Western Times News

Gujarati News

કોપરના ભાવમાં વધારાથી એસી સહિતની વસ્તુઓ મોંઘી થશે

દેશમાં લોકડાઉન સંપૂર્ણ રીતે ખૂલ્યા પછી તેની કિંમતમાં વધારો થઈ શકે છેઃ કિંમત ૭૭૬.૫૫ પ્રતિકિલો થઇ

નવી દિલ્હી,  કોપરની કિંમતોમાં હાલમાં ઘણી તેજી આવી છે. એનું કારણ એ છે કે, ગ્લોબલ ઈકોનોમીમાં સુધારો જાેવા મળી રહ્યો છે. ચીનમાં ઔદ્યોગિક કોપરની ખપત વધી છે. તે ઉપરાંત વૈશ્વિક કોપરનું લગભગ એક ચતુર્થાંશ ઉત્પાદન કરનારા ચિલીએ તેના માઈનિંગ પર ૭૫ ટકા સુધી ટેક્સ લગાવવાની જાહેરાત કરી ચૂક્યું છે.

એ કારણોથી કોપરની માંગ અને કિંમત ઝડપથી વધી છે. કોમોડિટી બજાર સાથે જાેડાયેલા જાણકારો મુજબ, આવનારા સમયમાં કોપરની કિમતમાં હજુ તેજી આવી શકે છે. કોપરનો ૬૫ ટકા ઉપયોગ ઈલેક્ટ્રિકલ, ૨૫ ટકા કન્સ્ટ્રક્શન, ૭ ટકા ટ્રાન્સપોર્ટ અને ૩ ટકા અન્ય સેક્ટરમાં થાય છે.

ભારતીય બજારની વાત કરીએ તો માંગમાં વધારો થવાથી ગત મહિને વાયદા બજારમાં તાંબાની કિંમત ૭૭૬.૫૫ રૂપિયા પ્રતિ કિલો થઈ ગઈ હતી. હાલમાં એમસીએક્સ પર જૂન ડિલીવરીવાળું તાંબુ ૭૩૮.૭૦ રૂપિયા પ્રતિ કિલોના ભાવ પર ટ્રેન્ડ કરી રહ્યું છે. દેશમાં લોકડાઉન સંપૂર્ણ રીતે ખૂલ્યા પછી તેની કિંમતમાં વધારો થઈ શકે છે.

તેના કારણે એસીની કિમતો પહેલેથી જ વધી ચૂકી છે. આવનારા દિવસોમાં પાણીની મોટર, ઘરના ઈલેક્ટ્રિક ફિટિંગથી લઈને કૂકર, મિક્સર ગ્રાઈન્ડર વગેરે સામાનોની કિંમતોમાં વધારો થઈ શકે છે. ઈલેક્ટ્રિકલ વાયરિંગ ઉપરાંત કોપરનો ઉપયોગ હીટિંગ એલીમેન્ટ્‌સ, મોટર્સ, રિન્યુએબલ એનર્જી, ઈન્ટરનેટ લાઈન્સ અને ઈલેક્ટ્રોનિક્સમાં પણ થાય છે. કન્સ્ટ્રક્શન મટીરિયલના રૂપમાં વર્ષોથી કોપરનો ઉપયોગ થયો રહ્યો છે.

બજેટમાં સરકારે કોપર સ્ક્રેપ પર આયાત ડ્યુટીને ૫ ટકાથી ઘટાની ૨.૫ ટકા કરી દીધી હતી. તેનાથી તાંબુ સસ્તુ થવાની આશા હતી, પરંતુ દુનિયાભરમાં ઈકોનોમી પાછી પાટા પર આવી રહી છે. એ કારણે ઔદ્યોગિક ઉત્પાદનમાં તેજી આવી રહી છે. ઉદ્યોગોમાં મોટા પ્રમાણ પર કોપરનો ઉપયોગ થાય છે, એટલે તેની માંગ વધી રહી છે. એ જ કારણે તાંબાની કિંમતો રેકોર્ડ સ્તર પર પહોંચી રહી છે. કેબલ, પંખા, કૂલર, એસી જેવી વીજળીના મોટાભાગના સામાનોમાં કોપરનો ઉપયોગ થાય છે. કોપરની કિંમત વધવાથી આ બધી વસ્તુઓ પણ મોંઘી થઈ જશે.

કોરોના મહામારીને કારણે માર્ચ ૨૦૨૦માં અન્ય ઘણી કોમોડિટીની જેમ કોપરમાં પણ ભારે ઘટાડો આવ્યો હતો. પરંતુ, સ્થિતિમાં થઈ રહેલા સુધારાની સાથે તેની કિંમત સુધરતી ગઈ. એમસીએક્સ પર કોપરનો ભાવ માર્ચ ૨૦૨૦માં ઘટીને ૩૩૫ રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર આવી ગયો હતો. ૩૧ ડિસેમ્બર, ૨૦૨૦એ તે ૫૯૪.૧૫ રૂપિયા પર બંધ થયો હતો. તાજેતરમાં એમસીએક્સ પર જૂન ડિલીવરીવાળું તાંબુ ૭૩૮.૭૦ રૂપિયા પ્રતિ કિલોના ભાવે ટ્રેન્ડ કરી રહ્યું છે.

કોપરને આર્થિક સ્થિતિનું બેરોમીટર માનવામાં આવે છે. કોપરની કિંમતથી આર્થિક સ્થિતિનું સરળતાથી આંકલન કરી શકાય છે. ખરાબ આર્થિક સ્થિતિમાં કોપરની માંગ ઘટે છે અને તેની કિંમત પણ ઘટી જાય છે. આર્થિક તેજી આવવા પર કોપરની માંગ વધે છે અને કિંમત પણ વધી જાય છે. તજજ્ઞોનું કહેવું છે કે, તાંબાની કિંમતોમાં ભવિષ્યમાં પણ વધારો થશે. લંડન મેટલ એક્સચેન્જ (એલએમઈ) પર કોપરની કિંમતમાં આ વર્ષે ૩૪ ટકાની તેજી આવી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.