Western Times News

Gujarati News

સુભાષબ્રિજ આરટીએ માટે ભાડે રાખેલા બિલ્ડિંગનું સરકારે ૩.૩૦ કરોડ ભાડું ચૂકવી દીધું

અમદાવાદ: સુભાષબ્રિજની જૂની આરટીઓ કચેરી જર્જરિત હોવાથી એને ફેબ્રુઆરી-૨૦૧૯થી આરટીઓને પાસેના હિમાલય બિઝનેસ સેન્ટરમાં ભાડાની ૧૯ હજાર સ્ક્વેર ફૂટની જગ્યામાં ખસેડી છે. ભાડાનાબિલ્ડિંગમાં આરટીઓને ખસેડી ત્યારે ૧૯ હજાર સ્ક્વેર ફૂટની વેચાણ કિંમત અંદાજે ૧૩.૫૦ કરોડની આસપાસ હતી. સરકારે આરએનબીના અભિપ્રાયને આધારે રૂ.૧૧ લાખના ભાડે જગ્યા ભાડે રાખી હતી, એ મુજબ અત્યારસુધીમાં માસિક રૂ.૧૧ લાખ પ્રમાણે ૩.૩૦ કરોડ ભાડું ચૂકવી દીધું છે, જે રકમ અઢી વર્ષની છે. હજી જૂનું બિલ્ડિંગ તૂટ્યું ન હોવાથી વધુ બે વર્ષની સમયમર્યાદા લંબાવાશે.

ગાંધીનગરનાં સૂત્રો મુજબ, ભાડાના બિલ્ડિંગનો કોન્ટ્રેક્ટ વધુ બે વર્ષ રિન્યુ કરવા વાહનવ્યવહાર કમિશનર સમક્ષ ફાઇલ છે. સુભાષબ્રિજ જૂની આરટીઓની પાકા લાઇસન્સ સિવાયની બધી કામગીરી હિમાલય બિઝનેસ સેન્ટરમાં ગ્રાઉન્ડ ફલોરની ૫૦૦૫ સ્ક્વેર ફૂટ અને સેકન્ડ ફલોરની ૧૪ હજાર સ્ક્વેર ફૂટની જગ્યામાં ખસેડી હતી. ફેબ્રુ.,૨૦૧૯થી જૂન,૨૦૨૧ સુધીમાં ૩.૦૮ કરોડ ભાડું ચૂકવાઇ ગયું છે. હજી બે વર્ષ જગ્યા ભાડે રાખવાથી વધુ રૂ.૨.૬૪ કરોડ ચૂકવવાના થશે. સાડાચાર વર્ષમાં અંદાજે પોણાછ કરોડ જેટલી રકમ ચૂકવાશે. ઉપરાંત ભાડામાં વધારો થશે તો આંકડો ૭થી ૮ કરોડ સુધી પહોંચી શકે છે. આ જગ્યા પર કે આસપાસની જગ્યામાં ટેમ્પરરી બિલ્ડિંગ ઊભું કર્યું હોય તોપણ આટલો ખર્ચ ન થાય. વાહનવ્યવહાર વિભાગના ઉચ્ચ અધિકારીઓએ લાભ ખાટવા ભાડાની ઊંચી રકમ આંકીને સરકારને નુકસાન પહોંચાડ્યું હોવાનું મનાય છે.

વાહનવ્યવહાર વિભાગ પૂર્વ અધિકારીઓના જણાવ્યા મુજબ, સરકાર ભાડાની નિયત રકમના વ્યવહારની તપાસ કરે તો મોટે પાયે નાણાકીય ગેરરીતિ નીકળશે, કારણ કે આજ બિલ્ડિંગ હાલ ૪ ચાર હજાર સ્ક્વેર ફૂટની જગ્યા દોઢથી પોણાબે લાખના ભાડે મળે છે. જાે ૧૯ હજાર સ્ક્વેર ફૂટનું ભાડું ગણીએ તો હાલમાં પણ ૭ લાખની આસપાસમાં ભાડે મળી જાય છે. તો પછી ૨૦૧૯માં ૧૯ હજાર સ્ક્વેર ફૂટની જગ્યાનું ભાડું ૧૧ લાખ કેવી રીતે નક્કી કરાયું.
વાહનવ્યવહાર વિભાગના ઓએસડી જે.એન.વાઘેલાએ જણાવ્યું હતું કે સરકાર દ્વારા સુભાષબ્રિજ આરટીઓના નવા બિલ્ડિંગના આયોજનની કામગીરી ચાલે છે. ટેન્ડરિંગ પ્રક્રિયા કરી ઝડપથી પૂરી કરી દેવાશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.