બને ખરી?

પ્રજ્ઞા શિક્ષિકા રાધિકા સોનીએ ઘરના બાળકો સાથે રમત રમતમાં વિવિધ શાકભાજીઓનીમસ્ત કલાકૃતિઓ બનાવી જેની નોંધ જિલ્લાના પ્રાથમિક શિક્ષણાધિકારીએ લીધી…

અમદાવાદ : ૨૦ વર્ષથી  શિક્ષણ સાથે સંકળાયેલા રાધિકા સોની વડોદરા જિલ્લાના ડભોઇ તાલુકાના બોરિયાદ ગામે પ્રાથમિક શાળામાં પ્રજ્ઞા શિક્ષક છે. પ્રજ્ઞા શિક્ષણ એટલે વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓ દ્વારા શિક્ષણની જેઓ શરૂઆત કરી રહ્યાં છે એવા ભૂલકાઓને શિક્ષણ પચાવવા અને શાળા પ્રત્યે લગાવ પેદા કરવાનો અભિગમ જેના પગલે ભૂલકાઓ શાળામાં હોંશે આવતા અને ભણતા થાય છે.તેની સાથે તેમનામાં રહેલી સર્જનાત્મકતા પ્રોત્સાહિત થાય છે.

આ રાધિકા બહેને તાજેતરમાં ઘરમાં ઉપલબ્ધ અને ખેતરમાંથી આણેલા વિવિધ શાકભાજીનો ઉપયોગ કરીને ઘરના બાળકો સાથે રમતા રમતા અને એ બાળકોની કલ્પના શક્તિનો વિનિયોગ કરીને ખૂબ સુંદર કલાકૃતિઓ સાવ અચાનક બનાવી કાઢી. માત્ર ઘરના ફ્લોર પર સર્જેલી આ કૃતિઓ ખૂબ જ સુંદર બની અને સાવ અનાયાસે એનું સર્જન થયું.

ઘરમાં ઉપલબ્ધ રીંગણ, ચોળી, નાના ટમેટાં, ભીંડા, કાકડી, મરચાં, તુરીયા, ટિંડોળા અને ફૂલોના ઉપયોગથી શાકભાજી વેચતો ફેરિયો, શાકભાજી વેચવા આવતી યુવતી, ફૂલદાની જેવી કૃતિઓ એટલી તો આકર્ષક બની કે તેના ચિત્રો જોઈ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી અર્ચનાબેન ચૌધરીએ તેની હકારાત્મક નોંધ લીધી.

અર્ચનાબેને જણાવ્યું કે, સરકારી પ્રાથમિક શાળાઓના પહેલા અને બીજા ધોરણમાં રચનાત્મક શિક્ષણનો પ્રજ્ઞા અભિગમ અપનાવવામાં આવ્યો છે. જેના હેઠળ ભૂલકાઓને પ્રવૃત્તિઓ દ્વારા રસ પડે એ રીતે શિક્ષણ આપવાનો આશય છે.

તેના હેઠળ બાળકોને ઉપલબ્ધ ચીજવસ્તુઓ દ્વારા સર્જનાત્મકતા પ્રોત્સાહિત થાય એ રીતે શિક્ષણ આપવામાં આવે છે. આ વેજીટેબલ આર્ટ પ્રજ્ઞા શિક્ષણની સફળ ફલશ્રુતિ બની શકે.

રાધિકાબેને જણાવ્યું કે,  મારી ભત્રીજીની જીદથી હું બાળકો સાથે જોડાઈ અને સાવ અનાયાસ આ કૃતિઓ બની ગઈ. એને જો જાડા કાગળ કે પ્લાસ્ટિકની સીટ પર ગુંદરથી ચિપકાવીએ ટકાઉ કૃતિઓ પણ બની શકે. રાધિકા સોનીની જેમ પ્રજ્ઞા શિક્ષણના અભિગમને સફળ બનાવવા અન્ય ઘણાં કર્મયોગી શિક્ષકો અને શિક્ષકો માટી કામ સહિત વિવિધ માધ્યમો દ્વારા ભૂલકાંઓના કલા સંસ્કારનું સિંચન કરે છે એની નોંધ લેવી ઘટે.

મેં આ વેજીટેબલ આર્ટને પ્રજ્ઞા શિક્ષકોના વોટ્સેપ ગ્રુપમાં મૂક્યા એની ઉપર સુધી નોંધ લેવાઈ એની મને પણ ખબર નથી.

હવે શાળા ખૂલે ત્યારે પ્રજ્ઞા શિક્ષણની સપ્તરંગી પ્રવૃત્તિઓ હેઠળ બાળકો સાથે આ વેજીટેબલ આર્ટની અજમાયશ કરીશ. સાવ આકસ્મિક, બાળકો સાથેની રમતમાં થયેલું આ કલા સર્જન ખરેખર નોંધ લેવા પાત્ર જ ગણાય.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.