Western Times News

Gujarati News

બે દિવસના ઉછાળા બાદ કોરોના વાયરસના નવા કેસમાં ઘટાડો થયો

પાછલા ૨૪ કલાકમાં દેશમાં કોરોનાના નવા ૪૬,૬૧૭ કેસ નોંધાયા છે અને ૮૫૩ દર્દીઓએ જીવ ગુમાવ્યો છે

નવી દિલ્હી: ભારતમાં કોરોનાના સંક્રમણમાં બે દિવસ વધારો થયા બાદ સામાન્ય ઘટાડો નોંધાયો છે આ સાથે મૃત્યુઆંક પણ ફરી ૧૦૦૦ની અંદર આવી ગયા છે. ગઈકાલે ભારતમાં દૈનિક કોરોના કેસની સંખ્યા ૪૮,૭૮૬ પર પહોંચી ગઈ હતી અને ૧૦૦૫ દર્દીના જીવ ગયા હતા. નવા નોંધાયેલા મૃત્યુઆંક સાથે કુલ મૃત્યુઆંક ૪ લાખને પાર થઈ ગયો છે.

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા આજે જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે પાછલા ૨૪ કલાકમાં દેશમાં કોરોનાના નવા ૪૬,૬૧૭ કેસ નોંધાયા છે અને ૮૫૩ દર્દીઓએ જીવ ગુમાવ્યો છે. કોરોનાના નવા કેસમાં જે ગતિથી ઘટાડો નોંધાઈ રહ્યો છે તે જાેતા આગામી અઠવાડિયાના અંત સુધીમાં નવા કેસની સંખ્યા ૨૫ હજારની નજીક પહોંચશે તેવી સંભાવના દેખાઈ રહી છે.

ભારતમાં ૨૪ કલાકમાં વધુ ૨૯,૩૮૪ દર્દીઓ સાજા થવાની સાથે કુલ સાજા થયેલા દર્દીઓની સંખ્યા ૨,૯૫,૪૮,૩૦૨ થઈ ગઈ છે. જ્યારે કુલ સંક્રમણનો આંકડો ૩,૦૪,૫૮,૨૫૧ પર પહોંચ્યો છે. ભારતમાં વધુ ૮૫૩ દર્દીઓના મોત થતા કુલ મૃત્યુઆંક ૪ લાખને પાર કરીને ૪,૦૦,૩૧૨ પર પહોંચી ગયો છે.

કોરોનાના નવા કેસની સામે સાજા થયેલા દર્દીઓની સંખ્યા પાછલા લાંબા સમયથી ઊંચી નોંધાઈ રહી છે જેના લીધે દરરોજ એક્ટિવ કેસની સંખ્યામાં ઘટાડો થઈ રહ્યો છે. હાલ દેશમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા ૫,૦૯,૬૩૭ પર પહોંચી છે.

દેશમાં ૧૬ જાન્યુઆરીએ વેક્સીનેશન અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો જેમાં અત્યાર સુધીમાં કુલ કોરોનાની રસીના ૩૪,૦૦,૭૬,૨૩૨ ડોઝ આપવામાં આવ્યા છે. ભારતમાં કોરોનાની તપાસ માટે પહેલી જુલાઈ સુધીમાં કુલ ૪૧,૪૨,૫૧,૫૨૦ સેમ્પલ લેવામાં આવ્યા છે. જ્યારે ૨૪ કલાકમાં વધુ ૧૮,૮૦,૦૨૬ સેમ્પલ લેવામાં આવ્યા છે.

ભારતમાં કોરોના વાયરસના ૨૦ લાખ કેસ ૭ ઓગસ્ટના રોજ થયા હતા, આ પછી ૨૩ ઓગસ્ટે ૩૦ લાખ, ૫ સપ્ટેમ્બરે ૪૦ લાખ, ૧૬ સપ્ટેમ્બરે ૫૦ લાખ પર પહોંચી ગયા હતા. આ પછી ૬૦ લાખ પહોંચતા ૨૮ સપ્ટેમ્બર સુધીનો ટૂંકો સમય લાગ્યો હતો. જે પછી ૧૧ ઓક્ટોબરે ૭૦ લાખ, ૨૯ ઓક્ટોબરે ૮૦ લાખ, ૨૦ નવેમ્બરે ૯૦ લાખ અને ૧૯ ડિસેમ્બરે કોરોનાના કુલ કેસનો આંકડો ૧ કરોડને પાર થઈ ગયો હતો.

આ પછી ૧૯ એપ્રિલે ભારતમાં કોરોના કુલ કેસનો આંકડો ૧.૫૦ કરોડને પાર થયો હતો. ૪ મેના કેસ સાથે આ આંકડો ૨ કરોડને પાર કરી ગયો છે. ૧૮મેના રોજ જાહેર થયેલા આંકડા પ્રમાણે દેશમાં કોરોનાના કુલ કેસની સંખ્યા ૨.૫ કરોડને પાર થઈ ગઈ હતી. ૨૩ મેના નવા કેસ સાથે કુલ કેસ ૩ કરોડને પાર થઈ ગયા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.