ભાજપે ફરી એક વખત મિશન ઈલેક્શન પર કામ શરૂ કરી દીધું
નવીદિલ્હી: ભારતીય જનતા પાર્ટીએ ફરી એક વખત મિશન ઈલેક્શન પર કામ શરૂ કરી દીધું છે. જે અંતર્ગત પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ ૫ અને ૬ જૂનનાં રોજ પાર્ટીના મહાસચિવ અને પ્રદેશ પ્રભારીઓની સમીક્ષા બેઠક બોલાવી છે.આ બેઠકનું ફોકસ ૨૦૨૨માં થનારી ૬ રાજ્યોની વિધાનસભા ચૂંટણી પર રહેશે. જેમાં ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, ગોવા, ગુજરાત અને હિમાચલ પ્રદેશ સામેલ છે. પંજાબને છોડીને બાકી ૫ રાજ્યોમાં ભાજપની સરકાર છે.
બેઠકમાં ચૂંટણીને લઈને અને હાલની સ્થિતિમાંથી બહાર નીકળવાની રણનીતિ પણ તૈયાર કરવામાં આવશે. આ જ કારણ છે કે આ બેઠક પહેલાં નડ્ડાએ તમામ સંગઠન મંત્રીઓ પાસે અલગ અલગ રાજ્યોની સમીક્ષા પણ કરાવી લીધી છે. ઉત્તરપ્રદેશની સ્થિતિ લેવા માટે હાલમાં જ બીએલ સંતોષને મોકલવામાં આવ્યા હતા.
કોરોના વચ્ચે પાર્ટીની છબી સુધારવા માટે નડ્ડા ‘સેવા જ સંગઠન’ અભિયાન લોન્ચ કરશે. આ અભિયાન અંતર્ગત ભાજપના કાર્યકર્તાઓ સામાન્ય લોકો વચ્ચે જઈને તેમની મદદ કરશે. કોરોનાના સંકટ વચ્ચે પરેશાન લોકોની સહાયતા કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. સૌથી વધુ ફોકસ ઉત્તરપ્રદેશમાં રહેશે.બેઠકમાં આ વર્ષે પશ્ચિમ બંગાળ, આસામ, કેરળ, પુડ્ડુચેરી અને તામિલનાડુમાં થયેલી ચૂંટણીની સમક્ષી પણ કરવામાં આવશે. ભાજપે આસામ અને પુડ્ડુચેરીમાં જીત મેળવી છે, જ્યારે કે બંગાળ, તામિલનાડુ અને કેરળમાં હારનો સામનો કરવો પડ્યો છે.
બેઠકના એજન્ડામાં ઈલેક્શનવાળા રાજ્યોમાં પાર્ટી દ્વારા સામાજિક અને રાજકીય કાર્યક્રમોને વધારવા માટે કહેવામાં આવશે.,કોરોનાના સમયમાં પાર્ટી તરફથી જેટલાં પણ સામાજિક કાર્યો થયા છે તેની સમીક્ષા કરવામાં આવે.,સેવા જ સંગઠન યોજના લોન્ચ કરવામાં આવશે.,જરૂરિયાતવાળાને આર્થિક, સામાજિક મદદ સામેલ છે
જણાવવામાં આવે છે કે નડ્ડાએ તમામ સંગઠન મંત્રીઓ અને રાજ્યોના પ્રભારીઓને સ્પષ્ટ નિર્દેશ આપ્યા છે કે તેઓ પોતપોતાના રાજ્યો સાથે જાેડાયેલી તમામ જાણકારીની સાથે આવે. રણનીતિ અને સંગઠનના કામકાજનો સંપૂર્ણ રિપોર્ટ લાવવાનું પણ નડ્ડાએ કહ્યું છે. જે રાજ્યોમાં ભાજપની સરકાર છે ત્યાંના પ્રભારીઓને સરકાર અને સંગઠન વચ્ચે તાલમેળ, મંત્રીઓ અને સંગઠનના નેતાઓનો રિપોર્ટ પણ માગવામાં આવ્યો છે.