સ્વામિનારાયણ હોસ્પિટલમાં વધુ એક ઓક્સિ. પ્લાન્ટ શરૂ
        ગાંધીનગર, મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ રાકેશ પ્રસાદ મહારાજની પ્રેરણાથી વડતાલ સ્વામી નારાયણ ધામ દ્વારા કોરોનાના કપરા કાળમાં થઈ રહેલ સમાજસેવા સહિત આરોગ્ય સેવાના કાર્યોના ભાગ રૂપે સ્થાપિત ઓકસીજન પ્લાન્ટ નું લોકાર્પણ કર્યું હતું.
મુખ્યમંત્રીએ ગાંધીનગરથી વીડિયો કોન્ફરન્સ દ્વારા આ લોકાર્પણ કરતા કહ્યું કે, લીકવીડ ઓક્સિજનની મર્યાદાઓ સામે હવે હવામાંથી સીધો ઓક્સિજન મેળવવાના પ્લાન્ટસ રાજ્યમાં સ્થાપીને ૩૦૦ ટન ઓક્સિજન મેળવી પગભર બનવાની દિશામાં આપણે આગળ વધી રહ્યા છીએ. વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું કે, રાજ્ય સરકાર દ્વારા ઓક્સિજન ઉત્પાદન ના કાર્યમાં વડતાલ સહિત અન્ય ધાર્મિક – સામાજિક સેવાભાવી સંસ્થાઓ, અમૂલ, બનાસ ડેરી ઉપરાંત એન.આર.આઇ પણ સમયની માંગને અનુસરીને જાેડાયા છે તે અભિનંદન પાત્ર છે.
મુખ્યમંત્રીએ ઉમેર્યું કે, કોરોના કાળમાં વડતાલ મંદિર દ્વારા ઓક્સિજન પ્લાન્ટ અર્પણ કરીને આ સેવા પરંપરા વધુ ઉજ્જવળ કરી છે. તેમણે ઉમેર્યુ કે, ગુજરાતે કોરોનાની પ્રથમ લહેરમાં સફળતાપૂર્વક સંક્રમણ નિયંત્રણ કર્યુ હતું બીજી લહેરને પણ એ જ આક્રમકતાથી નિયંત્રણમાં લાવ્યા છીયે.
હવે તજજ્ઞો જ્યારે ત્રીજી લહેરની સંભાવના દર્શાવે છે ત્યારે એના માટે પણ ગુજરાત સંપૂર્ણ સજ્જ છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ શ્રી સ્વામિનારાયણ મલ્ટિ સ્પેશ્યાલિટી હોસ્પિટલ- વડતાલ ખાતેના નવીન ઓક્સિજન પ્લાન્ટનું ગાંધીનગરથી ઇ-લોકાર્પણ કર્યું હતું.

આ ઈ- લોકાર્પણ પ્રસંગે વડતાલ ખાતે પરમ પૂજ્ય ૧૦૦૮ આચાર્ય રાકેશ પ્રસાદજી મહારાજ, સાંસદ દેવુસિંહ ચૌહાણ, ધારાસભ્ય અને વિધાનસભાના મુખ્ય દંડક પંકજભાઈ દેસાઈ,જિલ્લા ભાજપ પ્રમુખ – ધારાસભ્ય અર્જુન સિંહ ચૌહાણ,ખેડાના પૂર્વ સહિત પૂજ્ય સંતો ઉપસ્થિત રહ્યા હતા.
મુખ્યમંત્રીએ આ હોસ્પિટલમાં વધુ એક ઓક્સિજન પ્લાન્ટ સ્થાપવાની અપીલ કરી હતી. તેના પ્રતિસાદરૂપે આજ હોસ્પિટલ ખાતે બીજા ૫૦ બેડના ઓક્સિજન પ્લાન્ટની જાહેરાત કરવામાં આવી હતી. બીજા ઓક્સિજન પ્લાન્ટ માટે હોસ્પીટલના પ્રમુખ ધનજીભાઈ દ્વારા રૂપિયા ૧૫ લાખ, મુખ્ય દંડક પંકજભાઈ દેસાઈ દ્વારા ૧૦ લાખ તથા સાંસદ દેવુસિંહ ચૌહાણ દ્વારા રૂપિયા ૩૫ લાખની અદ્યતન એમ્બ્યુલન્સ ફાળવવાની જાહેરાત કરવામાં આવી હતી.

