ભિખારી પણ માનવી જ હોય છે
ભીખ માગતો ભિખારી ગણાય છે. અમુક ભિખારી જન્મજાતથી જ ભિખારી હોય છે તો અમુક સંજાેગોમાં પૈસે ટકે પાયમાલ થઇ જતાં માનવીને ખાવા પીવાના સાંસા પડતાં હોવાથી તેને ભીખ માંગવાનો વારો આવે છે. ‘ભિખારી પણ માનવી જ હોય છે.’
તે કોઇ જનાવર તો નથી જ. અમીર હોય કે ગરીબ, પણ બધાને ભગવાને પેટ તો આપ્યું છે જેથી બધાને ખાવાની જરૂરત પડે છે. અમીર લોકો પૈસે ટકે સુખી હોવાથી પોતાની મરજીથી મન ફાવે ત્યારે કોઇ પણ વસ્તુ વસાવી શકે છે તથા શોખ મુજબનું ખાવાનું ખાઈને પેટ ભરતાં હોય છે.
એવી જ રીતે મધ્યમ વર્ગનો માનવી કે ગરીબ ઘરનો માનવી મહેનત કરીને પોતાનું ભરણ પોષણ કરતાં જ હોય છે. માનવીને જીવવા ખોરાકની પહેલી જરૂર પડે છે પછી કપડાંની અને છેવટે ઘરની. લાંબા સમય સુધી માનવી ખોરાક વગર જીવી શકતો નથી. કપડાં તો ફાટેલા તૂટેલા પહેરીને પોતાનું શરીર ઢાંકીને ચલાવી શકે છે.
‘રોટી કપડાં ઔર મકાન’ આ માનવીની જીવન જરૂરિયાતની ચીજાે છે જે ઓછે વધારે અંશે પણ ચલાવી લેવાય છે. ઘણા ગરીબોને ઘર ન હોવાથી તેઓ કોઇ ઝૂંપડા બનાવીને રહીને રાત દિવસ પસાર કરતાં હોય છે કારણ કે તેને છતની જરૂરત છે. મધ્યભ વર્ગના લોકો ચાલી કે શહેરથી દૂર દૂર નાના ફ્લેટ લઇને રહેતાં હોય છે. જ્યારે અમીર લોકો આલિશાન ફ્લેટ અથવા બંગલામાં રહેતા હોય છે. પણ ભિખારી લોકોને ઘર-બાર કે ઓટલો ન હોવાથી ફુટપાથ પર રહેતાં હોય છે.
ગરીબ લોકો અને ભિખારીમાં ઘણો મોટો ફરક હોય છે. ગરીબ એટલે ભિખારી ગણાતા નથી. અમુક ગરીબ લોકો પોતાની રોજીરોટી કમાવા રસ્તા પર પોતાની કળા બતાવીને, ખેલ કરીને અથવા સંગીત વગાડીને અથવા ગાયનો ગાઇને લોકોને ખુશ કરીને પૈસા કમાતા હોય છે અથવા પોતાના કૌશલ બતાવીને અથવા મહેનત કરીને પેટ રળતાં હોય છે
તો તેઓની ભિખારીમાં ગણતરી કરાય જ નહિ. જે લોકો રસ્તા પર રહીને ખાવા પીવાની ચીજાે તથા પહેરવા માટે કપડાંની માંગણી કરતા હોય તથા પૈસા માંગતા હોય તેને ભિખારી અથવા યાચક કે માંગણ અથવા ભિક્ષુક તરીકે ઓળખવામાં આવે છે. માનવીએ પોતાના પૂર્વભવનાં કર્યા કર્મ મુજબ ભગવાન કોઇને અમીર તો કોઇને ગરીબ તથા કોઇને ભિખારી તરીકે સ્વરૂપ આપે છે.
કહે શ્રણુ આજ
દુનિયાને સર્જન કરીને ભગવાને આપ્યો જન્મ, માનવીને આ જગમહીં,
બનાવ્યો કોઇ માનવીને અમીર કે ગરીબ, તો કોઇને ભિખારી આ દુનિયામહીં
બતાવી લીલા ઇશ્વરે બનાવીને માનવીને, પોત પોતાનાં પૂર્વભવનાં કર્મો અનુસરી
કોને ખબર છે કાલની, થશે શું તારું? જેથી ન કર તિરસ્કાર ગરીબ કે ભિખારીનો કદી.
આજના યુગમાં સામાન્ય રીતે લોકો ભિખારીનો તિરસ્કાર કરતાં હોય છે. અને ‘જાવ જાવ, ચલે જાઓ યંહાસે’ અથવા ‘હટ હટ’ કરીને ધુત્કારીને મોઢું બગાડીને દૂર જવા માટે કહેતાં હોય છે. લોકોએ ભિખારીને ઉતારી પાડવા ન જાેઈએ. કાલની કોણે ખબર છે કે કોણા કેવા દિવસો આવશે? જેથી પોતે કંઇક છે તેવો ઘમંડ રાખવો ન જાેઈએ. ભિખારીને ભીખ ન આપવી હોય તો તેનો તિરસ્કાર તો ન જ કરવો જાેઇએ.
