Western Times News

Latest News from Gujarat India

ભારતે મહાશક્તિ બનવું હશે તો બુધ્ધિધનને વિદેશ જતા રોકવું પડશે

ટેસ્લા દ્વારા મસ્કે ભવિષ્યમાં ખૂબ જ ઉપયોગી થનાર ઈલેક્ટ્રોનિક મોટરકારો બનાવી છે. ભારતે વિશ્વની મહાસત્તા બનવા તેની પ્રતિભાઓને વિદેશ જતી રોકવી પડશે

દેશમાં લાખો લોકો એવા છે કે જેમનામાં જુદાં જુદાં ક્ષેત્રોમાં ભારોભાર કુશળતા છુપાયેલી છે. આવી કુશળતાને બહાર લાવવાની જરૂર છે

સમગ્ર વિશ્વને હવે અહેસાસ થઈગયો છે કે ભારત હવે એક શક્તિશાળી રાષ્ટ્ર તરીકે ઉભરી રહ્યો છે. છેલ્લા એક દાયકામાં આવેલા પરિવર્તન પછી વિદેશોમાં ભારતના વિકાસની ગુંજ સંભળાઈ રહી છે. ભારતનાં વિકાસકાર્યો અને એજન્ડાનો પડઘો આખા વિશ્વમાં પડી રહ્યો છે.

એક સમય એવો હતો જ્યારે ભારત મદારીઓનો દેશ ગણાતો હતો. પણ આ મહેણું હવે ભાંગી ગયું છે. ગાલવાનમાં ઘૂષણખોરીનો જડબેસલાક જવાબ મળ્યા પછી ચીન જેવી મહાસત્તાને પણ ચમત્કાર જાેવા મળ્યો છે કે ભારત હવે ૧૯૬રની જેમ કુરનિશ બજાવનાર દેશ રહ્યો નથી.

કોરોનાની મહામારી સામે લડવામા વિશ્વના અનેક દેશો આજકાલ ભારતના માર્ગે આગળ વધી રહ્યાં છે. ભારતનાં નેતૃત્વ અને મેડિકલ જગતમાં તેની કુશળતાની સલાહ લઈને કામ કરી રહ્યાં છે. કોરોનાની વેક્સિન બનાવવામાં અન્ય વિકસિત દેશોની હરોળમાં ભારત ઉભો રહ્યો છે.

ભારતે જાે વૈશ્વિક મહાશક્તિ બનવું હશે તો તેણે દેશમાં રહેલી પ્રતિભાઓને વિદશે જતા રોકવી પડશે. તેમને ભારતમાં જ પોતાની કુશળતા વિકસાવવાની અને તેનાં સારાં પરિણામો હાંસલ કરવાની તક આપવી પડશે. તેમને એવી સુવિધાઓ આપવી પડશે કે જેથી તેઓ ભારતનાં બિલ ગેટ્‌સ, જેક બેજાેસ કે માર્ક ઝુકરબર્ગ બની શકે. તેઓ દેશ છોડીને ક્યાંય ન જાય.

ભારતમાં ઈમિગ્રેશન વધી રહ્યું છે. પણ તે ચિંતાજનક મુદ્દો નથી. દેશમાં કુશળ લોકો પાછળ પૂરતું ધ્યાન આપવામાં આવતું નથી. અને તેમની કુશળતા ખીલવવા યોગ્ય રોકાણ કરવામાં આવતું નથી તે મુખ્ય સમસ્યા છે. દેશના ધનિક લોકો તેમનાં સંતાનોને અભ્યાસ માટે અમેરિકા તેમજ બ્રિટન જેવા દેશોમાં મોકલી રહ્યાં છે.

કોરોનાની બીજી લહેર જ્યારે હાહાકાર મચાવી રહી હતી ત્યારે અખબારોમાં એવા અહેવાલો ચમક્યા હતા કે દેશમાં મેડિકલ સુવિધાઓની હાલત જાેઈને ધનિક તેમજ મધ્યમવર્ગના લોકો અન્ય દેશોમાં વસવાટ કરવા પલાયન કરી રહ્યાં છે. આવા અહેવાલો પછી ભારતનું વિદેશોમાં ઢસડાઈ જતું બુધ્ધિધન ચર્ચાનો વિષય બન્યું છે.

