Western Times News

Gujarati News

દર્દીઓને નિઃશુલ્ક સેવા આપનાર રીક્ષા ચાલકોને સન્માનપત્ર આપવામાં આવ્યા

ભારત ઓટોરિક્ષા એસોસિએશન ભરૂચ દ્વારા એક નવતર પ્રયોગ કરવામાં આવ્યો હતો.

(તસ્વીર ઃવિરલ રાણા, ભરૂચ)  કોરોના કહેર દરમ્યાન કોરોના નામના ભયથી લોકો પોતાના સ્વજનો થી દુર રહેતા હતા તો સાથે પાડોશીઓ અને સગા સંબંધી પણ દર્દીને મદદે આવવા આનાકાની કરતા જાેવા મળતા હતા.તો બીજી બાજુ ખાનગી એમ્બ્યુલનસ પણ મનફાવે તેમ રૂપિયા ખંખેરતી હતી અને ૧૦૮ એમ્બ્યુલન્સ માં પણ વેટિંગ ચાલતું હોય જેથી ૧૦૮ જેવી એમ્બ્યુલન્સ પણ વ્યસ્ત હોય આવા કપરા સમયે જય ભારત ઓટોરિક્ષા એસોસિએશન ભરૂચ દ્વારા એક નવતર પ્રયોગ કરવામાં આવ્યો હતો.

જેમાં ૧૦ જેટલી ઓટોરિક્ષા ચાલકોને કોરોના કે અન્ય નાના મોટા રોગોના દર્દીઓને પોતાના નિવાસ સ્થાનેથી દવાખાને નિઃશુલ્ક લાવવા લઈ જવાની સેવાની વહીવટી તંત્ર દ્વારા પરવાનગી મળતા તેઓએ સેવા શરૂ કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું.જેમાં દર્દીઓને લાવવા લઈ જતી નિઃશુલ્ક તમામ ૧૦ ઓટોરિક્ષાનો નિભાવ ખર્ચ જય ભારત ઓટોરિક્ષા એસોસિએશનના પ્રમુખ સરફરાઝ પટેલ (પપ્પુભાઈ) ચૂકવશે તેવી જાહેરાત કરાઈ હતી.

જેમાં ૭ એપ્રિલ ૨૦૨૧ના રોજથી એમ્બ્યુલન્સ જેવી સેવા માટે ૧૦ ઓટોરિક્ષા શરૂ કરવામાં આવી હતી.જે સેવા આજદિન સુધી અવિરત પણે ચાલી રહી છે.જેમાં ચાલતી રાત દિવસની સેવા દરમ્યાન અત્યાર સુધી ૮૦ થી વધુ દર્દીઓને તેમના નિવાસ સ્થાનેથી દવાખાને લાવવા લઈ જવાની સગવડ આપવામાં આવી છે.

જે સેવાનો એક માસ પૂર્ણ થતાં જ એસોસિએશન દ્વારા તમામ ચાલકોને ફૂલ અને મોમેન્ટો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.જે બાદ આવી સેવાથી પ્રભાવિત થઈ ગુજરાત રાજ્ય ઓટોરિક્ષા ફેડરેશનના પ્રમુખ જયંતીભાઈ પ્રજાપતિ, ઉપપ્રમુખ ગોકુલ ભરવાડ, મંત્રી આરીફભાઈ, દિપક પટેલ સહિતના મહાનુભાવો રવિવારની સવારે ભરૂચ રેલવે સ્ટેશન સર્કલ ખાતે હાજર રહી દેશભરમાં ઉદાહરણરૂપી બનેલ એમ્બ્યુલન્સ જેવી સેવા બદલ ૧૦ ઓટોરિક્ષા ચાલકો અને જય ભારત ઓટોરિક્ષા એસોસિએશનના હોદ્દેદારોને સન્માનપત્ર આપી સન્માનિત કર્યા હતા.

ઓટોરિક્ષા ચાલકો આર્થિક રીતે ભલે પાછળ હોય પણ મન અને શરીરથી મકકમ હોય એ સેવામાં અત્યાર સુધી એકપણ રીક્ષા ચાલકને કોરોનાનો ચેપ લાગ્યો નથી.તેમજ જયભારત ઓટોરિક્ષા એસોસિએશનના પ્રમુખ સરફરાઝ (પપ્પુભાઈ) પટેલે જણાવ્યું હતું કે, જ્યાં સુધી કોરોના મહામારી ચાલુ રહેશે તેમજ અમારી સક્ષમતા રહેશે ત્યાં સુધી આ એમ્બ્યુલન્સ સેવા ચાલુ રહેશે.*


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.