ભિખારીઓ કેટ કેટલાં પ્રકારનાં હોય છે. કોઇ સાચે જ ભિખારી હોય છે જેની પાસે ખાવાનો અનાજનો દાણો કે પહેરવાના પુરતાં કપડાં પણ હોતા નથી જેઓ રસ્તા પર ઉભા રહીને ખુલ્લા શરીરે ફરી ફરીને ભીખ માંગતા હોય છે અથવા અમુક જગાએ રક્તપિત્તથી પીડાતા ભિખારીઓ નજરમાં આવે છે તો અમુક લુલા, લંગડા કે આંધળા ભિખારીઓ ભીખ માટે ફાંફા મારતાં દેખાય છે.
પરંતુ અમુક ભિખારીઓ લોકોની સહાનુભૂતિ જીતવા અમુક કલાક કે દિવસનાં ભાડેથી નાના કુમળી વયના બાળકો અથવા અપંગ બાળકોને લાવીને પોતાનાં હાથમાં ઉચકીને રસ્તા પર ભીખ માંગતા દેખાય છે. અમુક ભિખારીઓ ભિખારચટું હોવાથી તેઓને ભીખ માંગવા સિવાય બીજું કંઇ સૂઝતું જ ન હોવાથી રસ્તા પર જ્યાં રાહદારીઓની અવરજવર બહું રહેતી હોય છે
અથવા રસ્તાનાં ક્રોસિંગ આગળ લાલ સિગ્નલ પડતાં ગાડી ઉભી રહેતાં, ભીખ માંગવા માટે આજીજી કરતાં રહેતાં હોય છે. અમુક ભિખારીઓ પૈસા મળતાં જુગાર રમવા બેસી જાય છે તો કોઇ ભિખારી વ્યસનથી પીડાતાં તેમાં જ પૈસા ખર્ચી નાંખતા હોય છે. જેથી ઘણાં લોકો ભિખારીઓને એક પણ પૈસો પરખાવતા નથી.
અમુક ભિખારીઓ ભિખારીવેડા કરવાથી તેઓ કદી ઉંચા આવતાં નથી અને ઘણા ભિખારીઓ ભીખ મળવાથી મહેનત કરવા તૈયાર હોતા નથી. હાથ લંબાવવાથી ભીખ મળી જતાં તેઓ દિવસ અને રાત પસાર કરી દેતા હોય છે અને તેઓને કાલની ચિંતા હોતી નથી. બસ આજે ખાવા પીવાનું મળ્યું એટલે તેઓ ખુશ થઇ જાય છે. ઘણી વખત ઘંમડી તથા પૈસાદાર લોકો ભિખારીને ભિખારડો કહીને સંબોધતાં ઠેકડી ઉડાવતાં પોતે નવા કર્મો બાંધતા હોય છે તે તેમને ખબર પડતી નથી.
કહે શ્રેણુ આજ
આજનો તવંગર બની શકે કોઇ દિ, ભિખારી પોતાનાં કર્મોનુસાર,
તો કાલનો ભિખારી બની શકે કોઇ દિ, પૈસાદાર પોતાનાં કર્મોનુસાર.
બતાવી દે સહાનુભૂતિ તારી, આપીને તુજથી બનતું કાંઇ કોઇને,
વિતાવી લે જીવન તારૂં, દયા દાન ધર્માદા કરીને.
ઘણી એવી સંસ્થાઓ ચાલે છે કે ભિખારીઓને કપડાં લત્તા, ખાણી-પીણી આપીને તેઓનો જીવન ગુજારો કરાવવામાં મદરૂપ બને છે. જ્યારે ઘણી જગ્યાએ સવારના મંદિર હોય કે દેરાસર, મસ્જિદ હોય કે ચર્ચ અથવા દરિયા કિનારે ભીખારીઓ કતારમાં બેસે છે જ્યાં અમુક દાનવીર ખાવા-પીવામાં ઇડલી, કેળા, ખીચડો, બીસ્કીટ, ચા અથવા કોફી પીરસીને અથવા કપડાં તથા શિયાળામાં ધાબળાં આપીને અનુકંપાદાન કરતાં હોય છે.
સરકારે બિક્ષુકગૃહો પણ ખોલવા જાેઇએ જેથી ભિખારીઓને ખાવા પીવાનું મફતમાં મળી રહે તથા ભિખારીઓને કામે લગાડવા નાના મોટા પ્રકલ્પ કે યોજનાઓ કરવી જાેઇએ જેથી તેઓને મહેનતાણાનાં પૈસા મળી રહે. અમેરિકા જેવાં વિકસીત દેશમાં સરકારની મદદરૂપી યોજનાઓથી રસ્તા પર કોઇ ભિખારી ભીખ માંગતા દેખાતા હોતા નથી.
કહે શ્રેણુ આજ
ન કર તિરસ્કાર એ ભિખારીનો, જે પોતાના પેટ માટે માંગે છે,
ન કર ફિટકાર એ યાચકનો, જેની પાસે નથી કાંઇ.
ન કર ધિક્કાર એ માગણનો જેને રાખી છે અપેક્ષા તુજ પાસેથી,
ન કર તુચ્છકાર એ ભિક્ષુકનો, જેની પાસે નથી રોટી, કપડાં ઔર મકાન.