મોડર્ના રસીની ટ્રાયલ ૩૭૩૨ બાળકો પર કરાઈ
ભારત કોરોનાની બીજી લહેર સામે ઝઝૂમી રહ્યું છે અને આ બધા વચ્ચે સતત ત્રીજી લહેરની ચેતવણી અપાઈ રહી છે
વોશિંગ્ટન: ભારત કોરોના વાયરસની બીજી લહેર સામે ઝઝૂમી રહ્યું છે અને આ બધા વચ્ચે સતત ત્રીજી લહેરની ચેતવણી અપાઈ રહી છે. જેની સૌથી વધુ અસર બાળકો પર થઈ શકે છે. જાે કે બાળકો માટે કોરોના રસીને લઈને સારા સમાચાર આવ્યા છે. મોડર્નાએ દાવો કર્યો છે કે તેની રસી ૧૨થી ૧૭ વર્ષના બાળકો પર પ્રભાવી છે. મોડર્નાએ પોતાની રસીના બાળકો પર થયેલા બીજા અને ત્રીજા તબક્કાની ટ્રાયલના પરિણામ જાહેર કર્યા છે. રિપોર્ટ મુજબ કંપનીએ દાવો કર્યો છે
મોડર્ના રસીનો પહેલો ડોઝ ૧૨થી ૧૭ વર્ષના બાળકોમાં કોવિડ-૧૯ વિરુદ્ધ ૯૩ ટકા પ્રભાવી છે અને બીજાે ડોઝ લીધાના બે સપ્તાહ બાદ ૧૦૦ ટકા પ્રભાવી તથા સુરક્ષિત જાેવા મળી છે. મોડર્નાએ ટ્રાયલમાં ૧૨થી ૧૭ વર્ષના ૩૭૩૨ બાળકોને સામેલ કર્યા હતા. જેમાંથી ૨૪૮૮ બાળકોને બંને ડોઝ આપવામાં આવ્યા હતા. કંપનીનું કહેવું છે
રસીના બંને ડોઝ લેનારા બાળકોમાં કોરોનાના લક્ષણો જાેવા મળ્યા નથી. પરિણામ આવ્યા બાદ મોડર્નાએ કહ્યું કે તે પોતાની રસી બાળકોને આપી શકાય તેની મંજૂરી માટે અમેરિકાની રેગ્યુલેટર બોડી એફડીએ પાસે જૂનમાં અરજી કરશે. અમેરિકામાં આ મહિને ૧૨થી ૧૫ વર્ષના બાળકો માટે ફાઈઝર-બાયોએનટેકની રસીને મંજૂરી આપી દેવાઈ છે.
હવે જાે મોડર્નાને પણ મંજૂરી મળી જશે તો તે અમેરિકામાં બાળકો માટે બીજી કોરોના રસી હશે. અત્રે જણાવવાનું કે શરૂઆતમાં ફાઈઝરની રસીને ૧૬થી વધુ ઉંમરના લોકો પર ઉપયોગ માટે મંજૂરી મળી હતી. જ્યારે મોડર્નાની રસીને ૧૮ વર્ષથી વધુ ઉંમરના લોકોને આપવાની મંજૂરી મળી હતી.