Western Times News

Gujarati News

માછીમારો માટે ગુજરાતના ઈતિહાસમાં પ્રથમવાર રૂ.૧૦૫ કરોડનું રાહત પેકેજ જાહેર

ગાંધીનગર: મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં મળેલી કોર કમિટીની બેઠકમાં રાજ્યમાં તાજેતરમાં તાઉ-તે વાવાઝોડાને કારણે ખેતી-બાગાયતી પાકો ઉપરાંત દરિયાકિનારાના સાગરખેડુ-માછીમારોને થયેલા વ્યાપક નુક્સાનમાંથી તેમને પુનઃબેઠા કરવા અને મત્સ્યોદ્યોગ પ્રવૃત્તિમાં પૂર્વવત કરવાના હેતુથી સર્વગ્રાહી સમીક્ષા કરીને રૂપિયા ૧૦૫ કરોડનું રાહત-સહાય પેકેજ જાહેર કર્યું છે. આ બેઠકમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, ઊર્જામંત્રી સૌરભ પટેલ, મત્સ્યોદ્યોગમંત્રી જવાહર ચાવડા અને મુખ્ય સચિવ અનિલ મુકીમ, મુખ્યમંત્રીના મુખ્ય અગ્રસચિવ કૈલાસનાથન, એસી.એસ. પંકજકુમાર અને વરિષ્ઠ સચિવોની ઉપસ્થિતિમાં મત્સ્યોદ્યોગ અને પશુપાલન સચિવ નલિન ઉપાધ્યાય અને કમિશનર ડી.પી.દેસાઇ જાેડાયા હતા.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ રાહત સહાય પેકેજની વિગતો આપતાં કહ્યું હતું કે સાગરખેડુ-માછીમારોને તાઉ-તે વાવાઝોડાથી થયેલા વ્યાપક નુકસાનમાંથી પુનઃબેઠા કરવા અને પૂર્વવત કરવાની સંપૂર્ણ સંવેદનાથી રાજ્યના ઇતિહાસમાં પ્રથમવાર આટલું વિશાળ ૧૦૫ કરોડ રૂપિયાનું ઉદારતાવાળું પેકેજ સરકારે જાહેર કર્યું છે. તેમણે આ સંદર્ભમાં જણાવ્યું હતું કે તાજેતરમાં ગુજરાતના, ખાસ કરીને સૌરાષ્ટ્રના દરિયાકિનારે આવેલાં બંદરો- જાફરાબાદ, રાજુલા, સૈયદરાજપરા, શિયાળબેટ, નવાબંદર સહિતનાં બંદરોને ધમરોળીને કલાકના ૨૨૦ કિ.મીની ઝડપે ત્રાટકેલા તાઉ-તે વાવાઝોડાથી દરિયો પણ તોફાની થયો હતો.

આને પરિણામે માછીમારોની ફિશિંગ બોટ, મોટા ટ્રોલર, હોડીઓ સહિત અમુક કિસ્સાઓમાં મત્સ્ય બંદરની માળખાકીય સુવિધાઓને પણ મોટે પાયે નુક્સાન થયું હોવાનો અંદાજ સામે આવ્યો છે.

મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે ૧૬૦૦ કિ.મીનો સૌથી લાંબો સમુદ્રકિનારો ધરાવતા ગુજરાતમાં પોરબંદરથી ઉમરગામ સુધીની દરિયાઇપટ્ટીમાં નાનાં-મોટાં મત્સ્ય બંદરો પરથી અનેક સાગરખેડુ પરિવારો દરિયો ખેડીને માછલી-ઝિંગા જેવાં મત્સ્ય ઉત્પાદનો મેળવી એના વેચાણથી પોતાની આજીવિકા રળીને નિર્વાહ કરતા રહ્યા છે. તાજેતરમાં આ વિનાશક તાઉ-તે વાવાઝોડાએ આવા સાગરખેડુ ભાઇઓની મત્સ્ય હોડીઓ, ફાઇબર બોટ અને ટ્રોલર તેમજ માછીમારી પરિવારોનાં કાચા-પાકા મકાનો, બંદર પર બોટ લાંગરવાની સુવિધા-જેટી અને અન્ય માળખાકીય સગવડોને નુક્સાન કર્યું છે.

મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે મત્સ્યોદ્યોગ માટેના આ રાહત પેકેજ જાહેર કરતાં પૂર્વે રાજ્યના મત્સ્ય ઉદ્યોગ-બંદર વિભાગના મંત્રી જવાહરભાઇ ચાવડા અને સચિવ નલિન ઉપાધ્યાય સહિતના વરિષ્ઠ અધિકારીઓએ અસરગ્રસ્ત જિલ્લા અમરેલી, ભાવનગર, ગીર-સોમનાથનાં બંદરોની પ્રત્યક્ષ સ્થળે મુલાકાત લઇને માછીમાર પરિવારોને થયેલા હોડીઓ, મોટી બોટ, ટ્રેલર તેમજ જેટી-બંદરોને થયેલા નુક્સાનનો સર્વગ્રાહી સર્વે સ્થાનિક માછીમોરોની રજૂઆતો ધ્યાને લઇને કર્યો હતો.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જાહેર કરેલા રાહત પેકેજમાં ૨૫ કરોડ રૂપિયા સાગરખેડુ- માછીમારોની બોટ, ટ્રોલર, ફિશિંગનેટ વગેરેને થયેલા નુક્સાન રાહત પેટે તેમજ ૮૦ કરોડ રૂપિયા, મત્સ્ય બંદરોના ઇન્ફ્રાસ્ટ્રક્ચરને થયેલા નુક્સાનની મરામત માટે મળીને કુલ રૂપિયા ૧૦૫ કરોડનું આ પેકેજ છે. આ પેકેજની અન્ય વિશેષતાઓ વિશે જાેઇએ તો નુકસાન પામેલી બોટના ખલાસીઓને જીવનનિર્વાહ માટે ખલાસીદીઠ ઉચ્ચક રૂ. ૨૦૦૦ની સહાય તેમનાં ખાતાંમાં સીધા ડીબીટીથી ચૂકવવામાં આવશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.