દેશમાં ૫૦ વર્ષમાં હીટવેવથી ૧૭ હજારનાં મોત થયા છે
નવીદિલ્હી: એક સ્ટડીમાં દાવો કરવામાં આવ્યો હતો કે ભારતમાં છેલ્લા ૫૦ વર્ષમાં હીટવેવને કારણે ૧૭ હજાર લોકોના મોત નિપજ્યા છે. ૧૯૭૧થી ૨૦૧૯ દરમિયાન દેશમાં હીટવેવની ૭૦૬ ઘટનાઓ સામે આવી હતી. દેશના ટોચના હવામાન સાથે સંકળાયેલા વિજ્ઞાાનિકો દ્વારા એક અભ્યાસના આધારે આ આંકડા એકઠા કરવામાં આવ્યા હતા. જેમાં દેશમાં હીટવેવની શુ અસર રહી તેનો અભ્યાસ કરવામાં આવ્યો હતો.
આ રીસર્ચ પેપરને અર્થ સાયંસ મંત્રાલયના સેક્રેટરી એમ. રાજીવન, વિજ્ઞાાનિક કમલજીત રેય, એસ એસ રેય, આર કે ગીરી અને એ પી દિમરી દ્વારા તૈયાર કરવામાં આવ્યા હતા. આ પેપરના મુખ્ય ઓથર કમલજીત રેય છે. જેટલી પણ હવામાન સંલગ્ન અસરો માનવી પર થઇ છે તેમાં હીટવેવ ટોચના સ્થાને છે.
છેલ્લા ૫૦ વર્ષમાં ૧૯૭૧-૨૦૧૯ એક્સ્ટ્રીમ વેધર ઇવેન્ટની ઘટનાઓને કારણે ૧,૪૧,૩૦૮ લોકોના મોત નિપજ્યા હતા. જેમાં હીટવેવથી જ ૧૭૩૬૨ લોકો હીટવેવને કારણે મોતને ભેટયા હતા. જે હવામાન સંલગ્ન ઘટનાઓથી મૃત્યુ પામેલાની સરખામણીએ ૧૨ ટકા છે. હીટવેવથી સૌથી વધુ મોત આંધ્ર પ્રદેશ, તેલંગાણા અને ઓડિશામાં થયા હતા.
કોર હીટવેવ ઝોન (સીએચઝેડ) હીટવેવ માટે સૌથી પ્રોન એરિયા માનવામાં આવે છે. આ એરિયામાં પંજાબ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, દિલ્હી, હરિયાણા, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, ગુજરાત, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, છત્તીસગઢ, બિહાર, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, ઓડિશા, આંધ્ર પ્રદેશ, તેલંગાણાનો સમાવેશ થાય છે. ઉત્તર ભારતમાં હીટવેવની સૌથી વધુ અસર જાેવા મળે છે. અનેક ભાગોમાં આ સપ્તાહે જ તાપમાન ૪૦ ડીગ્રી સુધી પહોંચી ગયું હતું.