Western Times News

Gujarati News

ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસની દોસ્તી ૨૭ વર્ષ જૂની, બંને ભેગા મળીને ચૂંટણી લડે છેઃ કેજરીવાલ

તમામ વિધાનસભા બેઠક પર આપ ચૂંટણી લડશેઃ કેજરીવાલ

અમદાવાદ, તાજેતરમાં જ થયેલી મહાનગરપાલિકાની ચૂંટણીમાં સપાટો બોલાવનારી આમ આદમી પાર્ટી હવે રાજ્યમાં ૨૦૨૨માં આવી રહેલી વિધાનસભા ચૂંટણીની તૈયારીમાં લાગી ગઈ છે. પક્ષે ના માત્ર અમદાવાદમાં પોતાનું નવું કાર્યાલય શરુ કર્યું છે, પરંતુ આજે અમદાવાદ આવેલા અરવિંદ કેજરીવાલની હાજરીમાં પૂર્વ પત્રકાર ઈસુદાન ગઢવી આમ આદમી પાર્ટીમાં જાેડાઈ ગયા છે. વિધાનસભા ચૂંટણી પૂર્વે ગઢવીની આપમાં એન્ટ્રી પક્ષનું એક મહત્વનું પગલું મનાઈ રહી છે.

આજે અમદાવાદમાં પત્રકારો સાથે વાત કરતા કેજરીવાલે એવી જાહેરાત પણ કરી હતી કે આમ આદમી પાર્ટી ૨૦૨૨માં થનારી વિધાનસભા ચૂંટણીમાં તમામ ૧૮૨ બેઠકો પર પોતાના ઉમેદવાર ઉભા રાખશે. તેમણે એમ પણ કહ્યું હતું કે ગુજરાતમાં બંને પક્ષો ભેગા મળીને ચૂંટણી લડે છે, બંનેએ નક્કી કરી લીધું છે કે ભેગા મળીને ચૂંટણી લડીશું.

જેથી તેમને જનતાનો અવાજ સાંભળવાની પણ કોઈ પરવાહ નથી. દિલ્હી મોડેલને ગુજરાતમાં લાગુ કરવા અંગે કેજરીવાલે કહ્યું હતું કે, તમામ રાજ્યના અલગ મોડેલ હોય છે. દરેક રાજ્યની પોતાની સમસ્યા હોય છે તેવામાં ગુજરાતના લોકો પોતાનું મોડેલ જાતે નક્કી કરશે. ગુજરાતમાં ૨૦૨૨ની ચૂંટણી કોના ચહેરા પર લડાશે તે સવાલનો જવાબ આપતા કેજરીવાલે કહ્યું હતું કે ગુજરાતની જનતા જ પક્ષનો ચહેરો હશે.

કેજરીવાલે જણાવ્યું હતું કે, રાજ્યમાં છેલ્લા ૨૭ વર્ષથી ભાજપ અને કોંગ્રેસ વચ્ચે દોસ્તી ચાલી રહી છે. એવું કહેવાય છે કે કોંગ્રેસ ભાજપના ખિસ્સામાં છે, અને ભાજપને જ્યારે-જ્યારે જરુર પડે ત્યારે માલ કોંગ્રેસ જ સપ્લાય કરે છે. તેમણે કહ્યું હતું કે, ગુજરાતના વેપારી ડરેલા છે, ખેડૂતો આત્મહત્યા કરી રહ્યા છે, શિક્ષણ વ્યવસ્થા ખાડે ગઈ છે.

છેલ્લા એક વર્ષમાં કોરોનાકાળ દરમિયાન ગુજરાતને અનાથ છોડી દેવામાં આવ્યું. ઈસુદાનના આપમાં જાેડાવા અંગે કેજરીવાલે કહ્યું હતું કે, તેમણે પોતાની કારકિર્દીના પીક પર તેને છોડી રાજકારણમાં જાેડાયા છે. સિસ્ટમની બહાર રહી આંદોલન કરી શકાય છે, ડીબેટ કરી શકાય છે, પરંતુ જાે સામેવાળા બધા પક્ષ મળેલા હોય અને તેમને સાંભળવાની કોઈ પરવા જ ના હોય ત્યારે કિચડની અંદર ઉતરીને જ સફાઈ કરવી પડે છે.

આમ આદમી પાર્ટીનો ખેસ ધારણ કર્યા બાદ ઈસુદાન ગઢવીએ જણાવ્યું હતું કે તેઓ લોકો માટે કંઈક કરવા માગે છે, અને પોતાના આ પ્રયાસો માત્ર ટીવીની ડીબેટ પૂરતા મર્યાદિત ના રહે તે માટે તેઓ રાજકારણમાં જાેડાઈ રહ્યા છે. તેમણે જણાવ્યું હતું કે, ગુજરાતના લોકો અવારનવાર કહેતા હોય છે કે તેમની પાસે કોઈ ઓપ્શન નથી,

પરંતુ હવે એક ઈમાનદાર ઓપ્શન તેમની સામે છે. ઈસુદાને કહ્યું હતું કે સિસ્ટમને સાફ કરવા માટે તેમાં ઉતરવું જરુરી છે. આ કારણથી જ તેઓ રાજકારણમાં જાેડાઈ રહ્યા છે. પોતે કેજરીવાલની રાજનીતિ તેમજ તેમની સરકારે દિલ્હીમાં કરેલા કાર્યથી પ્રભાવિત થયા હોવાનું પણ તેમણે જણાવ્યું હતું. કેજરીવાલ આજે સવારે અમદાવાદ આવી પહોંચ્યા તે પહેલા તેમણે ગઈકાલે ટ્‌વીટર પર લખ્યું હતું કે, ‘હવે બદલાશે ગુજરાત. કાલે હું ગુજરાત આવી રહ્યો છું,

ગુજરાતનાં બધાં ભાઈ-બહેનોને મળીશ.’ પોતાના આ ટ્‌વીટ દ્વારા કેજરીવાલે સ્પષ્ટ સંકેત આપી દીધો છે કે તેમના પક્ષનો હવે પછીનો ટાર્ગેટ ૨૦૨૨ની વિધાનસભા ચૂંટણી છે. ઉલ્લેખનીય છે કે, હાલ સુરતમાં આમ આદમી પાર્ટીની સ્થિતિ સૌથી મજબૂત છે. કેજરીવાલના આગમન પૂર્વ ભાજપમાંથી મોટી સંખ્યામાં કાર્યકરો આમ આદમી પાર્ટીમાં જાેડાઈ પણ ચૂક્યા છે.

હાલ ગુજરાતમાં પક્ષની કમાન ગોપાલ ઈટાલિયાના હાથમાં છે, જેઓ એક સમયે આંદોલનકારી રહી ચૂક્યા છે અને યુવાવર્ગમાં સારી એવી ચાહના પણ ધરાવે છે. તે જ રીતે પોતાની પત્રકાર તરીકેની કારકિર્દી દરમિયાન ઈસુદાન ગઢવી પણ યુવાનોને લગતા અનેક મુદ્દા ઉઠાવી ચૂક્યા છે અને તેઓ પણ યુવાવર્ગમાં લોકપ્રિય છે, અને સોશિયલ મીડિયા પર ફોલોઅર્સનો મોટો વર્ગ ધરાવે છે.

આમ, આમ આદમી પાર્ટીએ અત્યારથી જ સિગ્નલ આપી દીધું છે કે તે ૨૦૨૨ના અંત સુધીમાં થનારી ગુજરાતની વિધાનસભા ચૂંટણીને યુવા ચહેરાઓના દમ પર લડવાની છે. ઉલ્લેખનીય છે કે, ભાજપથી નારાજ પાટીદારોનો એક વર્ગ આમ આદમી પાર્ટી તરફ વળ્યો છે, જેની અસર સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં પણ દેખાઈ ચૂકી છે.

હાલમાં ખોડલધામમાં મળેલી પાટીદાર આગેવાનોની બેઠકમાં નરેશ પટેલે આગામી સીએમ પાટીદાર હોવો જાેઈએ તેવું નિવેદન આપીને એક નવી જ ચર્ચા શરુ કરી હતી. હાલ ભાજપના નેતાઓનો પણ ગાંધીનગરમાં મિટિંગોનો દોર ચાલી રહ્યો છે, તેવામાં કેજરીવાલની ગુજરાતની મુલાકાત ખૂબ જ મહત્વની મનાઈ રહી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.