Western Times News

Latest News from Gujarat India

એક લાખ કરોડના કૌભાંડમાં IL&FSના ભૂતપૂર્વ વડાની ધરપકડ

ચેન્નાઈ: ચેન્નાઈ પોલીસની ઇકોનોમિક ઓફેન્સ વિંગ (ઇઓડબલ્યુ)એ ઇન્ફ્રાસ્ટ્રક્ચર લીઝિંગ એન્ડ ફાઇનાન્સ (આઇએલ એન્ડ એફએસ)ના ભૂતપૂર્વ વડા રવિ પાર્થસારથિની એક લાખ કરોડના કૌભાંડમાં ધરપકડ કરી છે.

આઇએલ એન્ડ એફએસ ગુ્રપના મેનેજમેન્ટે આ કૌભાંડ કરવા માટે તેની ૩૫૦થી પણ વધારે કંપનીઓનો ઉપયોગ કર્યો હતો. આઇએલ એન્ડ એફએસ ગુ્રપે ચેરમેન અને એમડી સીઇઓ રવિ પાર્થસારથિના નેજા હેઠળ આ કૌભાંડ આચર્યું હતું. આ કૌભાંડમાં ૨૦૦ કરોડ ગુમાવનારી ૬૩ મૂન્સ ટેકનોલોજીસ લિમિટેડની ફરિયાદના આધારે એફઆઇઆર નોંધવામાં આવી હતી. આ ઉપરાંત વિવિધ ડિપોઝિટરોની પણ ફરિયાદો નોંધવામાં આવી છે.

અગાઉ પાર્થસારથિ દ્વારા આગોતરા જામીનની કરવામ આવેલી અરજીને મદ્રાસ હાઇકોર્ટ દ્વારા નકારી કાઢવામાં આવી હતી. વાણિજ્યિક ગુનાની તપાસ કરતા વિભાગે જણાવ્યું હતું કે આઇટીએનએલના ડિપોઝિટરો અને રોકાણકારો ઇઓડબલ્યુ સમક્ષ તેમના દાવા રજૂ કરી શકે છે. આઇએલ એન્ડ એફએસની કટોકટી ૨૦૧૮માં ત્યારે પ્રકાશમાં આવી જ્યારે કંપની તરલતાની કટોકટીના લીધે નાણાકીય ચૂકવણીમાં નાદારી નોંધાવવા માંડી. તેના પછી કંપની ઓગસ્ટ ૨૦૧૮માં બોન્ડસના રોકાણકારોને નાણા ચૂકવવાના આવ્યા ત્યારે પડી ભાંગી.

કંપનીનો પ્રારંભ રોડ કન્સ્ટ્રકશન ફાઇનાન્સ કંપની તરીકે થયો હતો. તેના પછી તેણે ૩૪૭ જેટલી પેટા કંપનીઓ રચી હતી અને તેના પર ૯૧,૦૦૦ કરોડનું દેવું હતું. એનબીએફસીએ ફક્ત બધુ કાગળ પર બતાવીને રેટિંગ એજન્સીઓ, એનાલિસ્ટો અને નિયમનકારો બધાને છેતર્યા હતા. આઇએલ એન્ડ એફએસે જ્યારે સંસ્થાઓને ચૂકવણી કરવામાં નાદારી નોંધાવવા માંડી ત્યારે નાણાકીય બજારોમાં ભય પ્રસરી ગયો.

ઓક્ટોબર ૨૦૧૮માં સરકારે પીઢ બેન્કર ઉદય કોટકના નેજા હેઠળ રિઝોલ્યુશન પ્રક્રિયા શરુ કરી. નવી બોર્ડ રચાયાની પ્રથમ એજીએમમાં કોટકે જણાવ્યું હતું કે નવું બોર્ડ આઇએલ એન્ડ એફએસના ચોપડામાં ૯૦,૦૦૦ કરોડના દેવામાંથી અડધુ પાછુ લાવી શકે છે. તેની પ્રક્રિયા હાલમાં ચાલી રહી છે. આ ઉપરાંત તેણે ડેટ રિકવરી ટાર્ગેટ પણ વધારી ૬૧,૦૦૦ કરોડ કર્યો છે.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers