Western Times News

Gujarati News

રાજકોટના બેડી માર્કેટ યાર્ડ ખાતે ખેડૂતોનાં ઉપવાસ

અમદાવાદ, રાજકોટ શહેરના બેડી માર્કેટ યાર્ડ ખાતે પાક વીમા મુદ્દે સતત ત્રીજા દિવસે ખેડૂતોએ ઉપવાસ ચાલુ રાખ્યા છે. ૧૨થી વધુ ખેડૂતો પોતાની પાક વીમા, ચેક ડેમને પુર્નજીવિત કરવા સહિતની માંગણીઓ સાથે ઉપવાસ પર બેઠા છે. ખેડૂતોએ આજે ઉપવાસ દરમ્યાન ઢોલ-નગારા અને અન્ય વાદ્યો, વાજીંત્રો વગાડી બહેરી સરકાર સુધી પોતાનો અવાજ પહોંચાડવાનો અનોખો પ્રયાસ રજૂ કરતો કાર્યક્રમ આપ્યો હતો.

બહેરી સરકાર સુધી અવાજને પહોંચાડવા ખેડૂતોએ ઢોલ-નગારા સહિતના વાદ્યો વગાડી અવાજ પહોંચાડવા પ્રયાસ

ખેડૂતોના સમર્થનમાં આજે કોંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયા પણ પહોંચ્યા હતા અને તેમણે સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. બીજીબાજુ, સતત ત્રણ દિવસના ઉપવાસના કારણે બે ખેડૂતોની હાલત લથડતાં ખેડૂતઆલમમાં ભારે ચિંતા અને ભાજપ સરકાર પરત્વે ઉગ્ર આક્રોશની લાગણી ભભૂકી ઉઠી હતી. ખેડૂતોએ આગામી દિવસોમાં ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી. પાક વીમા સહિતની વિવિધ માંગણીઓને લઇ રાજકોટ-સૌરાષ્ટ્રના ખેડૂતો છેલ્લા ત્રણ દિવસથી આમરણાંત ઉપવાસ પર ઉતર્યા છે ત્યારે હજુ સુધી સરકારના પેટનું પાણી હાલતું નથી.

સરકારના કોઇ મંત્રી કે જવાબદાર નેતા ખેડૂતો સાથે વાર્તાલાપ કરવા સુધ્ધાં આગળ આવ્યા નથી. બીજીબાજુ, સતત ત્રીજા દિવસના ઉપવાસના કારણે આજે બે ખેડૂતોની હાલત લથડી છે. કિશોરભાઈ લક્કડ અને કિશોરભાઈ સગપરીયાની તબિયત લથડતાં ખેડૂતોમાં ઉગ્ર રોષ ફાટી નીકળ્યો હતો અને સરકારના વલણને લઇ ભારોભાર નારાજગી ફેલાઇ હતી. દરમ્યાન ખેડૂતોએ આજે આમરણાંત ઉપવાસ દરમ્યાન સરકારને જગાડવા માટે આશ્ચર્યજનક કાર્યક્રમ આપ્યો હતો.

ખેડૂતોએ આજે ઢોલ, નગારા, જાલર અને ડંકા વગાડી બેહરી સરકાર સુધી પોતાનો અવાજ પહોંચાડવાનો પ્રયાસ કરી આશ્ચર્યજનક કાર્યક્રમ આપ્યો હતો. ખેડૂતોની તબિયત લથડવાની જાણ થતાં તંત્ર દ્વારા ૧૦૮ની ટીમ સ્થળ પર પહોંચાડવામાં આવી હતી. જે ખેડૂતોની તબિયત લથડી હતી, તેમની સારવાર કરવામાં આવી હતી. તો પાક વીમા મુદ્દે ઉપવાસ પર બેઠેલા ખેડૂતોને મળવા માટે આજે કોંગ્રેસના સ્થાનિક નેતા લલિત વસોયા પણ પહોંચી ગયા હતા અને તેમણે ખેડૂતોના આંદોલનને સંપુર્ણ ટેકો જાહેર કર્યો હતો. આ પ્રસંગે લલિત વસોયાએ જણાવ્યું કે, સરકાર ખેડૂતોની મજાક કરી રહી છે. જેથી ખેડૂતો પરેશાન છે.

સરકાર વીમા કંપનીને ફાયદો કરાવી રહી છે. કોંગ્રેસ હંમેશા ખેડૂતોની સાથે રહી છે અને હંમેશા રહેશે. ભાજપના કોઈ નેતા ખેડૂતોના પ્રશ્નો ઉઠાવશે તો કોંગ્રેસ એને પણ સમર્થન આપશે. દરમ્યાન માર્કેટીંગ યાર્ડના ખેતીવાડી અધિકારી રમેશ ટીલવાએ જણાવ્યું કે, રાજકોટ જિલ્લામાં સર્વેની કામગીરી કરી દેવામાં આવી છે. ૧૫ દિવસમાં કપાસના પાકવીમાં અંગે જાહેરાત કરવામાં આવશે અને સરકાર પારણાં કરાવવા કટિબદ્ધ છે. જો કે ખેડૂતોએ લેખિતમાં બાંહેધરી આપવાની માંગણી કરી હતી.

જેથી તેમણે કહ્યું કે લેખિતમાં આપવા માટે ખેતીવાડી અધિકારી અને જિલ્લા કલેકટર સહિતના અધિકારી સાથે ચર્ચા કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, ખેડૂતોને કપાસનો પાકવીમો નહીં મળતા રોષ ફેલાયો છે. કપાસનો પાકવીમો ચૂકવવા અંગે ભારતીય કિસાન સંઘે અનેક વખત રજૂઆત કરી હતી. આમ છતાં કોઈ નિરાકરણ નહીં આવતા ખેડૂતો વિફર્યા હતા અને ગુરૂવારથી ઉપવાસ પર ઉતર્યા છે. જ્યાં સુધી પાકવીમો નહીં ચૂકવાય ત્યાં સુધી ખેડૂતોએ ઉપવાસ ચાલુ રાખવાની ચીમકી ઉચ્ચારી છે. આ ઉપરાંત તેમણે ભાવાંતર યોજના લાગુ કરવા અને ચેકડેમ રિપેર કરવાની પણ માંગ કરી છે. ખેડૂતોના ઉપવાસને લઇ મામલો ગરમ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.