Western Times News

Gujarati News

મ્યુનિ.ના “ઓકિસજન” પર ચાલતી AMTS પુર્ણ લોકડાઉન તરફ

પ્રતિકાત્મક

કોરોનાની પ્રથમ લહેર સમયે ૭૬ દિવસ માટે બસો બંધ રહી હતી તેમજ બીજી લહેરમાં 18 માર્ચ, 2021થી બસો બંધ છે- જેના પરીણામે દૈનીક વકરાની આવક પેટે રૂા.૧૪ કરોડનું નુકશાન થયુ છે

એએમટીએસને હાલ દૈનિક રૂા.૮૬ લાખની ખોટ થાય છે જે વધીને હવે રૂા.૧ કરોડ સુધી પહોંચી ગઈ છે.

ર૦ર૦-ર૧માં AMTS સંસ્થાને વકરામાં રૂા.૯૬ કરોડની ખોટ ગઈ હતી

(દેવેન્દ્ર શાહ દ્વારા)અમદાવાદ, રાજય સરકારની ગાઈડલાઈન બાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા શહેરની જાહેર પરિવહન સેવા ૧૮ માર્ચથી બંધ કરવામાં આવી છે. જેને લગભગ ૭પ દિવસ પુરા થયા છે. કોરોના સંક્રમણમાં ઘટાડો થયા બાદ તંત્ર દ્વારા વેપાર-ધંધા માટે છુટછાટો આપવામાં આવી રહી છે.

પરંતુ અગમ્ય કારણોસર એ.એમ.ટી. એસ. અને જનમાર્ગના પૈડા બાંધી રાખવામાં આવ્યા છે. કોરોનાની પ્રથમ લહેર બાદ ખાસ નિયમોને આધીન જાહેર પરિવહર સેવા શરૂ કરવામાં આવી હતી પરંતુ બીજી લહેર સમયે “શટલ રીક્ષા” અને ખાનગી વાહનો માટે કોઈ જ નિયમો કે કાયદાનો અમલ કરવામાં આવ્યો નથી.

માત્ર જાહેર પરિવહન સેવા સામે જ સંપુર્ણ લોકડાઉનનું શસ્ત્ર ઉગામવામાં આવ્યુ છે. જેના કારણે દેવા ના ડુંગર તળિયે દબાયેલ એએમટીએસને પુર્ણ રીતે “લોક” કરવામાં આવે તેવી સ્થિતિનું નિર્માણ થાય તેવી શક્યતા નિષ્ણાતો વ્યકત કરી રહયા છે તેમજ જાે તાકીદે એએમટીએસ સેવા શરૂ કરવામાં નહીં આવે તો મ્યુનિ. કોર્પોરેશનની લોનનો ઓકસીજન પણ તેના માટે પર્યાપ્ત રહેશે નહિ તેવી ચર્ચા પણ ચાલી રહી છે.

એક જમાનામાં એશિયાની શ્રેષ્ઠ જાહેર પરિવહન સેવામાં જેની ગણના થતી હતી તે મ્યુનિ. ટ્રાન્સપોર્ટ સર્વિસ ધીમે ધીમે પુર્ણ “લોકડાઉન” તરફ જઈ રહી છે. મ્યુનિ. સત્તાધીશો અને વહીવટીતંત્ર દ્વારા ૧૮ માર્ચથી જાહેર પરિવહન સેવા બંધ કરવામાં આવી છે. જેના પરીણામે દૈનીક વકરાની આવક પેટે રૂા.૧૪ કરોડનું નુકશાન થયુ છે તેમજ જયાં સુધી બસો બંધ રહેશે ત્યાં સુધી દૈનિક રૂા.૧૮ લાખનું નુકસાન સંસ્થાને થશે તે નિશ્ચિત છે.

મ્યુનિ. બસોની દૈનિક આવક રૂા.રપ લાખ હતી પરંતુ કોરોના કાળમાં છેલ્લા એક વર્ષથી ઘટીને રૂા.૧૮ લાખ થઈ છે. સંસ્થા એક તરફ આવક ગુમાવી રહી છે જયારે બીજી તરફ સ્થાયી ખર્ચમાં કોઈ જ ઘટાડો થવાનો નથી સંસ્થા દ્વારા પગાર અને પેન્શન પેટે દર મહીને રૂા.રર કરોડ ચુકવવામાં આવે છે. તેમજ ખાનગી ઓપરેટરોને માસિક રૂા.૧૩ કરોડ લેખે વાર્ષિક રૂા.૧પ૬ કરોડ ચુકવવામાં આવે છે.

કોરોનાની પ્રથમ લહેર સમયે ૭૬ દિવસ માટે બસો બંધ રહી હતી તેમ છતાં કોન્ટ્રાકટરોને ૩૦ ટકા લેખે રૂા.૭.૮૦ કરોડ ચુકવવામાં આવ્યા હતા. બીજી લહેરમાં પણ જુના ઠરાવનો અમલ થાય તેવી ૧૦૦ ટકા શકયતા છે. મતલબ કે આવકમાં દૈનિક રૂા.૧૮ લાખની ખોટ કર્યા બાદ કોન્ટ્રાકટરોને ૩૦ ટકા લેખે માસિક રૂા.૩.૯૦ કરોડની ચુકવણી કરવામાં આવશે. ર૦ર૦-ર૧માં સંસ્થાને વકરામાં રૂા.૯૬ કરોડની ખોટ ગઈ હતી

જેના કારણે મનપા દ્વારા આ લોન સ્વરૂપે આપવામાં આવતો ઓકસીજન પણ પર્યાપ્ત રહેશે નહી. મ્યુનિ. કોર્પોરેશન દ્વારા લોન પેટે દર મહીને રૂા.ર૬.૩૦ કરોડ આપવામાં આવ્યા છે. છેલ્લ ૬૦ દિવસ મુજબ ગણત્રી કરવામાં આવે તો મનપા તરફથી લોન પેટે રૂા.પર.૬૦ કરોડ મળ્યા છે જેની સામે પગાર અને પેન્શન પેટે બે મહીનામાં રૂા.૪૪ કરોડ ચુકવાયા છે.

જયારે લાઈટબીલ સહીતના અન્ય સ્થાયી ખર્ચની ગણત્રી અલગ રહેશે. એએમટીએસને હાલ દૈનિક રૂા.૮૬ લાખની ખોટ થાય છે જે વધીને હવે રૂા.૧ કરોડ સુધી પહોંચી ગઈ છે. જેની સામે કોર્પોરેશન દ્વારા દૈનિક ૮પ લાખ લેખે લોન આપવામાં આવે છે. પરંતુ હાલના સંજાેગોમાં તે રકમ પણ ઓછી પડી રહી છે બસો બંધ રહેતા નુકશાની અને દેવા ના વધતા આંકડા વચ્ચે સંસ્થાને પુર્ણ લોકડાઉનની દહેશત વ્યકત થઈ રહી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.