Western Times News

Gujarati News

મપ્રના ૪૭ ગામમાં એક પણ વ્યક્તિએ રસી નથી મૂકાવી

નવી દિલ્હી: દેશમાં કોરોના વાયરસનું સંક્રમણ અટકાવવા માટે વેક્સિનેશનની પ્રક્રિયાને ઝડપી બનાવવામાં આવી રહી છે ત્યારે બીજી બાજુ દેશના અનેક ક્ષેત્રો એવા પણ છે જ્યાં વેક્સિનને લઈ લોકોમાં ભારે ડર વ્યાપેલો છે. માત્ર મધ્ય પ્રદેશના બૈતૂલ જિલ્લામાં જ એવા ૪૭ ગામ મળી આવ્યા છે જ્યાં ગામના એક પણ વ્યક્તિએ હજુ સુધી વેક્સિન નથી લીધી. બૈતૂલના આ ગામો આદિવાસી બહુમતી ધરાવે છે અને ત્યાંના એક પણ વ્યક્તિએ હજુ સુધી વેક્સિન નથી લગાવડાવી.

મધ્ય પ્રદેશના આદિવાસીઓમાં વેક્સિનને લઈ ભારે ડર વ્યાપેલો છે. આ ડર એટલી હદે તીવ્ર છે કે ૧-૨ નહીં અનેક ગામો વેક્સિન લગાવવાની ના પાડી ચુક્યા છે. ભોપાલથી આશરે ૨૫૦ કિમી દૂર પહાડોમાં બૈતૂલ જિલ્લાનું ગુરાડિયા ગામ આવેલું છે. આ ગામમાં કોરકૂ જનજાતિના આશરે ૬૦૦ લોકો વસે છે અને હજુ સુધી કોઈએ પણ વેક્સિન નથી લીધી.

કોરકૂ આદિવાસીઓમાં વેક્સિનને લઈ ભારે ડર વ્યાપેલો છે અને વેક્સિનનું નામ સાંભળતા જ તેઓ દૂર જતા રહે છે. તે વિસ્તારની એક મહિલાના કહેવા પ્રમાણે તેમના જંગલોમાં કોરોના નથી અને વેક્સિન લગાવનારા ગામમાં આવશે તો પણ તેઓ વેક્સિન નહીં લગાવે. શહેરોમાં લોકો ગંદકીમાં રહે છે. સાથે જ તેણે તે વિસ્તારની કોઈ વ્યક્તિ કોરોનાથી મરી હોય તો જણાવો તેવો દાવો પણ કર્યો હતો.

અન્ય એક આદિવાસી યુવકના કહેવા પ્રમાણે તેમના ત્યાં કોરોના જેવું કશું નથી. જે લોકો કોરોના વેક્સિન લઈ રહ્યા છે તે લોકો મરી રહ્યા છે. કોરકૂ જનજાતિના લોકો મકાઈની નાની-મોટી ખેતી કરીને કે પાનની મજૂરી કરીને પોતાનું ગુજરાન ચલાવે છે. બૈતૂલના જિલ્લા વેક્સિનેશન અધિકારી ડૉક્ટર અરવિંદ ભટ્ટના કહેવા પ્રમાણે જિલ્લામાં આશરે ૧,૪૦૦ ગામ છે જેમાંથી ૪૭ ગામના એક પણ વ્યક્તિએ રસી નથી લીધી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.