દેશમાં લાખો લોકો એવા છે કે જેમનામાં જુદાં જુદાં ક્ષેત્રોમાં ભારોભાર કુશળતા છુપાયેલી છે. આવી કુશળતાને બહાર લાવવાની જરૂર છે. ૧૯૬૦નો સમય એવો હતો કે જ્યારે સમાજવાદને કારણે દેશમાંથી લોકોનું પલાયન શરૂ થયું હતું. આ જ સમાજવાદને કારણે ૧૯૯૦ના દાયકામાં ભારતમાં આર્થિક સંકટ સર્જાયું હતું. આ પછી દેશમાં આર્થિક સુધારાનો તબક્કો શરૂ થયો હતો. લોકોની આવક વધી હતી. આમ છતાં વિદેશોમાં ઢસડાઈ જતું બુધ્ધિધન અટક્યું ન હતું.

આનાથી દેશને નુકસાન થયું છે તેમ કહી શકાય નહીં. વિશ્વની સૌથી શક્તિશાળી અને વિશાળ કંપનીઓમાં સામેલ ગૂગલમાં સુંદર પિચાઈ અને માઈક્રોસોફ્ટમાં સત્યા નડેલા જેવા બધ્ધિજીવી ભારતીયો ઉચ્ચ હોદ્દા પર કાર્યભાર સંભાળીને ભારતનું નામ રોશન કરી રહ્યાં છે.

અમેરિકાની અવકાશ સંસ્થા નાસાનાં નવાં મિશનોમાં ભારતીયોની કામગીરી મહત્વની રહી છે. ત્યાં જે આધુનિક રિસર્ચ ચાલી રહ્યાં છે. તેમાં ભારતીયો યોગદાન આપી રહ્યાં છે. અમેરિકાની સિલિકોન વેલીમાં ભારતીયો ડંકો વગાડી રહ્યાં છે. તેમને સન્માનની નજરે જાેવામાં આવે છે. તેમનાં આગવાં યોગદાનને કારણે એવી કંપનીઓ અસ્તિત્વમાં આવી રહી છે કે જે દુનિયાની તકદીર બદલવાની તાકાત ધરાવે છે.

ભારતમાં આવી કંપનીઓ અસ્તિત્વમાં આવી નથી રહી તે અફસોસજનક છે. અમેરિકાની આજકાલ વિશ્વની મહાશક્તિમાં ગણના થાય છે. તેમાં ત્યાંની સ્થાનિક પ્રતિભાઓ ઉપરાંત ભારત-ચીન તેમજ વિશ્વમાંથી ત્યાં રહેતી પ્રતિભાઓનું યોગદાન મહત્વનું છે. એલન મસ્ક કે જે દક્ષિણ આફ્રિકાથી અમેરિકા ગયા. તેમની કંપની સ્પેસએક્સ મંગળ પર માનવીઓને લઈ જવા સાહસ ખેડી રહી છે.

ટેસ્લા દ્વારા મસ્કે ભવિષ્યમાં ખૂબ જ ઉપયોગી થનાર ઈલેક્ટ્રોનિક મોટરકારો બનાવી છે. ભારતે વિશ્વની મહાસત્તા બનવા તેની પ્રતિભાઓને વિદેશ જતી રોકવી પડશે અને દેશમાં જ તેમને કુશળતા પુરવાર કરવાની તક આપવી પડશે. ભારતમાં મળતી નવી તકો જાેઈને વિદેશની પ્રતિભા ભારતમાં આવે તેવું વાતાવરણ સર્જવું પડશે.

એક સમય એવો આવવો જાેઈએ કે ભારતનાં કુશળ લોકો આખા વિશ્વનું ભાવિ ઘડતા હોય. સરકાર અને સત્તાવાળાઓ દ્વારા મહત્વનાં પગલાં લેવાય તો આ માટેની મંજિલ દૂર નથી.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers