Western Times News

Gujarati News

સુરતની સરકારી શાળામાં પ્રવેશ માટે પડાપડી થઈ

સુરત: સુરતમાં કોરોનાના કહેરને લઈ એક તરફ શિક્ષણ કાર્ય બંધ છે અને ઓનલાઈન શિક્ષણ ચાલી રહ્યું છે. હવે નવું શૈક્ષણિક સત્ર શરુ થવા જઈ રહ્યું છે. વાલીઓ શાળામાં એડમિશન માટે દોડધામ કરી રહ્યા છે. આજના આધુનિક યુગમાં વાલીઓ પોતાના બાળકોને ડોનેશન ભરીને પણ ખાનગી શાળામાં પ્રવેશ કરાવતા હોય છે પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે સુરતની એક સરકારી શાળામાં બાળકોને એડમિશન અપાવવા માટે ડ્રો કરવો પડે છે. ગત વર્ષે કોરોનાના કારણે અનેક લોકોએ ધંધા રોજગાર ગુમાવતાં અનેક વાલીઓ પોતાના છોકરાઓને સરકારી સ્કૂલમા પ્રવેશ માટે દોડી રહ્યાં છે,

તેના કારણે આ સ્કૂલમાં પ્રવેશ આપવા માટે ડ્રો સિસ્ટમ કરવી પડી રહી છે. કોરોનાને કારણે એક તરફ લોકોની આર્થિક સ્થિતિ બગડી છે. ખાનગી શાળામાં અભ્યાસ માટે વાલીઓ ઊંચું ડોનેશન આપીને પણ બાળકોને પ્રવેશ અપાવતા હોય છે. પણ ક્યારેક એવું સાંભળ્યું છે કે સરકારી શાળામાં અભ્યાસ કરાવવા માટે વાલીઓ લાઈનમાં ઊભા રહે છે? હાલ કોરોના કાળમાં લોકોની આર્થિક સ્થિતિ નબળી પડી છે ત્યારે વાલીઓ ખાનગી સ્કૂલમાંથી સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ લઈને સુરતની આ સરકારી શાળામાં અભ્યાસ કરાવવા દોટ મૂકી રહ્યા છે.

સુરત મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ આમ તો વિવાદ અને શિક્ષણના ઉતરતા સ્તર માટે જાણીતી છે. પરંતુ હવે શિક્ષણ સમિતિમાં શિક્ષણનું સ્તર પણ સુધરી રહ્યું છે. ઉતરણ વિસ્તારની શાળા ક્રમાંક ૩૩૪ અને ૩૪૬ છેલ્લા ત્રણેક વર્ષથી સારા શિક્ષણના કારણે ખાનગી સ્કૂલના વિદ્યાર્થીઓને સતત ખેંચી રહી છે. એક જ બિલ્ડિંગમાં ચાલતી બે પાળીની શાળા મળીને કુલ ૧,૮૦૦ વિદ્યાર્થીઓની સંખ્યા છે. પરંતુ હાલમાં પ્રવેશ માટે ૩,૫૦૦થી વધુ વિદ્યાર્થીઓ આવતાં અહી ડ્રો કરીને પ્રવેશ આપવો પડી રહ્યો છે.

સુરતના ઉતરાણ વિસ્તારમાં આવેલી નગર પ્રાથમિક શિક્ષણ (મહાનગર પાલિકા) દ્વારા સંચાલિત મહારાજા કૃષ્ણકુમારસિંહજી પ્રાથમિક શાળા ક્રમાંક ૩૩૪માં આ વર્ષે પણ વિદ્યાર્થીઓના એડમિશન માટે વાલીઓએ પડાપડી કરી છે. જાેકે, આ વર્ષે કોરોનાની મહામારીને લઈને શાળામાં એડમિશન માટે ડિજિટલ રસ્તો અપનાવવામાં આવ્યો છે. એડમિશનમાં પારદર્શિતા જળવાઈ રહે તે રીતે ગૂગલ ફોર્મથી એડમિશન ફોર્મ વિતરીત કરવામાં આવ્યા હતા. આ મામલે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ હસમુખ પટેલે જણાવ્યું હતું કે, છેલ્લા ઘણાં વખતથી શિક્ષણ સમિતિમાં શિક્ષણનું સ્તર સુધરી રહ્યું છે. સરકાર અને પાલિકા દ્વારા જે સુવિધા આપવાામ આવે છે તે સાધનોનો ઉપયોગ કરીને શિક્ષકો વિદ્યાર્થીઓને સારૂ શિક્ષણ આપી રહ્યાં છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.