Western Times News

Gujarati News

જામનગરમાં રહસ્યમય રીતે માનવ કંકાલ મળતા હાહાકાર

૧૫ દિવસથી વધુ સમયથી મૃતદેહ ત્યાં જ પડયો હોવાના કારણે કંકાલના રૂપમાં ફેરવાયાનું પોલીસનુંું અનુમાન

જામનગર: જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના નાની ભલસાણ ગામની સીમ વિસ્તારમાંથી કોઈ અજ્ઞાત સ્ત્રીનો માનવ મૃતદેહ કંકાલના સ્વરૂપમાં રહસ્યમય રીતે મળી આવ્યો છે. ૧૫ દિવસથી પણ વધુ સમયથી મૃતદેહ ત્યાં જ પડયો હોવાના કારણે કંકાલના રૂપમાં ફેરવાયો હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. આ ચકચારી ઘટનાની જાણ થતાં જ કાલાવડ ગ્રામ્ય પોલીસે મૃતદેહ નો કબ્જાે સંભાળી પોસ્ટમોર્ટમ કરાવ્યું છે, અને તેની ઓળખ કરવા માટે તેમ જ કયા કારણસર મૃત્યુ થયું છે, તેની ઉંડાણપૂર્વકની તપાસ માટે પોલીસ તંત્ર મથામણ કરી રહ્યું છે.

જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના નાની ભલસાણ ગામની સીમ વિસ્તારમાં એક માનવ મૃતદેહ તદ્દન કોહવાઈ ગયેલી હાલતમાં અને કંકાલના સ્વરુપમાં પડ્યો છે, અંગે માલધારી લાખાભાઈ આણંદભાઈ સોલંકીને ધ્યાને આવતા તેમને કાલાવડ ગ્રામ્ય પોલીસને જાણ કરી હતી. જેથી તાત્કાલિક કાલાવડ ગ્રામ્યના મહિલા પીએસઆઈ હિરલ પટેલ પોલીસ કાફલા સાથે ઘટનાસ્થળે પહોંચી ગયા હતા, અને મૃતદેહનો કબજાે સંભાળી પોસ્ટમોર્ટમ માટે મોકલી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

પોલીસની પ્રાથમિક તપાસ દરમિયાન, મૃતદેહ ૧૫ દિવસ જેટલા સમયગાળાથી ત્યાં જ પડયો હોવાના કારણે તદ્દન કોહવાઈ ગયો હોવાનું અનુમાન લગાડવામાં આવી રહ્યું છે, અને જેથી માત્ર હાડકા જ દેખાઈ રહ્યા છે. મૃતદેહ પર એક સાડી ચણીયો અને બ્લાઉઝ હોવાના કારણે આ કંકાલ હાલતમાં મળેલ મૃતદેહ સ્ત્રીનો હોવાનું તેમજ તેની ઉંમર આશરે ૪૦ થી ૪૫ વર્ષની હોવાનું અંદાજવામાં આવ્યું છે.

તેનું કયા સંજાેગોમાં મૃત્યુ થયું છે, તેમજ મૃતકની ઓળખ વગેરેની પ્રક્રિયા પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી રહી છે. જામનગર જિલ્લાના અન્ય પોલીસ મથકોમાંથી પણ છેલ્લા ૧૫ દિવસ દરમિયાન કોઈ સ્ત્રી ગુમ થઈ છે કે કેમ? તેની પણ માહિતી મેળવી ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરવામાં આવી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.